અમૃત કળશ: ૧૭
સાધુતા
લોજમાં મહારાજ પધાર્યા ત્યારે સાધુને પૂછ્યું જે, “જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ તેનાં રૂપ કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પાંચેનાં રૂપ કર્યાં અને મુક્તાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા ત્યારે કૂતરી તુંબડી અભડાવવા વારેવારે આવે ને મુક્તાનંદ સ્વામી વારેવારે લાકડી ઠબકારીને કાઢે. પણ પછી તો લાકડી મારી એટલે કૂતરી કાઉ કાઉ કરતી વઈ ગઈ. પછી મહારાજે, “ધ્યાન સગુણ કે નિર્ગુણ?” એ પૂછ્યું. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, “નિર્ગુણ.” પછી મહારાજ કહે, “ધ્યાન કરતાં કૂતરીને લાકડી મારી તે ગુણ આવ્યા વિના મારી?” ત્યારે પણ મુક્તાનંદ સ્વામીએ ગુણ લીધો. તે હાથ જોડીને કહે જે, “ન હાંકું તો તુંબડી અભડાવે ને સગડ મેલે નહિ તે કેમ કરું?” (૧)
પ્રકરણ/વાત: ૯/૨
જગતના જીવને લોકમાં મોટાઈ થાય એ કર્તવ્ય છે ને આપણે ગોપીયુંના જેવી ભક્તિ થાય એ કર્તવ્ય છે પણ એ કર્યું થાય. બીજું, સાધુનાં લક્ષણ શીખવાં એ કર્તવ્ય છે માટે સાધું થાવું... (૨)
પ્રકરણ/વાત: ૯/૪૪
આનું ખમાય ને આનું ન ખમાય એમ સાધુને હોય નહિ. તેનો તો સ્વભાવ જ એવો જે સૌનું ખમવું. માટે અંબરિષના જેવી સાધુતા શીખવી. જિજ્ઞાસાનંદે બાળમુકુંદાનંદ સ્વામીને કાનમાં ગાળ દીધી. ત્યારે બાળમુકુંદાનંદ સ્વામી તો સાધુતાએ યુક્ત, તે એમ બોલ્યા જે, “તેનાં ધનભાગ્ય ધનઘડી જે, તેને તમ જેવા મહાપુરુષે અંગીકાર કરી!” પણ બીજાને તેમાંથી દુઃખ થાય. (૩)
પ્રકરણ/વાત: ૯/૯૩
મહારાજે કહ્યું હતું જે, “કોઈના હૈયામાં રહીને તથા કુસંગમાં રહીને પણ કહીશ.” તે સાધુએ જ્યારે કૂવામાં ધુબકો માર્યો ત્યારે કોસવાળો બોલ્યો જે, “સ્વામિનારાયણના સાધુ હોય તે ધુબકા ન મારે!” ત્યારે યોગેશ્વરદાસજી કહે, “સાધુરામ, મહારાજ બોલે છે પણ કોસવાળો બોલતો નથી.” માટે સાધુ થાઓ તો લોકમાં પણ સારું દેખાય. (૪)
પ્રકરણ/વાત: ૯/૧૧૨
... એક વાર અમારે ભાલના ગામમાં જાવું હતું તે રસ્તામાં ગોડી-આરતી-ધૂન્ય કરીને પાણીનાં તુંબડાં સૌએ ભરી લીધાં, કેમ જે રાત્રે મંદિરમાં જાઈએ તો પાણી હોય નહિ ને તે વખતે બે ગાઉથી પાણી પણ લવાય નહિ તેથી હરિજન કચવાય. પછી અમે મોડા મોડા મંદિરમાં ગયા એટલે હરિજન કહે, “આમાં કોઈ જૂના છે કે બધા નવા છે?” ત્યારે અમે કહ્યું જે, “જૂના છે. ફિકર રાખશે નહિ. અત્યારે રસોઈ કરવી નથી ને પાણી ભરી લાવ્યા છીએ તે લાવો હાંડો એટલે ભરી દઈએ ને આવો, સૌ બેસો એટલે વાતુ કરીએ તે સાંભળો.” તેથી હરિજન રાજી થયા. ને નવા તો જેમ મોસલના પાળ આવ્યા હોય તેમ હરિજન આગળ માગ્ય માગ્ય કરે ત્યારે હરિજન કેમ રાજી થાય? (૫)
પ્રકરણ/વાત: ૯/૧૯૬
મહારાજને ત્યાગ ગમે છે. જેને રાજી કરવા હોય તેને માન મૂકી દેવું, હઠ મૂકી દેવી અને નિષ્કપટ થઈ નિષ્કામ ભક્ત થાવું અને ચોખ્ખા થાવું. મહારાજને ગરબડીઓ ભક્ત ગમતો નથી. માટે ત્યાગી થાઓ કે ગૃહસ્થ રહો, ગમે તો માથે સોનાની પાઘડી બાંધો, ગમે તો ધોળું બાંધો ને ગમે તો ટોપી ઘાલી બાવા થાઓ પણ સાધુતા શીખે છૂટકો છે. (૬)
પ્રકરણ/વાત: ૧૦/૫૪
ભગવાન અને સાધુ જેણે દુભવ્યા તેનો મોક્ષ તો થાય જ નહિ અને મોત પણ ન સુધરે તો આગળ સુખ ક્યાંથી આવશે? માટે જેનો આદર કર્યો છે તેમાં ભાગ પડવા દેવો નહિ. ને દેહાભિમાન ને પંચવિષય પાડી દે એવાં છે. તે સત્સંગીને પણ માંહોમાંહી બનતું નથી. ને આ ત્યાગીમાં કેટલાક એમ કહે છે કે, “કાં તો હું નહિ ને કાં તો તે નહિ!” પણ એ સાધુનો મારગ નહિ, એ તો ગરાસીઆનો છે. તે ઉપર ખીલી ન ખસે તેની વાત કરી. માટે ન્યાયાન્યાય પડતા મૂકીને જેમ ભગવાન કહે તેમ કરવું. ને આ દેહ જ આપણું નહિ રહે તો બીજું શું રહેશે? માટે આપણું મોક્ષમાં કોઈ વિઘ્ન પડવા દેવું નહિ. (૭)
પ્રકરણ/વાત: ૧૦/૨૬૪
હાંસી, ઠેકડી, મશ્કરી કરવી એ રજોગુણનો મારગ છે ને સાધુપણે વરતવું તે સાધુનો મારગ છે. શૂરવીરનાં લક્ષણ જે, સામો ચાલે. તે ઉપર વાત કરી જે, ઘાંચીની સ્ત્રીએ ગરાસિયાની સ્ત્રીની મશ્કરી કરી જે, “બાઈ, તમારો ધણી નિર્બળ ને બંધાણી છે ને મારો ધણી પુષ્ટ ને જોરાવર છે.” પછી તે વાત તેણે તેના ધણીને કરી ત્યારે તે કહે, “કોઈ વખત આવે વાત!” પછી ધાડું હઠાવવા વારે ચડવું હતું ત્યારે શૂરવીરપણું આવેલ, તે વખતે ઘાંચીને ત્યાં જઈ ઘાણી ઉપરથી કોશ લઈને ઘાંચીની ડોકમાં કાંઠલો કરી પહેરાવી દીધી. પછી વારને કાઢીને પાછો આવ્યો ત્યારે ઘાંચી કરગરીને કહે, “કાઢો.” તો કહે, “હવે નીકળે નહીં; ટાણે વાત. હું તો નિર્બળ છું, ટેંટુ છું, તે નીકળે નહીં.” પછી બીજી વખતે એવું ટાણું આવ્યું ત્યારે શૂરાતન આવ્યું તે કોશ કાઢી નાખી. તે ક્ષત્રી હોય તેને ધીંગાણું થાય ત્યારે કાંટો આવે ને સાધુને તો સદાય કાંટો મટે જ નહિ ને એનો સંગ કરે તેને સાધુ કરી મૂકે ને એને જોઈ જોઈને સાધુ થઈ જવાય. તે મુક્તાનંદ સ્વામીને આવતા જોઈને મહારાજ પણ કાંઈ રમૂજ કરતા હોય તે રહી જાય. માટે સાધુને દેખીને લાજ આવે છે. બીજાનું તો ખમાય પણ માંહી માંહીનું ન ખમાય, ત્યારે પૂરું સાધુપણું આવ્યું નથી. ને આનું ખમાય ને આનું ન ખમાય એમ સાધુને હોય નહીં. સાધુ હોય તે તો બધાયનું ખમે, તે સ્વભાવ જ એનો એવો જે ખમે જ. માટે અંબરીષના જેવી સાધુતા શીખવી. તે સાધુતાની ટાણે ખબર પડે. (૮)
પ્રકરણ/વાત: ૧૧/૯૯
જેમ કોઈ પરણવાના આદરમાં તથા કોઈ ખેતી કરવાના ને વેપાર કરવાના આદરમાં મંડ્યા છે તેમ આપણે સાધુતા શીખ્યાના આદરમાં રહેવું, ને પૃથ્વીની પેઠે સર્વેનું ખમવું ને સર્વેનું હિત કરવું... (૯)
પ્રકરણ/વાત: ૧૧/૧૦૦
વ્યવહારથી સાધુ ને ધુંસરીથી બળદીયો પરખાય છે. તે સાધુતા હશે તો બીજાને આપણો ગુણ આવશે. ને ક્રોધ આવે ત્યારે સંતનો અભાવ આવે. તે ઉપર ભીષ્મપિતા આદિકમાં દૈત્યે પ્રવેશ કર્યો તેની વાત કરી. માયા પર થાવું તે તો ભારત રચવા જેવું કઠણ છે. જેમાં કામાદિક અસુર પ્રવેશ કરી જાય છે ત્યારે જેમ લાડવામાં ઝેર નાખે તે ઝેરરૂપ થઈ જાય તેમ તેની બુદ્ધિ દેશકાળે વિપરીત થઈ જાય છે. (૧૦)
પ્રકરણ/વાત: ૧૧/૧૬૧