અમૃત કળશ: ૧૪
ખપ-મુમુક્ષુતા
સ્વભાવ મૂક્યા વિના તો મુકાય જ નહિ, માટે કાયર થાવું નહિ અને પોતાનું કામ તો સાધ્યું નહિ ને પારકી દાઢી ઓલવીએ છીએ. તે ‘પરને કહેવાને પ્રવીણ છે પુરો, પોતાનું તો ન પેખે રે!’૧ માટે પ્રથમ પોતાનું કરવું. તે ઉપર વાત કરી જે, બાદશાહે લવાને પૂછ્યું જે, “મારે વિષે કેવું હેત?” તો કહે, “તમે તો ખાવંદ ધણી છો. તમારે વિષે હેત હોય એમાં શું કહેવું?” ત્યારે કહે, “આપણા બેયની દાઢી એક સાથે સળગે તો પ્રથમ કેની ઓલવ?” ત્યારે કહે, “બે લહરકા મારી દાઢીને લઉં પછી તમારી ઓલવું.” એમ લવાની પેઠે પ્રથમ પોતાનું કરવું. (૧)
૧. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત ‘ચોસઠ પદી’ - પદ ૪૯
પ્રકરણ/વાત: ૮/૬૦
સભામાં વાત સાંભળે ત્યારે જીવનો સ્વભાવ એવો જે કાંઈક ઉપર નાખે. “આ જે વાત થઈ તે ફલાણા ઉપર થઈ,” એમ કહે પણ પોતા ઉપર ન લે તેને કોઈ વાત સમાસ ન કરે. પછી પણગા છેલની વાત કરી જે, તે વરસાદમાં કોરો આવ્યો. ત્યારે પૂછ્યું જે, “તમે કેમ પલળ્યા નહિ?” તો કહે જે, “હું તો પણગા છેલ છું! તે એકે પણગો માથે પડે જ નહિ ને આડોઅવળો તરી જાઉં!” ત્યારે કહે, “ફળીઆમાં ઊભા રહો ને તીર મારું તે લાગવા દેશો નહિ.” એટલે માન્યો ને કહે, “પાટિયામાં લૂગડાં ભર્યાં હતાં માટે મારશો મા.” માટે કોઈ વાતે છેલ થાવું નહિ. (૨)
પ્રકરણ/વાત: ૮/૧૨૩
આ સાધુ લોંઠાયે પ્રભુ ભજાવે છે પણ કોઈને સત ચડતું નથી. એક બાઈ અંજારમાં પોતાના ધણી સાથે બળી મરવા ‘જે અંબે જે અંબે!’ કરતી નીકળી પણ સ્મશાનમાં ગઈ ત્યાં સત ઊતરી ગયું. પછી કહે, “હું તો નહિ બળું ને ઘેર આવીશ.” પછી પાણ્યમાં સંતાણી ત્યારે તેના કુટુંબીએ લાજની ખાતર પરાણે ઉપાડીને ચિતામાં નાખી, તે બળી મૂઈ. તેમ આ સાધુ લોંઠાયે પ્રભુ ભજાવે છે પણ આપણે લગારે કલ્યાણનો ખપ નથી. (૩)
પ્રકરણ/વાત: ૮/૧૮૮
મોટાનો જોગ ઘણો હોય તો પણ જો લગની ન હોય તો તે ન વધે ને જોગ થોડો હોય પણ વધુ લગની થાય તો તે વધી જાય. (૪)
પ્રકરણ/વાત: ૮/૨૭૦
... સુરતનો વાણિયો મહારાજ પાસે તેરે આવતો તેને મહારાજે બ્રાહ્મણને વેશે માગતાં માગતાં તેરે આવવું ને પાછું જવું શીખવ્યું હતું. તે સુરતનો સીમાડો ઊતરી બ્રાહ્મણનાં લૂગડાં પહેરી તુંબડું હાથમાં લઈ માગતો માગતો તેરાના સીમાડા સુધી આવે, પછી તે લૂગડાં ને તુંબડું બાંધી લે ને વાણીઆનાં લૂગડાં પહેરી ગામમાં આવે ને મહારાજ પાસે રહે ને પાછો જાય ત્યારે પણ તેમ જ કરે. તેમ જેને મોક્ષનો ખપ હોય તેનાથી શું ન થાય? (૫)
પ્રકરણ/વાત: ૯/૬
પૂર્વના આઘાત લાગ્યા હોય તે સાંભર સાંભર કરે છે પણ કોઈ દિવસ રૂડા સંસ્કાર લગાડ્યા નથી. ભરતજીને આઘાત લાગ્યા હતા તો મૃગના દેહમાં પણ સ્મૃતિ રહી. ને ઊનાવાળા નાગર ગૃહસ્થ હતા પણ એવા વૈરાગવાન હતા જે લોકની ગણતી રાખી જ નહિ, પણ એકે પૈસો ખાય નહિ ને લાવી લાવીને પોષણ કરે તેને કેમ બંધન છૂટે? માટે જેને ભગવાન ભજવા હોય તેને જાણીને ગાંડા થવું. વિજીયાત્માનંદ સ્વામીને ત્યાગી થાવું હતું પણ માવતર થાવા દે નહિ. પછી ઘરના ઉમરા વચ્ચે કૂવો ખોદવા માંડ્યો ને કહે જે, “હું જેવો દીકરો ને મારી માને પાણી ભરવા બહાર જાવું પડે તો હું દીકરો શા કામનો?” પછી માવતર જાણે, ‘આ ગાંડો થઈ ગયો છે તે ભલે વયો જાય, આપણે હવે તેડવા જાવો નહિ.’ પછી ત્યાગી થઈ ગયા. (૬)
પ્રકરણ/વાત: ૯/૧૧
પ્રભુ ભજવા તેમાં મન-ઇંદ્રિયું એ મોટાં વિઘ્ન છે. આ જીવ ઢાંગી છે તે એક ગાઉ ન ચાલતો હોય પણ વાંસે ભય હોય તો દસ ગાઉની મજલ કરે. ગોપાળાનંદ સ્વામીએ હરજી ઠક્કરને પૂછ્યું જે, “તમે કેટલું ચાલી શકો?” તો કહે, “બે ગાઉ ચાલી શકું.” ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, “વાંસે ઉઘાડી તરવાર કાઢી કોઈ મારવા આવતું હોય તો કેટલું ચાલો?” ત્યારે કહે, “તો તો અડવાણે પગે દશ-બાર ગાઉ દોડ્યો જાઉં!” એવાં જીવનાં કૂકટ છે. મહારાજે આ સાધુ કર્યા, ધર્મ બાંધ્યો ને જે જે ક્રિયા કરી તે એક મોક્ષ સુધારવા સારુ છે. પાતાળના દેડકાને નીકળવું ને વરસાદ થવો ત્યારે કહે, “તકેતક મળી!” તેમ આપણે પણ આજ તકેતક બની ગઈ છે. મહારાજને પ્રગટ થાવું ને આપણે મનુષ્યનો દેહ આવ્યો, માટે પ્રભુ ભજી લેવા. (૭)
પ્રકરણ/વાત: ૯/૧૩
ગામમાં ન રહેવાય, નાતમાં ન રહેવાય ને ખરેખરું જ્ઞાન થાય તો ઇંદ્રિયું-અંતઃકરણ પણ નોખાં પડી જાય. જેવી નિષ્ઠા હશે તેવી પ્રાપ્તિ કરાવશું. લીંબડે તો લીંબોળિયું જ લાગે તેમ જેવી નિષ્ઠા એવી પ્રાપ્તિ. માટે જેવું રૂપ છે તેવું સમે સ્ફૂરશે. હૈયામાં વિષય ભર્યા છે તો બીજું ક્યાંથી થાશે? હૈયે હોય તેવું હોઠે આવે. રૂના ભાવ બહુ ચડી ગયા એટલે એક વાણિયો ગામડે રૂનું સાટું કરવા ગયો, પણ તરસ ઘણી લાગી હતી તેથી બીજા વાણિયાને ત્યાં પાણી પીવા ગયો ને કહે જે, “ભાઈ, રૂ પા.” ત્યારે તે વાણિયો સમજ્યો જે, ‘રૂના ભાવ ચડ્યા હશે તે આ લેવા આવ્યો છે.’ પછી તેને બેસારીને એક જણે ટાઢું પાણી પાવા માંડ્યું ને વાતે ચડાવ્યો. બીજો ગામમાં ગયો તેણે બધું રૂ સાટવી લીધું ને વાણિયો પછી ગયો એટલે ન મળ્યું. તેમ જીવમાં જે હોય તે બહાર નીકળી આવે. જે ડુંગળી ખાય તેને એલચીના ઓડકાર ક્યાંથી આવશે? (૮)
પ્રકરણ/વાત: ૯/૨૫
શિવલાલભાઈ સોપારીનો કટકો ખાતા હતા ને સભામાં બેસીને આત્માનંદ સ્વામીની વાત સાંભળતા ત્યારે વારે વારે કટકટ થાતું સાંભળી આત્માનંદ સ્વામી કહે જે, “આટલામાં કોણ હાડકું કરડે છે?” તે સાંભળી શિવલાલભાઈ ઊભા થયા ને બહાર જઈને કટકો થૂંકી નાખ્યો ને સોપારી ન ખાવી એવું નિયમ લીધું. તેમ વઢીને કહે તોય ગુણ લે એવા થોડા. (૯)
પ્રકરણ/વાત: ૯/૪૧
ખરેખરા હશે તે દેહને કારસો દેશે ને બીજા તો જેમ લંઘી પોતે કૂટે નહિ ને બીજાને કુટાવે, તેમ પોતાને વર્તવું નહિ ને બીજાને વર્તવાની વાત કરે તેમાં સમાસ ન થાય. (૧૦)
પ્રકરણ/વાત: ૯/૫૯