અમૃત કળશ: ૧૯
જ્ઞાન-સમજણ
જ્ઞાન વિના બધું અધૂરું છે. છોકરું હોય તેને માબાપમાં પ્રીતિ હોય પણ જ્ઞાન નહિ. તેમ કોઈ હેતુને લઈને સંત સાથે પ્રીતિ તો થાય પણ વિશ્વાસ નહિ. રાધિકાજીને કજિયો થયો૧ કારણ કે અજ્ઞાન પણ ગોપાળાનંદ સ્વામીને તો ધોળાં પહેરાવ્યાનું કહ્યું તો પણ કજિયો ન કર્યો માટે આ જ્ઞાન છે તે સર્વથી અધિક છે. સિયાજીરાવનો દીકરો થયો ને મૂળા સારુ રુવે, તેમ આશરો થયો તો પણ જ્ઞાન વિના તો કાંઈ નહિ! બળદેવ, અક્રૂર, ને સત્યભામાને કજિયો થયો ને રૂક્ષ્મણિને ન થયો. માટે જ્ઞાનીને અધિક કહ્યો. (૧)
૧. એક વાર ગોલોકમાં ભગવાને વિરજા નામની ગોપીને પોતાની સાથે રાસમંડળમાં લીધી. આ સાંભળી રાધાને રીસ ચઢી ને ભગવાનને ઠપકો દેવા ગયાં. જ્યાં તે પહોંચ્યાં કે તરત વિરજાની સાથે ભગવાન અદ્રશ્ય થઈ ગયા. રાધાજીને વીરજા સાથે ઈર્ષ્યા હતી, ફરી એક વાર શ્રીદામા, કૃષ્ણ ને વિરજા ત્રણેને ગોષ્ઠી કરતાં જોયાં. રાધાજીએ ભગવાનને ન કહેવાનાં વેણ કહ્યાં ને નિંદા કરી. ભગવાન તો સાંભળી રહ્યા, પણ તેમના પાર્ષદ શ્રીદામાથી આ સહન ન થયું એટલે તેમણે રાધાજીને ઠપકા સાથે શાપ દીધો કે, “ગુર્જર સુથારને ઘેર તારો જન્મ થાય.” રાધિકાજીએ પણ શ્રીદામાને સામે શાપ આપ્યો, “તું પણ દાનવ કુળમાં જન્મ લે.” આ શાપને લીધે શ્રીદામા શંખચૂડ નામનો અસુર થયો. (બ્રહ્મવૈવર્તપુરાણ, શ્રીકૃષ્ણજન્મખંડ, પૂર્વાર્ધ: ૩/૯૭-૧૧૩) – સ્વામીની વાત ૩/૫૫ની ટીપણી
પ્રકરણ/વાત: ૯/૨૮૭
જ્ઞાન થવું તે કાંઈ પુસ્તક પૂજે કે લાડવા ખાધે, સાંઠિયું સૂડ્યે, કે પથરા ઉપાડ્યે, કે વાડી કર્યે, કે ખાઈને મેડા ઉપર સૂઈ રહે થાશે? સાધુ સમાગમ વિના જ્ઞાન તો કોઈ રીતે થાય જ નહિ. અને આમ ગળું તાણીને કહીએ છીએ પણ કેને એવો ઈશક છે કે વાતુ કહેવી ને સાંભળવી? એવો ઈશક તો શિવલાલને હતો. ને જ્ઞાન વિના પુસ્તક ભેળાં કરશે તેથી કાંઈ દોષ ટળશે નહિ. ત્રિકમદાસ પુસ્તક ભેળાં કરીને પટારામાં નાખે છે તેમાં શું જ્ઞાન થાય? અહીંથી સંકેલ્યું, ત્યાંથી સંકેલ્યું, બધું સાચવ્યું, એમાં પણ શું જ્ઞાન થાય? ન જ થાય. એ તો વાંચે, વિચારે, મનન કરે, ને ગુરુ કહે તે પ્રમાણે શિષ્ય થઈ વર્તે તો જ્ઞાન થાય. (૨)
પ્રકરણ/વાત: ૧૦/૧૬૪
અંગ્રેજની કવાયત જોઈને રાજા માત્ર નમી ગયા પણ કોઈનું બળ રહ્યું નહિ, તેમ જે પુરુષ દરવાજે ઊભો હોય તેને ગમે તેવા સંકલ્પ થાય પણ તે બાધ કરી શકે નહિ, કેમ જે તેને એક સંકલ્પ રાગનો થાય ત્યારે લાખ સંકલ્પ નિષેધના થાય ને વળી એમ કહે જે, “કરોડ જન્મ ધરીને પણ તારું ગમતું નથી કરવું,” એટલે રાગનો સંકલ્પ ખોટો થઈ જાય તેમ જ રૂપનો, રસનો, શબ્દનો, સ્પર્શનો, ગંધનો ને માનનો, એ આદિક જે જે સંકલ્પ થાય તે સર્વ જાણપણા રૂપ દરવાજે રહેવાથી નાશ પામી જાય છે. તેમ સંકલ્પનું કહ્યું ન માને તો ફરી સંકલ્પ ન થાય. જે રાજા વિવેકી હોય છે તે ગોલાનું કહ્યું કરે નહિ પણ જે પ્રમાણિક હોય છે તેનું કહ્યું માને છે, તેમ ઇંદ્રિયું અને મનના સંકલ્પ તો ગોલા જેવા છે માટે એમનું કહ્યું માનવું નહિ ને અખંડ જાણપણારૂપ દરવાજે રહેવું એટલે તે બળહીન થઈ જાશે ને સંકલ્પ પણ નહિ થાય. ભગવાન ને સાધુ દયાળુ છે તે જાળવે છે. પણ ગમે એટલું મનગમતું મુકાવે તો પણ સરૂં આવવા દેવું નહિ. તે ઉપર કચ્છના હરિભક્ત મૂળજી ને કૃષ્ણજીની વાત કરી જે, ગમે તેમ કહ્યું ને મનગમતું મુકાવ્યું તો પણ કોઈ રીતે અવગુણ લીધો નહિ, તેમ તપ્યા પણ નહિ ને કોઈ દિવસ સામું બોલ્યા પણ નહિં. તે સરૂં આવવા ન દીધું કહેવાય. (૩)
પ્રકરણ/વાત: ૮/૧૧૧
છેલ્લા પ્રકરણનું ચોવીસમું વચનામૃત વંચાવીને કહ્યું જે, શ્રવણ વિના જ્ઞાન ન થાય ને જ્ઞાન થાય ત્યારે તો સર્વે સૂઝવા માંડે જે, આ કરવા યોગ્ય ને આ કરવા યોગ્ય નથી. પણ જેને જ્ઞાન નથી તેને કાંઈ ખબર નથી. જેમ આંધળો હોય તેને ચાલ્યાની ખબર નથી પણ જે દેખતો હોય તેને ખબર પડે ખરી. માટે જ્ઞાન વિના તો આંધળા છે. (૪)
પ્રકરણ/વાત: ૧૦/૨૭૮
જ્ઞાની હોય તે દુઃખિયો થાય ને અજ્ઞાની સુખિયો થાય, એવો વાસુદેવચરણદાસે મત લીધો તે ઉપર એમ કહ્યું જે, આ ધર્મશાળા કરી હશે ત્યારે સુખ થયું હશે કે દુઃખ? ને વળી રસોઈ કરવી તેમાં સુખ કેને? કરવી તેમાં દુઃખ. માટે સુખ તો જ્ઞાનમાં જ છે. વળી વાત કરી જે, અપૂર્ણપણું ને કલ્પના તે તો જ્ઞાન હોય તો જ ટળે. (૫)
પ્રકરણ/વાત: ૧૧/૩૮
સંકલ્પનું બળ હોય ત્યારે તે સંકલ્પનો અનાદર રાખવો તો મોળા પડી જાય. ત્યાર કેડે બહુ વિચાર કરતાં કરતાં તે વિચાર સંકલ્પને દાબી દઈને વર્તે, ત્યારે તે અંતઃકરણ પાર વિચાર કહેવાય. (૬)
પ્રકરણ/વાત: ૧૧/૬૬
ગઢડાના કરસનજીની પેઠે આપણને દેહનો, લોકનો ને ભોગનો અભિનિવેશ થયો છે.૧ ત્યારે પૂછ્યું જે, તે ટાળ્યાને ઉપાય છે? ત્યારે કહે જે, અફીણ ખાધાનો આપણને ઘાટ નથી ને સર્પને સ્વપ્નમાં પણ ઝલાતો નથી, તેમ જેને એવું જ્ઞાન થયું જે એમાં તો દુઃખ જ છે તેને તો ઘાટ ન થાય. ને જેમ સીંકદરની પુતલી તરફ વહાણવાળા જાય નહીં તેમ આજ્ઞા બહાર તો ઘાટ જ કરવો નહિ. ને સંબંધી, લોક, ભોગ, દેહ, મેડી, હવેલી તેમાં અજ્ઞાને કરીને સુખ મનાણું છે. (૭)
૧. સ્વામીની વાત ૧૦/૧૮૯ પ્રમાણે કરસનજીની વાત આ પ્રમાણે છે: કોઈકે કહ્યું જે, “તું તો વઢવાણ દરબાર પથાભાઈનો દીકરો છો ને ગાદીનો ધણી છો પણ તને મારી નાખે, માટે બ્રાહ્મણને ત્યાં રાખ્યો છે.” તે સાંભળીને તેને લાગ્યું જે, ખરી વાત છે. પછી સરકારમાં લાંગસાહેબ આગળ અરજી કરી જે, “હું પથાભાઈનો દીકરો છું ને મને મારી નાખે તે સારુ બ્રાહ્મણને ત્યાં મને રાખ્યો છે. હવે મને ગાદી અપાવે.” પછી લાંગસાહેબે જાણ્યું જે, “આને અભિનિવેશ થયો લાગે છે, તે જવાબ દીધો નહિ.” પછી ગોપાળાનંદ સ્વામીની આગળ આવીને તેણે કહ્યું જે, “મને વઢવાણની ગાદી આવે તો મારે ગોપીનાથજીને એક ગામ આપવું છે.” ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, “એ વાત ખોટી છે.” ત્યારે કરસનજી કહે, “અરે મહારાજ, તમે મોટા થઈને પણ એમ બોલો છો?”
પ્રકરણ/વાત: ૧૧/૯૬
મૂંઝાય નહિ એવી શી સમજણ છે? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, એ તો એવી કળા શીખ્યા હોય તો મૂંઝાય નહિ. તે જેને કોરીનું પારખું હોય તે કોરીને કળે. ઢોરને દો’તાં આવડતું હોય તે દો’વે. તેમ એવી સમજણ કોઈ મોટા પાસેથી શીખ્યા હોય તો મૂંઝાય નહિ. ને વેણ આવે તેને કાપી નાખે ને પોતે કોરે રહે તે એવું બળ તો સાધુસેવામાંથી આવે છે, તે અધર્મસર્ગ આવે તેને ગણે જ નહિ. વિશુદ્ધાત્માનંદ સ્વામી વિદ્વાન ને સભાજીત પણ તેમણે માનભાનું અપમાન કર્યું ત્યારે અમે કહ્યું જે, “એમ ન કહેવું.” એટલે અમને ન કહેવાય એવાં અપાર વચન કહ્યાં જે, “તમે તો લાંચિયા છો તે ગરાસિયાના હોકા ભરશો,” એવાં વચન કહ્યાં પણ અમે તે ગણ્યાં નહિ. પછે તેને પશ્ચાત્તાપ થયો ને ગઢડે વયા ગયા. ને ભજનાનંદ સ્વામીએ પણ ઘણાં વેણ કહ્યાં પણ અમોએ ગણ્યાં જ નહિ. તેમ શૂરવીર હોય તેથી સ્વભાવ જિતાય ને બીજાથી તો સ્વભાવ પ્રમાણે વર્તાય. (૮)
પ્રકરણ/વાત: ૧૧/૨૩૧
આ જ્ઞાન સાંભળ્યું છે તે હમણાં તો નહિ સમજીએ પણ મુવા પછી તે જ્ઞાનના કોંટા ફૂટશે. માટે એમ જણાય જે આમ કરવાથી સંત રાજી થાય ને ભગવાન પણ રાજી થાય તેને જ્ઞાન કહીએ. ને અસત્ પુરુષનું જ્ઞાન તો દાસીના દૂધ જેવું છે. તે ઉપર વાત કરી જે, રાજાનો કુંવર ચોરવા શીખ્યો ત્યારે રાજાએ રાણીને ઉઘાડી તલવાર દેખાડી ને ડારો કર્યો ત્યારે રાણીએ જવાબ આપ્યો જે, “હું આઘીપાછી હતી ત્યારે કુંવર રોતા હતા ત્યાં દાસીએ ધવરાવ્યા ત્યાં હું આવી ને કુંવરને લઈ પગે ઝાલીને ફેરવ્યા ને દૂધ કાઢી નાખ્યું પણ માંહી જરાક ફોદો રહી ગયો તેથી કુંવર ચોરવા શીખ્યો છે.” તેથી રાજાએ બે જણને હુકમ કર્યો જે, “આ કુંવરને વનમાં મેલી આવો.” ત્યારે બે જણ વનમાં મેલીને પાછા વળતા હતા ત્યારે કુંવરે બેયનાં માથાં ભટકાવીને મારી નાખ્યા. માટે અસત્ પુરુષનું જ્ઞાન છે તે દાસીના દૂધ જેવું છે. માટે જે દેશકાળે ન લેવાય, મન ઇંદ્રિયોનો દોર્યો ન દોરાય ને બધી વાતુ જાણે એવું જેને જ્ઞાન હોય તેને સાધુ કહેવાય. અને ભગવાન પણ તેના ઉપર રાજી થાય છે. (૯)
પ્રકરણ/વાત: ૧૧/૨૩૫
જ્યાં દ્રવ્ય ને સ્ત્રી આવ્યાં ત્યાં, અને જેને એ બે વાતું જોઈએ, તેથી શું જ્ઞાન થાશે? પણ આવી વાતો બોલાય જ નહિ. તમે તો સાધારણ વ્યવહારવાળા છો તે સો-બસો રૂપૈયાની ખોટ આવે તો દુઃખિયા થઈ જાઓ પણ ખરેખરી સમજણ આવી હોય તો ઈન્દ્રલોકનું રાજ્ય હોય ને તે જાય તો પણ કશી ગણતીમાં નહિ. કેમ જે, આંખ મીંચાય એટલી વાર છે એમ સમજતો હોય તેને શું? (૧૦)
પ્રકરણ/વાત: ૧૧/૨૪૫