અમૃત કળશ: ૧૧
સંત-અસંત
એક બાવો મુન્ય (મૌન) લઈને બેઠો હતો તે બોલે નહિ. પછી માતરે ધાધલે કહ્યું જે, “મારે બાવાજીને પાંચ રૂપિયા આપવાની માનતા છે પણ આ તો બોલતા નથી, તેમ પાસે લૂગડું પણ નથી જે ગાંઠે બાંધીએ ને પાસે મૂકી જઈએ તો કોઈક લઈ જાય.” પછી અલૈયા ખાચરે કહ્યું જે, “તમારે ભાવ હશે તો બાવાજી મોઢું ફાડશે.” એટલે બાવે મોઢું ફાડ્યું. પછી માતરે ધાધલે ગાંઠેથી રૂપિયા છોડી કહ્યું જે, “મારે પ્રદક્ષિણા કરીને મૂકવા છે.” એમ કહી ઊભા થયા ને વાંસે જઈ ધૂળ લીધી ને મોઢું ફાડી રાખ્યું હતું તેમાં નાખી. પછી બાવો એસીતેસી બોલ્યો ત્યારે માતરે ધાધલે કહ્યું જે, “ભણે માંગરના, બોલતો નોતો ને કાણું બોલ્યો?” માટે મરને ત્યાગની વાત કરે પણ મૂકવું તો બહુ કઠણ છે તે ત્યાગ કરતો કરતો લેવા માંડે ને આંખ્ય ન ઉઘાડતો હોય તો જોવા માંડે, માટે બાયડી ને રૂપૈયાને ન અડવું એ તો સ્વામિનારાયણે નવો પંથ ચલાવ્યો છે. (૧)
પ્રકરણ/વાત: ૮/૮૪
ભગવાનને રાજી કરવા હોય તેણે ભગવાનના એકાંતિક સાધુને વશ થાવું. જણ જણકા મન રાખતાં વેશ્યા રહી ગઈ વાંઝણી, માટે જેને ભગવાનને રાજી કરવા હોય તેને બધાની મહોબત ન રખાય. એક ભગવાનની અને સંતની જ રખાય. વિનય ન હોય ને બ્રહ્મચર્ય ન હોય તેને ભણાવવો નહિ. કડવું ઓષડ મા પાય. સ્વભાવ ટાળવો હોય તેને એક વેણ મારીએ ને છ મહિના સુધી વિસરે નહિ તો સ્વભાવ ટળે. કપટી ન ઓળખાય માટે તેનો વિશ્વાસ ન કરવો. અશ્વત્થામા જેવો પણ કોઈક માંહી હોય તે માંહી બેઠો બેઠો છેલ્લો વર્તમાન સુધી પણ પુગી જાય. હમીર સાંખ્યયોગી બાઈને લઈને ગીરમાં ગયો ને અરીઠિયામાં રહ્યો. પછી આચાર્યજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બીજા સાધુ ને હરિજન ઊને જાતાં તેની પાદર નીકળ્યા એટલે હમીરે મોઢામાં તરણાં લઈને દંડવત્ કરવા માંડ્યા ને માફી માગી ત્યારે નિત્યાનંદ સ્વામીએ તેનો તિરસ્કાર કર્યો. એટલે ગોપાળાનંદ સ્વામી કહે, “એને આગલા અવતારના ભક્ત જેવો તો માનો!” પછી તેને વર્તમાન ધરાવીને સત્સંગી કર્યો ને સાધુને આજ્ઞા કરી જે, “તેને ઘેર જાજો.” પણ એવા હોય તેની મંડળી બાંધ્યે સમાસ ન થાય. જુઓને, ગોતીતાનંદ ને અદ્વૈતાનંદ કોઈકની ઓશરીમાં ઊતર્યા ને કહે, “હમણાં પ્રકરણ ફર્યું છે જે, બાઈયુંને વાતું કરવી.” ત્યારે હરિજને કહ્યું જે, “તમારું પ્રકરણ ફર્યું છે માટે ચાલવા માંડો.” એમ કહીને કાઢી મેલ્યા. પછી મંદિરમાં આવ્યા ત્યારે અમે નોખા બેસાર્યા ને કહ્યું જે, “રઘુવીરજી મહારાજ આવે છે તે કહેશે તેમ કરશું.” ત્યારે અમને કહે, “શું કલ્યાણ તમારા હાથમાં છે?” એટલે અમે કહ્યું કે, “હા, કલ્યાણ તો મારા જ હાથમાં છે ને હું કહું તે જ મહારાજ કલ્યાણ કરે, નીકર ન કરે.” પછી વહ્યા ગયા. સરપ સાણસે ઝાલે તો કરડી શકે નહિ, તેમ એવાને તો છેટેથી જ નમસ્કાર કરવા પણ તેનો સંગ ન કરવો. ખરેખરા ધર્મવાળા થોડા હોય તો પણ તે થોડે ઝાઝા છે. (૨)
પ્રકરણ/વાત: ૮/૧૪૯
એક જણને અદ્વૈતાનંદ સાથે હેત હતું ને મહારાજે કળાવ્યું જે, “એ સંગ કર્યા જેવો નથી.” માટે આપણને ન કળાતું હોય તો બીજાને પૂછવું. દંભીનો દંભ ન કળાય.૧ રામચંદ્રજીએ લક્ષ્મણજીને કહ્યું જે, “જીવ ઉપર દયાએ કરીને ધીમે ધીમે પગ મૂકે છે એવા પરમ ધાર્મિક બગલાને જુઓ.” ત્યારે માછલો બોલ્યો જે, “હે રામ! એણે મારા આખા કુળનો નાશ કર્યો છે, તે કેમ જોતા નથી ને તે મને લેવા સારુ ધીમે ધીમે પગ મૂકે છે તે મને લીધે રહેશે. તેને તમે પરમ ધાર્મિક કહો છો?”૨ માટે સહવાસીની ચેષ્ટા જે ક્રિયા તે સહવાસી હોય તે જાણે. (૩)
૧. पश्य लक्ष्मण पंपायां बकः परमधार्मिकः । शनैर्मुञ्चति पादौ द्वौ जनानामनुकम्पया ॥
૨. किं न पश्यस हे राम येनाहं नकुलीकृतः । सहवासी विजानीयात् सहवासी विचेष्टितम् ॥
પ્રકરણ/વાત: ૮/૨૨૦
સદગુરુ શબ્દાતીત પરમ પ્રકાશ હે,
જાકે શરણે જાય અવિદ્યા નાશ હે.
હૈયામાંથી અવિદ્યા જાય ત્યારે જાણવું જે ગુરુ મળ્યા છે. માટે અવિદ્યા કાઢે એવા ગુરુ કરવા. ને તે વિના તો,
ગદો દે ગદીયાને ગા, લેજે તું ગદીયાની મા;
ગદાનાં છોકરાં પીશે છાશ, તોરા હોશે વૈકુંઠ વાસ.
એવો છે. તે તો હરિજનને અભાવ કરાવીને ઓકાવે. પછી પોતે ઉહરડી લે, એવા ગુરુ કર્યે શું થાય? માટે ગુરુ કરવા તે જોઈને કરવા પણ ભગવું ભાળી ભરમાવું નહિ. (૪)
પ્રકરણ/વાત: ૯/૩૮
મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ કુસંગી બાવાનાં રૂપ કરી કાવ્ય કરેલ છે અને નિષ્કુળાનંદ સ્વામીએ સત્સંગી, સાધુ, હરિજનનાં રૂપ જેમ છે તેમ જોઈ, સાચું અનુભવીને કાવ્ય કર્યાં છે. માટે ભગવે લૂગડે ભેળવાવું નહિ પણ ખરેખરા આજ્ઞા ઉપાસનાવાળા શુદ્ધ હોય ને બ્રહ્મરૂપ હોય તેવાનો સંગ કરવો. ને તેવાની સેવા કરવાથી મહારાજ પોતાની સેવા કરતાં અધિક માની ફળ આપે છે. અને ફરતાં ફરતાં પોતાને ગામ આવે તો અન્ન-વસ્ત્ર યથાશક્તિ આપવું પણ ઊતરતાનો સંગ ન કરવો. તે જેને મહારાજ સર્વોપરી સ્વયં પુરુષોત્તમ ભગવાન અને આ સાધુ તેમનું પરમ સત્યસ્વરૂપ મૂળ અક્ષર જાણતા ન હોય અને નિષ્ઠા પણ ન હોય ને ‘અવતાર બધા સરખા ને સાધુ બધા સરખા’ એમ કહી સર્વોપરી જ્ઞાન-ઉપાસનાનું જુક્તિથી કે ઉઘાડું ખંડન કરતા હોય, તેવાનો તો છેટેથી પગે લાગી ત્યાગ કરવો. કેમ કે એવા ગડબડિયાનું આજ્ઞામાં પણ સર્વ પ્રકારે કાચું જ હોય. તે તો મીણાહરમના ઝાડ જેવો છે ને દેખાવમાં તાલમેલ ને દંભે કરી ભક્તિનો આડંબર પણ બહુ કરે, પણ જેમ મીણાહરમનો સારો છાંયો દેખીને જો પંખી કે મનુષ્ય આશરો કરે કે પંખી ઉપર બેસે કે ઉપરથી ઊડી જાય કે વાયરો આવે કે તુરત ઝેર ચડે ને મરણ પામે તેમ આપણામાં પણ સત્સંગમાં એવો કુસંગ છે. (૫)
પ્રકરણ/વાત: ૧૦/૧૩૨
એકને દેખીને ભગવાન સાંભરે ને એકને દેખીને ભગવાન ભુલાય. તેમ એકની વાણી સાંભળીએ તો દ્રવ્યમાં માલ બતાવી દે ને એકની વાણી સાંભળીએ તો સહેજે શાંતિ રહે. માટે જેવા નર સેવે તેવો થાય. (૬)
પ્રકરણ/વાત: ૧૧/૨૦૪
... આ તો સમુદ્ર છે તે સમુદ્રમાંથી જેમ ઝેર નીકળ્યું તેમ આમાં પણ કોઈ ઝેરીલા હોય ને સમુદ્રમાંથી સુરા નીકળી તે સુરા જેવા પણ હોય. સમુદ્રમાંથી જે નીકળ્યું તે બધા રત્ન કહેવાણા. તેમ આ બધા સાધુ પણ રત્ન જેવા છે પણ રત્ન રત્નમાં ફેર છે. જે હીરો પણ રત્નમાં ગણાય છે પણ તેને ચૂસે તો પ્રાણ જાય, તેમ એવાને મન સોંપે તે ભૂંડું થાય. માટે જોઈ તપાસીને સારાનો સમાગમ કરવો. ને બધું બરાબર હોય નહિ પણ મૂરખને તો ‘ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં’ એવું છે. તે પૂજવા ટાણે તો એમ સમજવું, પણ સમાગમ કરવો કે મન સોંપવું તે તો જોઈને જ કરવું પણ માળાના મણકાની પેઠે ભગવાનના ભક્ત સરખા હોય નહિ. કેટલાક તો પૂજ્યા જેવા હોય, પણ સમાગમ કરે તો હીરાની પેઠે પ્રાણ કાઢે એવા હોય માટે જોઈ વિચારીને સંગ કરવો. (૭)
પ્રકરણ/વાત: ૧૧/૩૨૦
આ જન્મે એકાંતિક થાવાનો હોય તે જો ઊતરતાનો રંગ કરે તો મૂળગા સો જન્મ ધરવા પડે. સુરતમાં ભજનાનંદનું મંડળ આવે ત્યારે ત્યાંના હરિભક્ત કહે જે, “દોડો દોડો. ભજનાનંદ સ્વામી આવ્યા છે.” તે લ્યો જમરુખ, લ્યો બરફી, લ્યો ચીકુ. તે એવા પુરુષનો સંગ કર્યાથી મોક્ષ પણ થાય નહિ, જે મોટાં વર્તમાનમાં ફેર પડ્યો હોય પણ ભજનાનંદ સ્વામીને કહેશે જે, “અણગળ પાણી પીવાણું છે તે ફરી વર્તમાન ધરાવો.” તે સ્વામી પણ જાણે અલ્પ વર્તમાનમાં ફેર નહિ પડ્યો હોય પણ મોટા વર્તમાનમાં ફેર પડ્યો હશે તો પણ વર્તમાન ધરાવીને દ્રવ્ય લે. ને આત્માનંદ સ્વામી જ્યારે ફરવા આવે ત્યારે હરિજન કહેશે જે, “આત્માનંદ સ્વામી આવ્યા છે.” તો કે, “રાત્રે દર્શન કરવા જઈશું.” રાત્રીએ જઈને કહે જે, “સ્વામી, અણગળ પાણી પીવાણું છે તે વર્તમાન ધરાવો.” ત્યારે આત્માનંદ સ્વામી કહે જે, “અણીડો આ અણગળ પાણીનું વર્તમાન હેય નહિ. મોટું વર્તમાન ચૂક્યાં હશો.” તે કોઈ તેમની પાસે જાય નહિ ને ભજનાનંદ આવે ત્યારે તો દોડે. પણ એવાનો સંગ કર્યે મોક્ષ થાય નહિ. એવા હોય તેની મોટપ ઉપરથી તો બહુ જણાય. ને તદ્રૂપાનંદ સ્વામી જેવા ગરીબ હોય તેને કોઈ લોટ પણ ન આપે, કારણ કે તેનો મહિમા પણ એ જાણે નહિ, કેમ જે તેમાં દંભ, કળા કે કારસ્તાન હોય નહિ ને ઓલ્યા તો બધી વાતે પૂરા હોય પણ એવાને ઉપરનો આટાટોપ જોઈને મોટા સમજે તે અજ્ઞાન છે. માટે આપણે તો ગરીબ થઈને આપણા જીવનું શ્રેય કરી લેવું. અને ઝાઝાં માણસ થયાં તે કોઈ લડશે, કોઈ ચોરશે, કોઈ મારશે. માટે આપણે તો કોઈમાં ભળવું નહિ પણ સારી રુચિવાળા હોય તેમના ભેળો જઈને સમાગમ કરવો. તે સો હોય તો સો, પચાસ હોય તો પચાસ, વીશ હોય તો વીશ ને બે હોય તો બે, પણ રુચિવાળા ભેળું જઈને સમાગમ કરી લેવો. ને ભગવાનનો મહિમા, વિભૂતિ ને ઐશ્વર્ય તે વિચારીએ તો જીવ વૃદ્ધિ પામે, પણ જો કોઈના દોષ વિચારીએ તો ઊતરી જવાય. માટે બેમાંથી ગમે તે કરો. (૮)
પ્રકરણ/વાત: ૧૧/૩૨૯
એક મંડળ મોકલ્યે સમાસ થાય ને એકને મોકલ્યે સમાસ ન થાય. તે બુરાનપુરથી બે-ત્રણ સાજા આવ્યા ને બીજા ઘાયલ આવ્યા. માટે વચન માનવામાં પણ વિવેક જોઈએ. સાધુ-સાધુમાં ભેદ છે. તે શાહુકાર તો બધાય પણ તેમાં એકની હુંડી લાખની સ્વીકરાય ને એકની કરોડની સ્વીકરાય એમ છે. (૯)
પ્રકરણ/વાત: ૧૨/૧૦૬
... એક મંડળ જાય તે સમાસ કરે ને એક સમાસ ન કરે. તે કૃપાનંદ સ્વામી બામણગામમાં ગયા ત્યાં પચાસ માણસને સત્સંગ કરાવ્યો ને ભજનાનંદે સારંગપુરનું મંદિર ઉજ્જડ કર્યું તેની વાત કરી, જે હરિજન દર્શને આવે તેની પાસે પદાર્થ માગ માગ કરે તેથી હરિજન દર્શને આવતા આળસ્યા ને કહે જે, “સાધુ ગયા હોય તો દર્શને આવીએ.” એમ મંદિર ઉજ્જડ કર્યું. શાન્તાનંદનું મંડળ વાળાક દેશમાં ફરવા ગયું ત્યાં મુસલમાન આગળ દાણલીલા ગાઈને ગામ બગાડ્યું, એટલે કૃપાનાંદ સ્વામીએ મહારાજને કહ્યું જે, “વાળાક દેશમાં હમણાં ગરાય તેમ નથી.” ત્યારે મહારાજ કહે, “તમે મંડળ લઈ જાવ.” પછી બ્રહ્માનંદ સ્વામી પાસેથી અમને માગી લીધા તે વાળાક દેશમાં ગયા. અને અમે જ્યારે પ્રાંતીજ ગયા તે ચાળીસ માણસને સમાધિ થઈ ગઈ. (૧૦)
પ્રકરણ/વાત: ૧૨/૧૨૧