અમૃત કળશ: ૨૦
સુખ-દુઃખ
આ દેહ તો કેવળ ગારાનો ઢગલો છે તેમાં દુઃખ થાય ત્યારે જેમ માછલું થોડા પાણીએ દુઃખી થાય છે તેમ દુઃખી થવાશે માટે જેને મોક્ષ સુધારવો તેને દેહનું સુખ ઇચ્છવું નહિ. (૧૧)
પ્રકરણ/વાત: ૧૨/૪૭
વાઘજીભાઈએ પ્રશ્ન પૂછ્યો જે, “ઘરમાં રૂપિયા હોય તેનો કેફ વર્તે ને આ સત્સંગનો કેફ ન મળે. શેરડી ખાઈએ છીએ તેનો સ્વાદ આવે છે ને આ વાતુંનો સ્વાદ આવતો નથી તેનું શું કારણ?” પછી સ્વામીએ ઉત્તર કર્યો જે, “શ્રવણ, મનન વિના એનું સુખ આવતું નથી. ને જ્ઞાન તો કાળે કરીને વૃદ્ધિ પામે છે. ને વિષયમાં સુખ છે તે તરત ભોગવ્યામાં આવે છે ને ભગવાન દૃષ્ટિને અગોચર છે એટલે ભગવાનનું સુખ આવતું નથી. પણ બળબળતા ડામવાળા વચનામૃતમાં૧ કહ્યું છે તેવી રીતનો જેનો જીવ થાય તેને ભગવાનનું સુખ આવે છે. ને વિષયરૂપી તુંબડાં બાંધ્યાં છે ને જીવને ઉપર ને ઉપર રાખે છે ને બહાર વૃત્તિએ વાતું કરે તેને ભગવાનનું સુખ આવે નહિ.” (૧૨)
પ્રકરણ/વાત: ૧૨/૮૯
કોઈને કાંઈ કહેવાણું હોય તો ત્રણ દિવસ સુધી હૈયામાં બળે છે ને જ્યારે પગે લાગીએ ત્યારે શાંતિ થાય છે. તેમ કોઈ વર્તમાન ન પાળે તો અંતરમાં શાંતિ ન રહે... (૧૩)
પ્રકરણ/વાત: ૧૨/૧૧૭
... માયાના કાર્યમાં તો કેવળ દુઃખ જ છે પણ સુખનો લેશ નથી. જનક રાજાએ કહ્યું જે, ‘મારું કાંઈ બળતું નથી,’ એવી સમજણ થાય ત્યારે મન ક્યાંય ન તણાય. માટે જ્ઞાનની પક્વતા વિના તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ માંહી પેસી જાય. માટે જો જ્ઞાન હોય તો સુખ જ છે. સમજણમાં સુખ છે. બારલાનું સુખ-દુઃખ રહેતું નથી; દુઃખ-સુખ તો હૈયામાં છે. વસોવાળા વાઘજીભાઈને કહ્યું જે, “ચાંદલો કરીને કોઈ વળાવે છે?” માટે ઊંટ તો ગાંગરે જ પલાણીએ.૧ ને તમારા ઘરનું દુઃખ તો આંહી ક્યાં છે. આંહી તો કાગળ આવે તો દુઃખ થાય. ને બધા કહે છે જે, “તમે બગડી ગયા ને વહેવાર કરતા નથી માટે રૂપિયા ભેળા કરો.” પણ તેમાં આપણી બુદ્ધિ મેળવવી જે રૂપિયા ભેળા કરવામાં કેટલો માલ છે? તે વિચારવું. હેત છે તે આંહી આવ્યા છો પણ તાણ તો ત્યાંની છે તે અવધિથી વધુ રહેવાય નહિ. માટે બીજું સુખ મેલે ત્યારે આ સુખ આવે. ને આવા કે’દિ મળ્યા છે? આ તો કપુરની દલાલી છે ને બીજી તો કોયલાની દલાલી છે. ધર્મ, અર્થ ને કામ તે ભગવાન ભજવામાં સહાય થાય તો ઠીક નીકર કેવળ દુઃખરૂપ છે. આપણે તો કોઈમાં માલ માનવો નહિ. ને જેમ નદી હોય ને તેમાં ભરાણો હોય પણ ભારે પૂર આવે તો બધું ધોવાઈને સાફ થઈ જાય, તેમ પંચવિષય રૂપી બગદો જીવન હૈયામાં ભરણો છે તે જ્યારે निजात्मानं ब्रह्मरूपं એવા વિચાર રાખે ને ભગવાનના મહિમારૂપ પૂર આવે તો પંચવિષય રૂપી બગદો ધોવાઈ જાય છે ને હૈયું સાફ થઈ જાય છે.” (૧૪)
૧. ઊંટ ગાંગરતું રહે ને પલાણ ચઢાવી દેવાય છે.
પ્રકરણ/વાત: ૧૨/૧૪૪
... આ લોકમાં કોઈ સુખ પામ્યો નથી ને કોઈ પામશે પણ નહિ. તે કૃષ્ણભગવાન જન્મથી કરીને દેહ મૂકવા સુધી સુખે કરીને બેઠા નથી તે વાત મહારાજે મુક્તાનંદ સ્વામીને કહી હતી. જે દેવકીજીએ મોઢું વાળ્યું જે મારે વહુ નહિ તે ઢરડા કરવા પડે છે. પછી આઠ પરણ્યા પણ દેવકીજીનું દુઃખ મટ્યું નહિ ને કોઈએ કહ્યું માન્યું નહિ. એટલે વળી રોવા લાગ્યાં ત્યારે સોળ હજાર ને એકસો ભુમાસુરે ભેળી કરી હતી તે બધી પરણ્યા તોય દેવકીજીનું દુઃખ મટ્યું નહિ. ને રૂક્ષ્મણિને તો માન હતું જે બીજી તો રખડતી આવિયું છે ને હું તો રાજાની કુંવરી તે દેવકીજીને શું સુખ આપે? (૧૫)
પ્રકરણ/વાત: ૧૨/૧૭૦
કદાપિ વિષયમાં શાંતિ થઈ તો પણ તે અશાંતિ જ છે. ને કદાપિ સેવા કરતાં અશાંતિ જે કઠણ પડે, તો પણ તે શાંતિ જ છે... (૧૬)
પ્રકરણ/વાત: ૧૨/૧૭૯
મહારાજે જ્ઞાનરૂપી ગરાસ આપ્યો છે તે કોઈ કાળે નાશ નહિ થાય ને આ લોકનો ગરાસ તો નાશ થઈ જાશે. અને આ સુખ તો કેવું? જે, સાકર ચાવી રહ્યા ત્યારે થઈ રહ્યું. કહેતાં એવાં સુખ આવે અને જાય તેવાં છે... (૧૭)
પ્રકરણ/વાત: ૧૩/૧૨૬
મોંઘા-સોંઘાનું પ્રકરણ નીકળ્યું ત્યારે સ્વામીએ કહ્યું જે, આપણે તો રોટલા મળે એટલે મોંઘું-સોંઘું ન કરવું ને દુઃખિયા ન થાવું. ને રૂપિયા તો આપણે દાટવા નથી. એ તો મર જેને દાટવા હોય તે દાટે એમ જાણીને અંતરે સુખ રાખવું પણ મોંઘા-સોંઘાનું ભજન કરીને ક્લેશને ન પામવું. (૧૮)
પ્રકરણ/વાત: ૧૫/૧૩૮