ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨૦

સુખ-દુઃખ

પંક્તિમાં રોટલા ન મળે એ મોટું દુઃખ, તેથી મોટું દુઃખ જે કોઈનો અવગુણ આવે તે ટાઢી અગ્નિ છે. બીજાં માન-અપમાનનાં દુઃખ છે. આ વાતુ જેવો તો કોઈમાં માલ જ નથી. દુઃખ તો અનેક જાતનાં આવે પણ તેને માનવાં નહિ. ટુંટિયામાં બપોરે અગિયાર મરી ગયાં. માટે કોઈ વિઘ્ન ન આવે એમ કરવું. મોક્ષને માર્ગે ચાલે તેણે દુઃખ સહન કરીને પ્રભુ ભજવા. ઉનાળો આવ્યો તે જાણે પાકું મેલીએ તો ટળે? પણ એમ ટળે નહિ. માટે જેમ આવે તેમ લીધે જાવું. (૧)

પ્રકરણ/વાત: ૮/૨૫૦

સર્વોપરી ભગવાન ને સર્વોપરી આ સાધુ મળ્યા તો પણ કોઈના હૈયામાં શાંતિ નથી, તે મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું જે, “શાંતિ થાય એવો ઉપાય બતાવો.” ત્યારે મહારાજે પોતાનું જન્મ કર્મ કહ્યું પણ સમજાણું નહિ એટલે મુક્તાનંદ સ્વામીએ ફેર કહ્યું જે, “શાંતિ થાય એવી વાત કરો.” ત્યારે મહારાજ કહે, “વન, જંગલ ને પર્વતમાં ફર્યા ત્યાં પશુ, પક્ષી, સ્થાવર-જંગમ સર્વે જીવનાં કલ્યાણ કર્યાં ને હજી પણ એમ જ કરીએ છીએ. જેને ભગવાનનો સંબંધ થયો ને જે જે ઉપયોગમાં આવ્યાં તે સર્વેનો મોક્ષ કર્યો ત્યારે તમારે તો સાક્ષાત્ સંબંધ છે ને છતી દેહે જ પરમ પદને પામી રહ્યા છો છતાં હજી અશાંતિ રહે છે?” પણ મુક્તાનંદ સ્વામીને એમ સમજાણું નહિ. કેમ જે પોતે મનમાં ધ્યાનનું ધારી રાખેલ તે તો આવ્યું નહિ. એટલે મનમાં એમ થયું જે, ‘મહારાજ બીજે રવાડે ચડી ગયા.’ તેથી ફેર કહ્યું જે, “હે મહારાજ, એ તો હું જાણું છું પણ શાંતિ થાય એવું કહો.” ત્યારે મહારાજે ખીજીને કહ્યું જે, “ફરવા જાઓ.” પછી મુક્તાનંદ સ્વામી ચાલી નીકળ્યા ને નિત્યાનંદ સ્વામી વળાવવા ગયા. તે રાધાવાવ આવી ત્યારે નિત્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, “મહારાજ તમને ફરવા ન મોકલે છતાં મોકલ્યા તે કાંઈ સમજ્યા?” તો કહે, “ના.” ત્યારે કહે, “ભગવાનનાં જન્મ, કર્મ જે ગાય કે સાંભળે તે ધામને પામે ત્યારે શાંતિ તો થાય જ, પણ તમે મહારાજનું કહેવું સમજ્યા નહિ તેથી ફરવા કાઢ્યા.” એટલે મુક્તાનંદ સ્વામી કહે, “વાત તો સાચી! પણ હું સમજ્યો નહિ. હવે શું થાય?” ત્યારે નિત્યાનંદ સ્વામી કહે, “તમે આંહીં બેસો ને હું મહારાજ પાસે જઈ તમને પાછા તેડાવે તેમ કરીશ.” એમ કહી નિત્યાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા ને કહે, “મહારાજ, મુક્તાનંદ સ્વામી તો બહુ દિલગીર થયા ને કહે, ‘મહારાજે શાંતિ થયાનો ઉપાય બતાવ્યો પણ હું તેવી રીતે સમજ્યો નહિ.’” ત્યારે મહારાજ કહે, “સમજ્યા?” તો કે, “હા, મહારાજ.” ત્યારે કહે, “જાઓ, પાછા વાળો.” પછી પાછા બોલાવ્યા. માટે મહારાજનાં વચન સમજાય તો એમાં શાંતિ છે. દેહ સાજો રહે કે માંદો રહે એનો તો નિરધાર નહિ. (૨)

પ્રકરણ/વાત: ૯/૧૮૧

ખાધાની, લૂગડાંની ને રૂપિયાની તૃષ્ણા મૂકીને માળા ફેરવવી. બાયડી, છોકરું ને ખાધાનું જેવું મળે તેણે કરીને સંતોષ રાખવો. ગમે તેમ કરીએ તો પણ વડોદરાનું રાજ આપણે આવે એમ નથી. માટે હૈયામાં શાંતિ રાખવી ને પ્રભુ ભજવા. જેવું મળનારું હતું તેવું મળી રહ્યું, માટે તૃષ્ણા મેલવી. કદાપિ રૂપિયા મળ્યા તો ક્યાં શાંતિ થાવાની છે? ને ગાદી મળે તો ગાદીમાં પણ શાંતિ નથી. ગાદીમાં શાંતિ હોય તો પૂછો આ આચાર્યજી મહારાજને ને થોડુંક અમને પૂછો ને થોડુંક અક્ષરાનંદ સ્વામીને પૂછો. એમાં તો કાંઈ માલ નથી. માટે ગાદી કે રૂપિયા સારુ માંહી માંહી વેર ન કરવું. તૃષ્ણા મૂકવી, ઈર્ષા મૂકવી ને સ્પર્ધા મૂકવી. એ ઝીણા દોષ છે તે હૈયું બાળ્યા કરે. માટે એ તો ત્યાગ કરીને પ્રભુ ભજવા. (૩)

પ્રકરણ/વાત: ૯/૧૮૩

... જો દેહાભિમાન મૂકે ને સાધુ થાય તો સુખનો પાર રહે નહિ. એક વાર મહારાજને ભાલના ગામમા જવું હતું. તેથી અમે રસ્તે ગામ આવ્યું ત્યાં માગતા આવ્યા ને સીમમાંથી છાણાં પણ વીણતા આવ્યા. પછી મહારાજ ગામમાં ઊતર્યા ને અમે બહાર ઝાડને છાંયે ઊતર્યા. ત્યાં રામાનુજાનંદ સ્વામીએ બાટિયું કરી તે અમે જમીને ભજન કરતા હતા. ત્યાં મહારાજ ગામમાં ધુમાડા ને ઘામથી મુંઝાણા. તે ઘોડીએ ચડીને અમારી પાસે આવ્યા. એટલે અમે ગોદડી પાથરી ચાપી તે ઉપર મહારાજ સુતા. પછી પૂછ્યું, “તમે કાંઈ જમ્યા?” ત્યારે અમે કહ્યું જે, “ભીક્ષા માગીને બાટિયું જમ્યા છીએ ને તમારા સારુ બે બાટિયું ઝાડે બાંધી રાખી છે.” પછી મહારાજ કહે, “લાવો જમીએ.” તે ગરણા ઉપર મહારાજ બાટિયું જમ્યા ને કહે જે, “સુખ માત્ર તો સાધુને જ આપ્યું છે પણ બીજાને સમજાતું નથી.” તે દેહાભિમાને કરીને રાત દિવસ લાકડાની પેઠે બળ્યા કરે છે ને ક્યારેક ધુંધવાયા કરે છે. માટે લક્ષણ શીખવાં ને લક્ષણ આવ્યાં હોય તેને જાળવી રાખવાં. (૪)

૧. ગરમીથી, બફારો, બાફથી.

પ્રકરણ/વાત: ૯/૨૧૦

કેટલાંક દુઃખ સંજોગ-વિજોગનાં, કેટલાંક માન-અપમાનનાં પશુમાં પણ દેખાય છે. તે ઉપર ફિરંગીના ઘોડાનું દૃષ્ટાંત દીધું જે, શરીઅતમાં જે ઘોડો વાંસે રહ્યો હોય તે તોલમાં ઘટી જાય છે ને આગળ થયો હોય તે તોલમાં વધી જાય છે. અને કેટલુંક અહંવૃત્તિનું દુઃખ છે. તે જો મનનું ધાર્યું મરડાય તો પણ દુઃખ ને દેશવાસનાનું પણ દુઃખ છે. તે કેશવચરણદાસને ગુજરાતનાં ઝાડ ન દેખાય ત્યારે મન ઉંચક થઈ જાય. (૫)

પ્રકરણ/વાત: ૧૦/૨૪૩

બપોરે વાત કરી જે, રીંગણીને જેમ પાણી વિના બીજું કાંઈ સુખદાઈ નથી તેમ આ જીવને ભગવાન વિના બીજું કાંઈ સુખદાઈ નથી. (૬)

પ્રકરણ/વાત: ૧૦/૨૩૦

કમાદિક અગીઆર વાનાં છે તે જીવમાં કાંટા છે, તે કાંટા કાઢ્યા વિના જીવ સુખિયો થનારો નથી ને આજ્ઞા બહાર તો કાંઈ ન થાય. માટે કલ્પના અને અપૂર્ણપણું મૂકી દેવું. (૭)

૧. ૧. કામરૂપી કસાઈ, ૨. ક્રોધરૂપી ચાંડાલ, ૩. લોભરૂપી સર્વ પાપનો બાપ, ૪. માનરૂપી બ્રહ્મરાક્ષસ, પ. રસરૂપી મોટો રોગ, ૬. સ્નેહરૂપી પ્રેત, ૭. ઈર્ષારૂપી ડાકણ, ૮. વાસનારૂપી ભૂતડી, ૯. તૃષ્ણારૂપી ચૂડેલ, ૧૦. મોટપરૂપી ખવીસ, અને ૧૧. દેહાભિમાનરૂપી મોટો પહાડ માથે પડ્યો જાણવો.

પ્રકરણ/વાત: ૧૧/૩૯

કેટલાંક દુઃખ છે તે પોતા થકી છે ને કેટલાંક પર થકી છે. ઇંદ્રિયોને વશ વરતાય એ પોતા થકી દુઃખ કહેવાય ને બીજો દુઃખ દે તે પર થકી કહેવાય. ને કેટલાંક ખાધામાંથી દુઃખ આવે. માટે વર્જનીય અને અવર્જનીય દુઃખ જાણવાં. (૮)

પ્રકરણ/વાત: ૧૧/૧૯૦

આટલો મે’ વરસ્યો પણ કેટલાકને અન્ન ખાવા મળતું નથી ને રહેવા ખોરડું નથી. એવું જ્યારે જોઈએ ત્યારે સત્સંગમાં રહેવું કાંઈ કઠણ નથી. માટે દેશકાળ આવે, દેહમાં દુઃખ પણ આવે પણ તેને ગણવું નહિ. (૯)

પ્રકરણ/વાત: ૧૧/૩૦૪

રૂપિયા તો કોઈને સુખ આવવા નહિ દે. તે કદરજને, નંદ રાજાને, કૌરવને સર્વેને હેરાન કર્યા. માટે દ્રવ્યનું પણ જોઈ મૂકવું જે એમાં સુખ નથી ને રાજાનું અંગ જુવો તો ખબર પડે. તે રાતમાં સુખે સુવાય પણ નહિ, તો ભગવાન શાના ભજાય? (૧૦)

પ્રકરણ/વાત: ૧૨/૨૨

Vat Selection


Type: Keywords Exact phrase