અમૃત કળશ: ૧૨
પુરુષપ્રયત્ન
કેવળ પતિત થઈને પાળવું નહિ. પ્રેમાનંદ સ્વામી ‘હમ હે પતિત, તુમ પતિત કે પાવન’૧ એ કીર્તન બોલ્યા, ત્યારે મહારાજે લાધા ઠકરને કહ્યું જે, “સીંદરાનું વાણ મંગાવો, કારણ કે સૌને પતિત થઈને પાળવું નથી તે બાંધ્યા જોશે. નીકર ક્યાંઈના ક્યાંઈ વહ્યા જાશે.” માટે એમ ન કરવું ને સામા પગલાં ભરવાં. (૧)
૧. સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન ‘તોહે મેરી બાંહ્ય ગ્રહેકી લાજ’ – કીર્તન મુક્તાવલી ૨/૪૪
પ્રકરણ/વાત: ૮/૧૧૮
આજ ક્રિયમાણ થાય છે તે સંસ્કાર બંધાય છે. કરવું હોય તેને સંગની કસર તો રહે એમ જણાતું નથી પણ દેહે-મને વર્તશું ત્યારે એ ગુણ આવશે. આ તો પાઠ લીધા જેવું છે. તે ભગવદાનંદ સ્વામી ગઢડામાં લીંબોયુંમાં જઈને ઘોષ કરતા ત્યારે વિદ્યા આવડી માટે કરે તો જ થાય એ સિદ્ધાંત છે. (૨)
પ્રકરણ/વાત: ૯/૩૭
પ્રથમ કેટલાંક દુઃખ હોય ને પછી સુખ થાય. ધર્મશાળા કરી હશે ત્યારે કેટલી મહેનત પડી હશે? વાડ વાવે તેમાં પેલું ખાતર નાખે ત્યારે શેર બશેર તો મોઢામાં જાય, કાં જે, લાભમાં નજર હોય. તેમ ભક્તને કાંઈ વ્રત, તપ કરવાં તેનું આગળ ફળ જોવું. (૩)
પ્રકરણ/વાત: ૯/૬૪
હુંથી ન થાય એમ બોલે ત્યારે જાણવું જે સરું આવી રહ્યું. સાંતીવાળા મંડ્યા છે તેમ મંડવું, નીકર કાઠીના ટોરાઈ ગયેલ ખેતર જેવું થશે. બાંટવા પરગણામાં વીઘે કળશી બાજરો થાય છે. જેમ ખેડ, ખાતર ને પાણી તેમ જેને કલ્યાણ ઇચ્છવું હોય તેને શ્રદ્ધા, ખપ ને સમાગમ એ ત્રણેય જોઈએ. (૪)
પ્રકરણ/વાત: ૯/૧૪૪
કલ્યાણભાઈએ જેમ ખેતર સારુ કરવા માટે દાખડો કર્યો૧ અને જોગીદાસ ખુમાણે જેમ ગરાસ વાળવા દાખડો કર્યો ને જેમ નામવાળા દાખડો કરે છે, તેમ તેવો દાખડો સારા સાધુ પામવા કરે ત્યારે સત્સંગ થાય. માટે મરડીને ઇંદ્રિયો-અંતઃકરણને નિયમમાં રાખવાં, પણ ત્યાગી કે ગૃહસ્થ લાડવા ગળી ગળીને દિવસરાત સૂઈ રહે તેથી સત્સંગનું જ્ઞાન થાય નહિ. (૫)
૧. કલ્યાણભાઈના ખેતરમાં ધ્રો થઈ ગઈ હતી, તે ત્રણ વરસ સુધી ઘેર જ આવ્યા નહિ ને ખેતરે રહી ધ્રો કાઢી ચોખું કર્યું, તેમ આપણે પણ આ સાધુના સમાગમમાં રહીને લઈ મંડશું, ત્યારે જ વિષયના ધોરી મૂળ કપાશે. – સ્વામીની વાત ૮/૨૩૦.
પ્રકરણ/વાત: ૧૦/૩૪
... સત્પુરુષના પ્રસંગ વિના જ્ઞાન ન થાય. વેદ ભણ્યામાં ચાર ભેદ છે: એક તો ભણી જાય ને બીજો તેના અર્થને જાણે ને ત્રીજાને પ્રશ્ન કરતાં આવડે ને ચોથો સંશયને છેદે. જો એમ ને એમ થઈ જાતું હોય તો નૈમિષ્યારણ્યવાળા, બદરિકાશ્રમવાળા ને શ્વેતદ્વીપવાળા શું કામ મંડ્યા રહે? ને ફિરંગી નિત્ય કવાયત કરાવે છે તે શા સારુ કરે? (૬)
પ્રકરણ/વાત: ૧૧/૫૬
જે કાર્ય આદર્યું હોય તેનો પ્રયાસ ન કરે ત્યારે તે કાર્ય કેમ થાય? આ જીવમાં અનાદિનું પાપ ભર્યું છે, તે કાઢવા તેનો પ્રયાસ જોઈએ. (૭)
પ્રકરણ/વાત: ૧૧/૮૦
ગુરુ વિના તો નાળ કાપતાં ગળું કાપે એવું થાય છે.
સંત ધન્વંતર વૈદ સમ જેસો રોગી જેહુ,
મુક્ત બતાવત તાહીકું તેસો ઔષધ તેહુ.
દોષ હરણ શીતળ કરન ઘન સમ સંત સુધીર.
સાધુ ચંદન બાવના શીતળ છાંય વિશાળ,
મુક્ત કહે તેહી પરસસેં નિર્વિષ હોત વિષવ્યાલ.
... ‘બ્રહ્મવિલાસનું’ શૂરવીરનું અંગ વંચાવીને કહ્યું જે, શૂરવીરનો મારગ, પ્રેમનો માર્ગ, નિયમનો મારગ ને ધર્મનો મારગ, એ સર્વે મારગે ચાલવા માંડે તો અવિદ્યા ક્યાં રહે? જેમ કાળીનાગને માથું જ ઉપાડવા દીધું નહીં તેમ અવિદ્યા ઊંચું માથું કરી શકતી નથી. ને એવા ભાવના શ્લોક શીખી રાખે તો હૈયું એવા ભાવથી વસાઈ જાય. ને આવી વાતુ સમજાણી હશે ત્યારે પાદશાહીયું મુકાણી હશે. ને આ તો વિષયનો ઓશલો જ કુટાય છે. (૮)
પ્રકરણ/વાત: ૧૧/૧૯૧
જ્યારે ઘોડાની આંખ ફાટે ત્યારે તે કોઈનો ઝાલ્યો રહે નહિ. તે ઉમરેઠને મારગે રોઝો ઘોડો મહારાજે દોડાવ્યો તે બે ગાઉ સુધી દોડ્યો તે હાથ-જીભ કાઢી ને પરસેવો વળી ગયો તે હેઠે ધરતી પલળીને પાટોડું ભરાઈ ગયું. ને અમો પણ ભેળા દોડ્યા તે ઝાડ હેઠે મહારાજને આસન નાખી આપ્યું, તે પોઢી ગયા ને અમે વાહર નાખવા માંડ્યું. પછે એક કલાકે કાઠીનાં ઘોડાં આવ્યાં તોય ઘોડો તો જ્યાં ઊભો હતો ત્યાંથી હલ્યો કે ચલ્યો નહિ. તેમ આ ઇન્દ્રિયું, અંતઃકરણ છે તે પણ ઘોડા જેવાં જ છે. માટે તેને તો જ્યારે સંલગ્ન કરી રાખે ત્યારે સમાં રહે એવાં છે પણ જો મન-ઇન્દ્રિયોનું ગમતું થાશે તો પડી જવાશે. (૯)
પ્રકરણ/વાત: ૧૧/૨૫૩
ખાતર, ખેડ ને પાણી બરોબર હોય તો મોલ વૃદ્ધિ પામે. તેમ ખાતરને ઠેકાણે સંસ્કાર, ખેડને ઠેકાણે પુરુષપ્રયત્ન ને પાણીને ઠેકાણે સંત સમાગમ જો હોય તો જીવ વૃદ્ધિ પામે. (૧૦)
પ્રકરણ/વાત: ૧૧/૩૨૧