અમૃત કળશ: ૨૩
સત્પુરુષ, ગુરુ
... સગી મા હોય તે લીંબડો પાય તેમ સાચા સાધુ હોય તે હેતનાં વચન વઢીને કહે. મનમાં તો જાણે જે, કાંઈ ન કહે તો ઠીક પણ કહ્યા વિના ન ચાલે ને કહ્યા વિના જ્ઞાન પણ કેમ થાય? વાણીઆ છે તે છોકરાને કાંઈ વાગે ત્યારે કૂંકે પણ કૂંક્યે સ્વભાવ જાય નહિ. આ જીવને ભમાવતું એવું જે મન તે પ્રભુ ભજવા દેતું નથી, માટે એનું ગમતું કરવું નહિ... (૧)
પ્રકરણ/વાત: ૯/૨૧૪
આ સાધુની સેવા આપણને ક્યાંથી મળે? ને આ સાધુ જેવા ગુણ બીજે ખોળો જો હોય તો!
શીલ સંતોષ ને વળી શાંતિ રે, એમાં રહીને બોલે છે,
ધીરજતા કહી નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે.
એવા સંત સહુના સગા રે, પર ઉપકારી પૂરા છે,
જેના દલમાં નહિ કોઈ દગા રે, સત્ય વાતમાં શૂરા છે.
વળી હેત ઘણું છે હૈયે રે, આંખે અમૃત વરસે છે,
કહે નિષ્કુળાનંદ શું કહીએ રે, એ જન જોઈ હરિ હરખે છે૧... (૨)
૧. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત ‘ચોસઠ પદી’ – પદ ૧૩
પ્રકરણ/વાત: ૧૨/૧૦૫
ભરવાડ છે તે પ્રથમ આંગળી ધરાવીને પછી આંચળે વળગાડે તેમ સાધુ છે તે ધીરે ધીરે ભગવાનમાં જોડે. અને આપણે આમ સુખ ભોગવીશું ને આપણે આમ કરશું એવા જેટલા જેટલા જીવના સંકલ્પ તેટલા તેટલા પ્રકરણ મહારાજ ફેરાવતા પણ જીવનું કાંઈ ધાર્યું રહેવા દેતા નહિ. (૩)
પ્રકરણ/વાત: ૮/૧૨૧
કામ તો મોટાની દૃષ્ટિએ બળે છે. એક બાવો બીલખાની સીમમાં રહેતો હતો ત્યાં કોઈક એક રોટલા દઈ જાતું હતું, પણ તે સ્ત્રીના હાથનો ઘડેલ છે ને સ્ત્રીના આંગળાં તેમાં દેખાય છે. એમ સ્ત્રીનું ચિતવન થવાથી નિરંતર વિર્યપાત થાતો. તે એમ ને એમ સાત વરસ સુધી રહ્યું. એવું કામનું જોર છે. પછી રામાનંદ સ્વામી મળ્યા ત્યારે એ પાપ ટળ્યું. પૂર્વે પણ કામે મોટા મોટાને હેરાન કર્યા છે. એક પુરુષ દહેરામાં રહેતો ને બહાર નીકળતો નહિ. તોય કામનો સંકલ્પ મટતો નહિ. પણ રામાનંદ સ્વામીની દૃષ્ટિ થઈ ત્યારે તે ટળ્યો. માટે મોટાની દૃષ્ટિ વિના એ દોષ ટળે જ નહિ. તે વચનામૃતમાં કહ્યું છે જે, મોટાની દૃષ્ટિ વિના પૂર્વના સંસ્કાર ટળવા બહુ કઠણ. (૪)
પ્રકરણ/વાત: ૯/૮૮
ભગવાન કોઈ સાધને વશ થાતા નથી પણ ભગવાનના ભક્તમાં જીવ જોડે ત્યારે વશ થાય છે. (૫)
પ્રકરણ/વાત: ૯/૧૦૪
સો સો વાર તપાસ્યું પણ કામ ને લોભ ટાળ્યા વિના ને એનાં મૂળ ખોદી નાખ્યા વિના જાય એવા નથી. આ સાધુ ઓળખાશે ત્યારે કામ ને લોભ નહિ રહે ને આ સાધુનો સમાગમ કરશું તો આફુડું ભગવાનના ધામમાં જવાશે. (૬)
પ્રકરણ/વાત: ૯/૩૦૩
સર્વદેશી સાધુ મળવા તે બહુ કઠણ છે. વ્યવહારનું જ્ઞાન, ભગવાનના માર્ગનું જ્ઞાન, સાંખ્યનું, યોગનું, ભગવાનની ઉપાસનાનું વગેરે સર્વ પ્રકારનું જ્ઞાન જેને હોય તે સર્વદેશી કહેવાય અને સત્સંગમાં સર્વદેશી પુરુષથી જ સમાસ થાય છે. (૭)
પ્રકરણ/વાત: ૧૦/૧૪
... મોટા સાથે જીવ બાંધ્યો હોય તો જ સમું રહે. તે જેમ તંબોળી પાનને સંભાળે છે તેમ તેની ખબર રાખે ને પછી એમ ને એમ મોટામાં બંધાઈ રહે તો તે મોટાનો આશીર્વાદ થાય તે પછી વિષયનો લીધો લેવાય નહિ. તે ઉપર મયારામ ભટ્ટની વાત કરી જે, રામાનંદ સ્વામીનો આશીર્વાદ હતો તે કોઈ રીતે ધન-સ્ત્રીમાં ફેર પડ્યો નહિ. ને જોગ બધા હતા ને ખાવામાં શેર ઘી જમી જતા પણ કોઈ વાત નડી નહિ. તે એવા મોટા ગુણ આવે એ તો મોટાના અનુગ્રહે કરીને આવે. એક વખતે તેમના ભત્રિજા નારાયણજીએ દર્પણ માગ્યું ત્યારે કહે, “ચાર દોકડા આપ તો આપું. આ તો સ્વામિનારાયણનું છે તે મહારાજ તો આપે તે ધણી છે.” એવા હતા ત્યારે જ મહારાજે પ્રથમ ધર્માદો ઉઘરાવવા ભટ્ટજીને આજ્ઞા કરી હતી. (૮)
પ્રકરણ/વાત: ૧૦/૧૦૨
કહેવું કઠણ છે ને કોઈ કહે તો ખરા પણ રહેવું તો તેથી બહુ કઠણ છે:
કહેણી મીસરી ખાંડ હે, રહેણી તાતા લોહ;
કહેણી કહે ને રહેણી રહે, એવા વીરલા કોક.
કહેવું ને રહેવું તે તો કોઈ મોટા હોય તેથી જ થાય તે અસાધારણ લક્ષણમાં કહ્યું છે જે, એની આજ્ઞામાં એવો પ્રતાપ હોય તે તેની આજ્ઞા કોઈ લોપે નહિ. તે અંગ્રેજ કોઈને ઘેર ચોકી રાખવા જતો નથી પણ એવો જ સિક્કો પડ્યો જે ચોર બંધ થઈ ગયા, તે ગિરની નજીકમાં ખાંભા ગામ છે ત્યાં એક્કી હારે બાર જણને ફાંસીએ ચડાવ્યા. ને જ્યાં લૂંટ કરી ત્યાં લૂંટનારાને ફાંસીએ ચડાવ્યા તેથી ચોર બંધ જ થઈ ગયા ને ખૂન કરતા આળસી ગયા. માટે પુરુષ બળવાન છે. (૯)
પ્રકરણ/વાત: ૧૦/૨૫૫
ભગવાનના સંત વિના કેવળ આત્મામાં પણ કોઈ માલ જાણશો મા ને ત્યાગમાં પણ માલ ન જાણવો. તે અશ્વત્થામા અસુર કહેવાણો. (૧૦)
પ્રકરણ/વાત: ૧૧/૪૦