અમૃત કળશ: ૧૩
ભજન, સ્મરણ
જેમ મંત્રે કરીને નિર્બાધ કરે છે તેમ મંદિરના રોટલા ખાઈને જો ઘડી ઘડી ભક્તિ કરશો તો નિર્બાધ થાશો.
સંસારીના ટુકડા નવ નવ આંગળ દંત;
ભજન કરે તો ઉગરે નહિ તો કાઢે અંત.
કંદોઈ સુખડાં કરે તેને સ્વાદ ન આવે પણ સ્વાદ તો ખાય તેને આવે, તેમ ભગવાન સંભારે તેને સુખ આવે. ને સુખ ઘણાં દીધાં તે શું? જે ભેળા રહ્યા, મળ્યા ને જમાડ્યા. (૧)
પ્રકરણ/વાત: ૮/૧૨૬
આ સાધુની અનુવૃત્તિ રાખીએ ને એના રૂપમાં રહીએ તો ભગવાનને ઢુંકડું થવાય છે. જેને આ સાધુનો સંબંધ થયો છે તેને તો પૃથ્વીનું વેજું છે. રાંધીને જમે નહિ ને ઢાંકી મૂકે તો તે અન્ન ઊતરી જાય, તેમ સમજ્યા હોય પણ કહે નહિ ને સંભારે પણ નહિ તો તેની સમજણ ઊતરેલા અન્ન જેવી થઈ જાય છે. માટે સંભારે તેને જ સુખ આવે પણ એવું વ્યસન નથી પાડ્યું જે તે વિના ચાલે જ નહિ. (૨)
પ્રકરણ/વાત: ૮/૨૦૫
ચાર ઠેકાણે ભગવાનની સ્મૃતિ રહેતી નથી, તે ક્યાં તો એક તો દેહમાં રોગાદિક કષ્ટ આવી પડે, બીજું કામાદિક દોષની પ્રવૃત્તિ થાય, ત્રીજું કાંઈક અધિકાર મળે ને ચોથું મોટાની સેવા મળે એ ચાર ઠેકાણે ભગવાનની સ્મૃતિ રહેતી નથી તે દીન આધીનપણું પણ રહેતું નથી. કીર્તને કરીને ભગવાનમાં વૃત્તિ રહે છે. પછી જગુ પાસે કીર્તન બોલાવ્યું જે,
તારા મુખની લાવનતા મીઠી રે, મોહન વનમાળી;
એવી ત્રીભુવનમાં નવ દીઠી રે, મૂર્તિ મરમાળી.
વચનામૃત વંચાય છે તેમાં ય પ્રથમ ભગવાનની સ્મૃતિ થાય છે. આ સાધુ ને મંદિર કર્યાં છે અને આ બધે સાજ કર્યો છે તે સ્મૃતિ રાખવા સારુ છે, માટે સ્મૃતિ રાખીને બધું કરવું. જુવોને, મંદિરનો કાંઈ વહેવાર હશે તે પણ મોટેરાને માથે હશે ને બીજાને તો કેવળ અન્ન જમીને પ્રભુ ભજવા છે, પણ તે થાય નહિ ને સુવાણ્યને માર્ગે ચાલે તે આખો દિવસ તે કરે કાં સૂઈ રહે. તેલના પાડની ખબર નથી, કેરીના પાડની ખબર નથી ને અન્નવસ્ત્રની તો ગૃહસ્થને ફિકર છે, છતાં પ્રભુમાં વૃત્તિ ન રહે એ ગાફલાઈ કહેવાય. (૩)
પ્રકરણ/વાત: ૮/૨૭૧
દેહાભિમાન મૂકીને બ્રહ્મરૂપ થાવું તે તો લોઢા જેવું કઠણ છે, પણ આ પ્રગટની પ્રાપ્તિ થઈ છે એવો કોઈ આનંદ નથી ને એનું ભજન નથી થાતું એવી કોઈ ખોટ નથી. બીજા મનસૂબા થાય છે પણ એ થાતું નથી ને એમ કર્યા વિના એકાંતિક નહિ થવાય પણ પ્રધાનપુરુષ કે મૂળપુરુષ જેવા થવાશે. ગોપાળાનંદ સ્વામીએ સૌ સંતને પૂછ્યું જે, “તમારે જન્મ ધરવો પડે તો કેવે ઠેકાણે જન્મ ધરો?” ત્યારે વિશુદ્ધાત્માનંદ સ્વામી બોલ્યા જે, “હું તો રાજા થઈને સૌને સ્વામિનારાયણનું ભજન કરાવું ને ન કરે તેને ઘાણીમાં ઘાલી પીલી નાખું.” માવોભાઈ કહે, “હું તો ભગવાનનો ભાઈ થાઉં તે સુખદુઃખના ધણી ભગવાન ને હું તો બેઠો બેઠો ખાઈપીને ભજન કરું.” ગોપાળાનંદ સ્વામી કહે, “હું તો ગરીબ બ્રાહ્મણને ત્યાં જન્મ ધરું તો કોઈ કન્યા પણ ન દે એટલે ભગવાન ભજવા તરત ચાલી નીકળાય.” એમ સર્વેએ નોખું કહ્યું. (૪)
પ્રકરણ/વાત: ૯/૩
જેમ સૂરજમુખી કમળ સૂરજ સામું જોઈ રહે છે તેમ ભક્તે ભગવાન સામું જોઈ રહેવું. (૫)
પ્રકરણ/વાત: ૯/૫૫
એકાગ્ર થઈને જોડાવું તે તો આકાશમાં ઊડ્યા જેવું કઠણ છે. આંખ-કાન આદિ સર્વે ઇંદ્રિયું ભગવાનમાં જોડી મેલવી... (૬)
પ્રકરણ/વાત: ૯/૮૬
આ સમે શ્રવણ, મનન ને નિદિધ્યાસમાં જેટલી કસર રહેશે કે ભગવાન સંભાર્યામાં કસર હશે તેને જરૂર ખોટ જાશે. મોઢે ભજન કરે છે ત્યારે ભગવાન આગળ આવીને ઊભા રહે છે. વિજયાત્માનંદ સ્વામી લઘુ કરવા ઊઠ્યા ત્યારે બોલ્યા જે, “હે સ્વામિનારાયણ!” ત્યારે મહારાજે હોંકારો દીધો. વિજયાત્માનંદ સ્વામી કહે, “મારે તો એમ ભજન કર્યાના હેવા છે.” ત્યારે મહારાજ કહે, “અમારે પણ હોંકારો દીધાના હેવા છે.” એમ ભગવાન તો જ્યારે ભક્ત ભજન કરે ત્યારે ભજન સાંભળવા ઊભા રહે છે. (૭)
પ્રકરણ/વાત: ૯/૯૦
જેતપરને પાદર ભાદરનો દરેડો પડે છે, તેના શબ્દ જેમ અખંડ થયા કરે છે તેમ હૃદયમાં અખંડ ભજન થાય છે કે નહિ તે તપાસવું. ને તે વિના ભગવા કરે છે તે ભાંડના પડિયાની પેઠે બેય બગાડે છે. માટે ઘટે એટલો વહેવાર કરીને ભગવાનમાં મન રાખવું. અમે મોળું મૂકીએ તો આ બધા પુરાણી બેઠા છે તે આ ઘડીએ ગ્રામ્ય વાતુ કરવા માંડે, માટે ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય હોય તો પણ જો ભગવાનમાં કે સંતમાં ન જોડાણો હોય તો તેને જેમ એક થાંભલેથી બીજા થાંભલે ભટક્યા કરે છે તેવા કરોળીઆ જેવો જાણવો. માટે ભગવાન તથા એકાંતિકને આગળ રાખીને કામ કરજો ને તે વિના તો બ્રહ્મજ્ઞાન છે તે પણ અભદ્ર છે. (૮)
પ્રકરણ/વાત: ૯/૯૭
બીજાને ઉપદેશ કરીએ પણ અખંડ ભજન ન થાય એટલી આપણમાં ખોટ કહેવાય, પણ તે કરીએ તો થાય. આપણે કૂવો ખોદ્યો તે લોઢા જેવો પાણો કાપ્યો. તેમ કોઈની સેવા કરવા માંડીએ તો થાય પણ વાતે ન થાય. માથું દાબીએ તો દબાય ને વેણ મારીએ તો મરાય. તેમ જે કરીએ તે થાય. બળદિયા નાથે કરીને આજ્ઞામાં વરતે છે, તેમ આપણે સર્વે આજ્ઞાકારી છીએ તો ભક્તિ કરીને દેહને પછાડવા માંડીએ ત્યારે કોણ રાજી ન થાય? પણ પગેય ન લગાય ત્યારે રાજી કેમ થાય? (૯)
પ્રકરણ/વાત: ૯/૧૦૯
મહારાજ પણ હરિજનનાં નામ લઈ પારા મૂકતા, તે બધાનાં વખાણ કરતાં કરતાં દેવજી ભક્તનું નામ આવ્યું ત્યારે મહારાજ કહે, “ઈ ખરા!” ક્રિપાનંદ સ્વામી ને અમે ફરતા ફરતા દેવજી ભક્તને ગામ ગયા, ત્યારે રાત્રે કથા થઈ રહી ને બાર વાગ્યા તોય દેવજી ભક્ત ઊઠ્યા નહિ. પછી અમે કહ્યું જે, “ભક્ત, તમારે ખેડનો ધંધો તે થાકી રહ્યા હશો ને ઊંઘ આવતી હશે તે હવે સૂઈ જાઓ.” ત્યારે તે કહે, “હજી ખેતરે આંટો જાઈશ પછી ધ્યાન કરીશ ને ઊંઘ આવીને સામી છેટે ઊભી રહેશે. તેને હું કહીશ જે, ‘હવે આવ્ય,’ ત્યારે ઊંઘ આવશે. પણ તમે આજ ચાલીને આવ્યા છો ને થાક્યા હશો તો ઊંઘ આવતી હોય તો સૂઈ જાઓ. લ્યો ઊંઠું.” ત્યારે અમે કહ્યું જે, “ભક્ત, એ તો ભારે વાત!” તે એવા હોય ત્યારે જ મહારાજ તેમને માળામાં ગણતા હોય. કોઈ એવા ભગવદી ન હોય તેનું નામ મહારાજને યાદ આપે તો મહારાજ કહેતા જે, “ઈ આ માળામાં ન આવે.” પછી પાણવીવાળા પૂંજા ભગતનું નામ દીધું. ત્યારે મહારાજ કહે, “ઈ ખરા!”... (૧૦)
પ્રકરણ/વાત: ૯/૧૪૫