અમૃત કળશ: ૨૧
કૃપા, ભક્તવત્સલતા
આપણે લઈ મંડીએ ત્યારે મહારાજને દયા આવે ને રોજ રોજ સ્તુતિ કરવા માંડીએ ત્યારે મોટા ગુણ આપ્યા વિના રહે નહિ. મહારાજે પ્રશ્ન-ઉત્તર કરાવ્યા તેમાં છેવટ મહારાજ કહે, “અક્ષરધામમાંથી અમે આંહીં આવ્યા એવી તમારી કઈ ક્રિયા?” એ તો કૃપાએ કરીને જ આંહીં પધાર્યા છે એમ મહારાજને કૃપાસાધ્ય જાણવા. (૧)
પ્રકરણ/વાત: ૮/૯૭
બાવીશીના બરવાળામાં એક વાણીઆને તાવ આવ્યો એટલે અમને કહે, “તાવ ઉતારો.” ત્યારે અમે કહ્યું, “સત્સંગી થાઓ તો તાવ ઉતારીએ.” એટલે કહે, “સત્સંગી તો ન થાઉં.” પછી અમે કહ્યું, “વરતાલ દર્શને આવો તો તાવ ઉતારીએ.” એટલે કહે, “મારો કાકો અંબાજીએ આવે તો હું વરતાલ આવું.” પછી તાવ ઉતાર્યો એટલે અમારી પાસે આવ્યો ને કહે, “વર્તમાન ધરાવો.” પછી અમે તેને વર્તમાન ધરાવ્યાં તો પણ વર્તમાન ન રાખ્યાં. માટે એવા પાપીનાં દર્શન થાય તો પંચ મહાપાપ લાગે છે. બરવાળામાં અમને શરીરે કસર જેવું હતું ત્યારે કાળો સુતાર કહે, “થાકલો ખાઓ, હમણાં બીજે જાશો નહિ.” એટલે અમે કહ્યું, “દશ-વીશ લાખનું સોંપ્યું હોત તો કલાકમાં કલ્યાણ કરત પણ મહારાજે આખી પૃથ્વીનું સોંપ્યું છે! તે એક ઠેકાણે બેસી રહે કેમ ફાવે?” (૨)
પ્રકરણ/વાત: ૯/૪૭
જ્યારે વરસાદ તણાવે છે ત્યારે વરતાલના કોળી કહે છે જે, “મહારાજ કહી ગયા છે જે આંહીં કાળ નહિ પડે.” પણ જ્યારે સારી પેઠે પાકે ત્યારે કોઈ માળા ફેરવતા નથી ને મહારાજને સંભારતા પણ નથી. કદાપિ કાંઈ દેશકાળ આવ્યો ત્યારે પણ જાણવું જે એના હાથમાં છે. જીભની ભલામણ દાંતને કરવી પડતી નથી, તેમ ભગવાનને કહેવું પડે તેમ નથી. (૩)
પ્રકરણ/વાત: ૯/૧૮૭
એક વાર મુક્તાનંદ સ્વામી ભંડારે ગયા ત્યારે સાધુના હાથમાંથી રોટલા પડી ગયા એટલે મુક્તાનંદ સ્વામીને મનમાં એમ થયું જે, ‘સાધુને જનની કહ્યા છે. હું તો ભયરૂપ જણાયો હઈશ ત્યારે રોટલા હાથમાંથી પડ્યા હશે!’ પછી કહ્યું, “આજ તો ભૂખ લાગી છે તે કાંઈ હોય તો લાવો.” પછી સૌની સાથે ખુરમો ખાવા બેઠા તેમ જીવ ભેળા ભળીને પ્રભુ ભજવીએ છીએ પણ જેમ છે તેમ સ્વભાવ કહેવા માંડીએ તો રહેવાય નહિ. (૪)
પ્રકરણ/વાત: ૯/૨૦૯
મહારાજે પંડ્યે કહ્યું હતું જે, “કેવળ અમારી કૃપાયે સૌનાં કલ્યાણ કરવાં છે પણ સાધનનું બળ રહેવા દેવું નથી.” (૫)
પ્રકરણ/વાત: ૯/૨૫૭
એક વાર મહારાજ પર્વતભાઈને ત્યાં અગત્રાય ગયા હતા. પછી ચાલવાનું થયું ત્યારે મયારામ ભટ્ટને મહારાજે કહ્યું જે, “ભટજી, અમારી સાથે ગઢડે સમૈયો કરવા આવશો?” ત્યારે ભટજી કહે, “બાજરો પાક્યો છે તે હમણાં આવું તો લણણી ટાણું જાય ને વાંસેથી બાજરો બગડી જાય.” ત્યારે મહારાજ કહે, “બાજરો ભેળો કરી લઈએ તો આવશો?” એટલે ભટજી કહે, “હા, મહારાજ.” પછી ગામમાંથી મહારાજે દાતરડાં મંગાવ્યાં ને ત્રીસ-ચાળીસ દાતરડાં ભેળાં થયાં. એટલે સાધુ, પાળા ને કાઠી સહિત મહારાજ ખેતર પધાર્યા ને સૌને અકેકું દાતરડું આપ્યું તે ઘડીકમાં બાજરો કાપીને ભેળો કરી લીધો. પછી મહારાજ ભેળા સમૈયે ગયા. પછી જાગાભક્તે પૂછ્યું જે, “મહારાજે દાતરડું લીધું હતું?” ત્યારે સ્વામી કહે, “હા, મહારાજે લીધું હતું ને મહારાજનું ધામ જે આ મૂળ અક્ષર તેણે ય લીધું હતું.” (૬)
પ્રકરણ/વાત: ૯/૨૮૮
આ વ્યવહાર છે તે ભગવાન ભજે તો એની મેળે ચાલ્યો જાય, જેમ ઓછાયો આફુરડો કેડે આવે છે તેમ; પણ જીવનો કેવો સ્વભાવ છે, તો જેમ ગાડા હેઠે કૂતરું ચાલ્યું જાય તે જાણે જે હું તાણું છું. ભગવાન તો બહુ સમર્થ છે ને ભક્તવત્સલ છે. તે એક ચકલી સારુ પ્રલય કર્યો ને પાણી પાયું અને એક રૂક્ષ્મણી સારુ કેટલું સન્ય કાપી નાખ્યું? અને પાંડવ અને દ્રૌપદી સારુ કૌરવનું નિકંદન કર્યું. (૭)
પ્રકરણ/વાત: ૧૦/૪૩
ઝીણાભાઈ જ્ઞાની હતા. તેમનું અંગ જે રખે ભગવાન વિના બીજે ચોંટી જવાય નહિ. અને નાજા જોગીઆ જે આ ઘનશ્યામદાસ તેને તેમણે ધોતી-જોટો આપ્યો ને કહ્યું કે, “મને મહારાજ આગળ ઘડી ને પળે સંભારજો કે જેથી મારું અંતઃકરણ અખંડ ભગવાનની સ્મૃતિમાં રહે ને સારું થાય.” તેથી હરકોઈ પ્રસંગે વારે ઘડીએ ઘનશ્યામદાસ ઝીણાભાઈનાં વખાણ કરે. તેથી મહારાજે પૂછ્યું કે, “શું કાંઈ લાંચ આપી છે તે ઝીણાભાઈનાં બહુ વખાણ કરો છો?” ત્યારે કહે, “હા, મહારાજ. આ ધોતી-જોટો આપ્યો છે ને કહ્યું છે કે મહારાજ આગળ મુને સંભારજો કે મારું સારું રહે.” પછી મહારાજ કહે, “સાચું. અમે તેમને સંભારીએ તો સારું થાય. તે અમે અમારા ભક્તનું ભજન એટલા માટે જ કરીએ છીએ.” (૮)
પ્રકરણ/વાત: ૧૦/૨૬૬
કેટલાક પૂર્વના સંસ્કારી છે. તે જેણે જેટલું કર્યું હતું તેને પ્રમાણે સુખ આપ્યાં, ને તેને ઘેર ભગવાન ગયા, સંકલ્પ સત્ય કર્યા ને તેની રક્ષા કરી. એવા ભગવાન છે તેની સામું જોઈ રહેવું, તે રક્ષા કરશે. ને જેમ છે તેમ આ સાધુ અને આ ભગવાનનું સ્વરૂપ સમજાયું ને બીજાનો સંગ થાવા ન દીધો ને સત્સંગમાં જ રહેવાણું તે મહારાજ ને આ સાધુમાં અચળ સર્વોપરી નિષ્ઠા રહી તે રક્ષા કરી, એથી બીજી કોઈ રક્ષા નથી. (૯)
પ્રકરણ/વાત: ૧૦/૨૭૪
અમારે બે વાતનો આગ્રહ હતો: એક સત્સંગ કરાવવો ને બીજું આ મંદિરમાં સારાં સારાં મનુષ્ય કરવાં એ બે વાત પૂરી થઈ. અને હવે એક વાતનો આગ્રહ છે જે, આ બધાને અમારા જેવા સાધુ કરવા. અનુવૃત્તિ પાળનારા ને સદ્ભાવવાળા ખાટી જાશે. (૧૦)
પ્રકરણ/વાત: ૧૧/૩૩