ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧

કથાવાર્તા

જેટલી ભગવાનની વાતો પેસે તેટલો સત્સંગ. બાકી કજિયા કરવા કરવા તે તો જીવનો સ્વભાવ જ છે. આવી વાતું કરીએ છીએ એ કોઈ પ્રેરક થઈને કરાવે છે, પણ હું ધારતો નથી ને ધાર્યા બા’ર વાતું થાય છે. કોઈ કહેશે જે, આટલી વાતું કરે છે તે કોઈને શીખામણું દે છે પણ અમારે તો પંડને સમજવું છે. તે ઉપર લવા બાદશાહની દાઢીની વાત કરી. (૨૧)

૧. લવો બાદશાહનો કારભારી હતો. એક વાર તેને બાદશાહે, “મારી અને તારી બેઉની દાઢીને આગ લાગે તો કોની પહેલા ઓલવું?” એવું પૂછ્યું ત્યારે લવાએ કહ્યું, “જહાંપનાહ! પહેલા મારી દાઢીને બે લસરકા મારી લઉં પછી તમારી...” – સ્વામીની વાત ૪/૧૩૬

પ્રકરણ/વાત: ૧૨/૧૪૩

સો કલ્પ સુધી ભક્તિ કરો પણ દોષ ન ટળે. ત્યારે પૂછ્યું જે, “દોષ ન ટળે ત્યારે ભક્તિનું ફળ શું?” ત્યારે કહ્યું જે, “દુર્વાસા સો થાળ જમી ગયા ને સ્વભાવ આવ્યો ત્યારે ઠેકાણું ન રહ્યું, માટે સ્વભાવ ટાળ્યા વિના તો ટળે જ નહિ. ને પૃથુના જેવી ને ગોપીઓના જેવી ભક્તિ થાય તો તો દોષ ટળે ખરા. તે પૃથુ રાજાએ દશ હજાર કાન માગ્યા ને આપણે ઘડીક કથામાં બેસવું તેમાં ઊંઘ આવે છે. માટે ભગવાનની વાતું સમજાય ત્યારે ઊંઘ કેમ આવે ને આળસ કેમ થાય?” (૨૨)

પ્રકરણ/વાત: ૧૨/૧૮૦

સત્સંગે કરીને વાતુ જીવમાં ઊતરી ગઈ હોય તો પ્રહ્‌લાદની પેઠે કોઈ દિવસ ડગે નહિ. પછી કાળ, કર્મ ને માયા તેનું નામ લઈ શકે નહિ. મણિધર નાગ કંડિયામાં ન આવે તેમ તે કોઈના લાગમાં ન આવે, અને બળિયા છે તે મન-ઇંદ્રિયુંના દોર્યા દોરાતા નથી. શબ્દે કરીને નિષ્કામી થાય છે માટે જેવો સંગ કરે છે તેવો થઈ જાય છે. (૨૩)

પ્રકરણ/વાત: ૧૩/૨૨

કેટલાક તો માંદાનું મિષ લઈને કથાવાર્તામાં આવતા નથી ને આસને સૂઈ રહે છે. દેહ સાથે ભાઈબંધાઈ કરીને એ લોચાને જાળવીને બેઠા છે. પ્રભુ ભજવા આવ્યા છે પણ કસર રહી જાશે. સિદ્ધ થયા છે તે મેડે ચડી બેઠા છે અને કાચા છે તે અહીં બેઠા છે. રઘુવીરજી મહારાજ કહેતા જે, “મહારાજો! સિદ્ધ થયા હો તો અમને સિદ્ધ કરવા આવો અને કાચા હો તો શીખવા આવો.” તમે જાણો છો કે કાંઈ જાણતા નથી, પણ આંહીં બેઠાં બધું જાણીએ છીએ. (૨૪)

પ્રકરણ/વાત: ૧૩/૪૬

મહારાજના સ્વરૂપનું નિરૂપણ કરવું તે જ્ઞાનયજ્ઞ કહેવાય અને વૃત્તિ પાછી વાળવી તે યોગયજ્ઞ કહેવાય. એવા યજ્ઞે કરીને જીવ વૃદ્ધિ પામે છે. કથાવાર્તામાં જે બંધાણો હશે તે વહેલા-મોડો અક્ષરધામમાં જશે. (૨૫)

પ્રકરણ/વાત: ૧૩/૯૪

વાતું કરવી ત્યારે મહારાજનો પ્રતાપ ને મહિમા વેણે વેણે લાવવાં. મહારાજને સંભારવા અને બીજુ બધું વિસારવું. (૨૬)

પ્રકરણ/વાત: ૧૩/૧૫૧

કથાવાર્તા વિના તો ત્યાગી હોય તેને પણ જગત પ્રધાન થઈ જાય ત્યારે બીજાને થાય તેમાં શું? (૨૭)

પ્રકરણ/વાત: ૧૩/૧૫૮

કથાવાર્તા વિના તો મરને બ્રહ્માનો લોક હોય તેનો પણ ત્યાગ કરી દેવો. ને આ વાતો સમજાણી હોય તો ગમે એટલો વૈભવ હોય તો પણ નજરમાં ન આવે. વાતુમાં શ્રદ્ધા વિના તો પ્રાગજી દવેએ મહારાજને કહ્યું જે, “આવા ત્યાગના પ્રસંગ બબ્બે ચાર-ચાર વાર નીકળે તો હું તો મરી જઈશ.” માટે श्रद्धावान् लभते ज्ञानं શ્રદ્ધા હોય તે જ્ઞાનને પામે. રોટલા તો ભગવાન આપશે. भोजने छादने चिंता वृथा कुर्वन्ति वैष्णवाः મહારાજ કહે, “પશુ-પંખી સર્વે પોતાનાં બચ્ચાંનું પોષણ કરે છે ત્યારે આ સાધુ-સત્સંગી તે અમારાં છોકરાં છે તેનું પોષણ કેમ નહિ કરીએ.” (૨૮)

૧. શ્રદ્ધાવાન્ લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ । જ્ઞાનં લબ્ધ્વા પરાં શાન્તિમચિરેણાધિગચ્છતિ ॥ અર્થ: નિયમમાં છે ઇન્દ્રિયો જેનાં ને શ્રદ્ધાવાન એવો જે પુરુષ તે જ્ઞાનને પામે છે ને જ્ઞાનને પામીને તત્કાળ પરમ પદને પામે છે. - વચનામૃત ગઢડા મધ્ય ૧૬

૨. જેઓ વૈષ્ણવ - ભગવાનના ભક્ત છે તેઓ ભોજન અને વસ્ત્રની ચિંતા વૃથા (ખોટી) કરે છે, કારણ કે જે વિશ્વંભર - જીવપ્રાણીઓનું પોષણ કરનાર - ભગવાન છે તે પોતાના જ શરણે આવનારની ઉપેક્ષા કરશે શું? સ્વામીની વાત ૫/૩૩૫

પ્રકરણ/વાત: ૧૩/૧૫૮

પારાણ્યું કરે છે તેમા શ્રોતાનો ને વક્તાનો શુદ્ધ ભાવ હોય તો સારું થાય. (૨૯)

પ્રકરણ/વાત: ૧૩/૧૬૭

જીવ વૃદ્ધિ નથી પામતો તેનું શું કારણ જે સભામાં વાતુ થાય તે કોઈક ઉપર નાખે પણ પોતા ઉપર ન લે ને પરબારી કાઢે છે એટલે વૃદ્ધિ નથી પમાતું. પણ પોતા ઉપર લે ને તે વાતુનું શ્રવણ, મનન કરીને જીવમાં ઉતારે તો વૃદ્ધિ કેમ ન પામે? કથાવાર્તા વિના અંતર સૂનું થઈ જાય છે. જેમ માણસ વિનાની જગ્યા શૂન્ય થઈ જાય તેમ થઈ જાય છે. માટે જેમ ટોપીવાળો છે તે નિત્ય પ્રત્યે કવાયત કરાવે છે ત્યારે તેની વિદ્યા નવીન રહે છે તેમ આપણે કથાવાર્તા વિના ઘડી માત્ર રહેવું નહિ. રઘુવીરજી મહારાજે દેહ મૂક્યો ત્યારે હવે એથી આપણે કોઈ વા’લું ન કહેવાય તે હવે રોવા માંડીએ તો પણ તેનાં દર્શન તો થાય નહિ. માટે હવે તો આપણે સર્વે ભજન કરવા માંડીએ ત્યારે શાંતિ થાય પણ શોક કર્યે શાંતિ ન થાય. તે વાત વરતાલમાં પણ અમે કરી હતી. ભગવાનની વાતુ બહુ મોટી છે તે શું? જે ગયા તે સારુ રૂવે પણ છે તેને સમજે નહિ તે કારમીક સમજાય નહિ. તે તો ધીરે ધીરે શ્રવણ, મનન, નિદિધ્યાસ કરે તો એ વાતુ ઊતરે. વાતુ ઊતર્યા વિના તો હૈયામાં સુખ રહેનારું જ નહિ. તે સો મણ અન્નનો ઢગલો હોય પણ માંહીથી શેર ખાઈએ તો જ ભૂખ જાય, તેમ વાતુ ધારીને તે તે પ્રમાણે જ્યારે વરતશું ત્યારે જ સુખ થાશે. (૩૦)

પ્રકરણ/વાત: ૧૩/૧૮૭

Vat Selection


Type: Keywords Exact phrase