અમૃત કળશ: ૧૮
આત્મબુદ્ધિ, પક્ષ
આપણે જ્યારે ઘેર હતા ત્યારે જેવી ત્રેવડ હતી તેવી જ સત્સંગમાં ત્રેવડ રાખવી પણ સત્સંગનાં પદાર્થ જેમ તેમ વાપરવા નહિ. વાંકિયાના ભોળા વ્યાસે મેડા ઉપર કોડિયામાં પરોઢિયે વાટુંના કટકા ભેળા કરી સળગાવ્યા તે ભડકો થયો. ત્યારે અમે પૂછ્યું જે, “ઈ કોણ?” ત્યારે કહે, “ઈ તો હું ભોળો.” પછી અમે પૂછ્યું જે, “શા સારુ ભડકો કર્યો?” તો કહે, “અમથા કટકા પડ્યા હતા તે સળગાવ્યા.” ત્યારે અમે પૂછ્યું, “તારે ઘેર એવો ભડકો કરે છે? કે કટકા રાખી મૂકીને બીજા દિવસે સળગાવે છે?” તો કહે, “એની એ વાટ બીજે દિવસે સળગાવીએ છીએ ને બધી થઈ રહે ત્યારે બીજી વાટ સળગાવીએ છીએ.” મંદિરનું પણ ઘરની પેઠે સાચવવું પણ આમ કરવું નહિ. (૧)
પ્રકરણ/વાત: ૮/૨૪૧
કુબેરાએ માવા ભક્ત પાસે ઠામણાં ઉટકાવ્યાં ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કુબેરાને પૂછ્યું, “માવા ભક્ત પાસે ઠામણાં ઉટકાવો છો?” તો કહે, “માવો ભક્ત તાંસળી માંડે છે તો?” ત્યારે કહે, “ઈ વાત સાચી પણ તે વૃદ્ધ છે. વળી મહારાજના મળેલ છે તો મારા વચને ઉટકાવશો માં.” ત્યારે કહે, “ઠીક, તમે કહો છો તે હવે નહિ ઉટકાવું.” (૨)
પ્રકરણ/વાત: ૮/૨૬૨
એક સાધુએ મહારાજને કહ્યું જે, “મારે મંડળ જોઈતું નથી ને સદ્ગુરુ થાવું નથી માટે બીજા મંડળમાં મૂકો.” મહારાજ કહે, “શા સારુ?” એટલે તે કહે, “અડબંગા જેવા સાધુ આપ્યા છે તે મારું માનતા નથી.” ત્યારે મહારાજ કહે, “તમને કપિલ જેવા આપીએ તો કેમ?” તો કહે, “બહુ સારું, મહારાજ.” મહારાજ કહે, “દત્તાત્રય, રામચંદ્રજી ને શ્રીકૃષ્ણ જેવા આપીએ તો કેમ?” ત્યારે તે સાધુ કહે, “તો તો બહુ જ સારું!” મહારાજ કહે, “એ બધા એવા છે તે તમારું શેના માને? પણ અમે એમનાં ઐશ્વર્ય દબાવી દીધાં છે માટે તમારા ભેળા રહે છે, નીકર તો રહે એવા નથી માટે તે કહે તેમ કરો ને મંડળ ચલાવો.” (૩)
પ્રકરણ/વાત: ૮/૨૬૩
... ભેંસનું ધણ બા’રવટિયે વાળ્યું, તેમણે માનતા કરી જે, ‘હેમક્ષેમ ધણ લઈ ઘરે જાશું તો લોળિયો પાડો હરસત માતાને ચડાવશું.’ પછી તેની વાંસે કાઠી ધણ વીળવા ચડ્યા, તેમને પણ માનતા કરી જે, ‘ધણ પાછું વાળી આવશું તો લોળિયો પાડો આપણી ખોડિયાર દેવીને ચડાવશું.’ તેમાં લોળિયા પાડાનું તો બેય કોરે મોત આવ્યું. તેમ જેને કોઈ સાથે ન બન્યું તે નહિ મંદિરનો, નહિ આચાર્યનો ને નહિ મંડળનો. તે લોળિયો પાડો કહેવાય. (૪)
પ્રકરણ/વાત: ૯/૨૦૨
જેમ ઘરમાં કોઈ જાતનો અંતરાય રહેતો નથી તેમ સત્સંગમાં કોઈ જાતનો અંતરાય રાખવો નહિ... (૫)
પ્રકરણ/વાત: ૧૦/૩૨
જીવમાં અવગુણ તો હોય તો પણ ભગવાન ને ભગવાનના જનથી ઉથડક ન હોય તો એના દોષ ટળતા જાય. માટે સુહૃદપણાનો પાયો સાચો હોય તો બીજી ફિકર નહિ. બે વાનામાંથી જીવ નોખો પડી જાય: એક પંચવિષયમાં ટોકાય ને બીજું ધાર્યું મુકાવે તેણે કરીને ઉથડક થઈ જવાય. તેમાં જે ખપવાળો હોય તો પણ નભે અને ખમે ખરો અને ખપ ઊપજ્યાનો હેતુ સત્પુરુષ ને સત્શાસ્ત્ર છે. તે જો એનો સંગ રાખે તો બધા ગુણ આપે. અને સત્સંગમાં સારા સાધુ અને સારા હરિજન હોય પણ ખોળે નહિ, પોતા જેવા ખોળે ત્યારે જીવને કેમ જ્ઞાન થાય? તે તો જ્યારે વ્યાકરણના જેમ ઘોષ કરે છે તેમ કરે ત્યારે મહાદાખડે જ્ઞાન થાય ને બીજા દોષ તો ધીરે ધીરે ટળતા જાય. અને ભગવદી સાથે અંતરાય ન રાખવો, તે સાથે તો જેમ જગતમાં નાત, જાત આગળ નિર્માની થવાય છે, પાઘડી ઉતારીને પગે લગાય છે તેમ ભગવદી સાથે વરત્યું જોઈએ. તે વાંશિયાળી ગામમાં માર્ગી બાવણને સૌ પગે લાગ્યા. ત્યારે મામૈયે પાઘડીનો છેડો અંતરવાસ નાખીને ગધેડીને દંડવત્ કર્યા ત્યારે ઓલ્યા કહે છે જે, “મામૈયા, આ કાણું કરતો સી?” એટલે મામૈયે કહ્યું જે, “બાવણ તારી મા અને ગધેડીમાં કાણું ફેર સે? તુ માને પગે લાગતો સો તો હું આને પગે લાગતો સું.” (૬)
પ્રકરણ/વાત: ૧૦/૯૩
સમૈયા-ઉત્સવ થાય છે તે માંહી માંહી સુહૃદપણું વધે તે સારુ છે અને તેથી જ મહારાજે સૌ સાધુ હરિજનને એક સ્થળે ભેળા થાવું ને કથાવારતા કરવી ને એકબીજાની ખોટ ટાળવી ને ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ ને શિક્ષાપત્રીમાં ફેર પડેલ હોય તેને સત્સંગમાં કુસંગ હોય તેને ઉપદેશ દઈ સુધારવા, અને કોઈ રીતે સત્સંગમાં નભે તેવા સારા સાધુના સમાગમમાં આવે તે માટે, અને મૂળ અજ્ઞાન જાય ને પ્રગટ સાધુને વિષે નિરંતર નિર્દોષબુદ્ધિ રહે ને તેથી જીવનું પરમ કલ્યાણ થાય છે. પણ આ તો ઓલ્યો ઓલ્યાનું ખોદે છે ને ઓલ્યો ઓલ્યાનું ખોદે છે ને મૂળગું વેર થાય છે. માટે પંચવિષય ને દેહાભિમાન એ બે વાનાં આપણું સુહૃદપણું રહેવા દે એવાં નથી ને પક્ષપાત થાય છે તેનું મૂળ તો પંચવિષય છે. તેથી કોઈ રીતે અવિદ્યા જે માયા તે પ્રવેશ કરી જાય છે ને મહારાજ સાથે પણ કેટલાક માણસ લડ્યા હતા. તેનું કારણ દેહાભિમાન, પંચવિષય ને પક્ષપાત છે. અને તેણે કરીને આ સાધુનો ને ભગવાનનો પણ અવગુણ આવે. માટે હવે લડ્યે પાર નહિ આવે, એ તો ખમ્યે જ પાર પડશે. ને ગરીબ દાવે સુખ થાશે. માટે ગરીબ થઈને સાધુ રહી ભગવાન ભજી અને મોક્ષ સુધારી લેવો. (૭)
પ્રકરણ/વાત: ૧૦/૧૯૬
દેહાભિમાન ને પંચવિષય તો ભગવદીથી જીવ નોખો પાડી દે છે. ભવાયા ભેળા થઈને ભૂંગળાં વગાડે છે ને રમત કરે છે, તેમ અંતરમાં પણ માયાનું ટોળું ભેગું થઈને ભવાઈ કરવા મંડી જાય છે. ને જ્યાં સુધી એનું ચાલશે ત્યાં સુધી ભગવદી સાથે મેળ મળવા દેશે નહિ. (૮)
પ્રકરણ/વાત: ૧૦/૨૬૨
સત્સંગ મળ્યો તેને જાળવી રાખવો ને એથી નોખું ન પડાય એમ શીખવું. ને નોખા પાડનારા દેહ, લોક, ભોગ ને પક્ષ છે. ને સાચો પક્ષ કયો? તો, મહારાજ અને આ તેમના સાધુ કહે ને તેમના સ્વરૂપનું પ્રતિપાદન થાય એ પક્ષ સાચો ને બીજો બધો ય ખોટો છે. શલ્ય હતો તે કૌરવની કોરે હતો ને કર્ણનો રથ હાંકતો પણ પાંડવનો પક્ષ રાખ્યો કેમ કે કર્ણે કહ્યું કે, “પૈડું ગળે છે તો ઊતરીને કાઢ.” ત્યારે શલ્યે ના પાડી. એટલે કર્ણને ઊતરવું પડ્યું. તે લાગ જોઈ ભગવાને અર્જુનને કહ્યું જે, “હવે માર.” પછી માર્યો. તેમ ખરેખરા ભગવદીનો પક્ષ રાખવો. (૯)
પ્રકરણ/વાત: ૧૧/૭૭
... દેહને વિષે આત્મબુદ્ધિ છે તેવી ભગવદીમાં આત્મબુદ્ધિ હોય તે મોટેરો ને જેને આવી મોટાઈ જોઈતી હોય તેને ઢગલો પડ્યો છે! (૧૦)
પ્રકરણ/વાત: ૧૧/૧૫૭