અમૃત કળશ: ૧
કથાવાર્તા
અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે, એક વખતે ગઢડામાં મહારાજ રાત્રિને સમે સભા કરીને પોતાના સર્વોપરી પુરુષોત્તમપણાની વાતુ કરતા હતા તે સમે જે એકાંતિક જ્ઞાનવાન સંત હતા તે તો જેમ ચમકપાણમાં લોઢું તણાય તેમ મહારાજની મૂર્તિમાં સમગ્રપણે તણાઈ જાતા તથા ચંદ્રમાને દેખીને ચકોર પક્ષી સર્વે પ્રકારે જોડાય તેમ મહારાજના મુખકમલરૂપી ચંદ્રમા તેને વિષેથી નીકળતું એવું વચનરૂપી અમૃત તેનું પાન કરવાને વિષે શ્રદ્ધાવાન એવા થકા એકાગ્ર ચિત્તે કરીને સર્વે જોડાઈ જતા હવા. ને એવી રીતે પુરુષોત્તમ નિરૂપણની વાતુ કરતાં બાર ઉપર બે વાગ્યાનું ટાણું થયું પણ વાતુમાં દ્રઢ આસક્તિએ કરીને કોઈને મટકું પણ આવ્યું નહિ. ત્યાં તે સમે જે સંત સૂતા હતા તેમાંથી એક સંત જાગ્યા ને ધૂન કરી. ત્યારે મહારાજ બોલ્યા જે, “એ શું થયું?” ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ, એ તો પાળી બદલાણી.” ત્યારે મહારાજ બોલ્યા જે, “આવી ભગવાનનાં સ્વરૂપ સંબંધી અગાધ ગહન વાતો થાય છે તેમાંય સૂતા હશે!” ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, “મહારાજ, એ એક નહિ પણ ઘણા સૂતા છે.” ત્યારે મહારાજ કહે, “અહો! અહો! આવી વાતુ થાય છે ને જે સૂતા છે તેને બહુ જ ખોટ ગઈ. કેમ જે આવી વાતુ ક્યાંથી સમજશે?” ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે જે, “આવી વાતુ સાંભળે છે તે સર્વેને મળો તો જે સૂતા છે તેને પસ્તાવો થાય.” પછી મહારાજ સર્વેને મળતા હવા. ત્યારે જિજ્ઞાસાનંદ સ્વામી જે સૂતા હતા તે સર્વેને કહી આવ્યા જે, “શું સૂતા છો? મહારાજ સબકુ મીલતે હૈ.” ત્યાં તો ઊઠી ઊઠીને સૌ આવવા મંડ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, “સાધુ વધી ગયા!” એમ કહીને બેસી ગયા. એમ જે રુચિવાળા હતા ને મહિમાએ સહિત જ્ઞાનવાળા હતા તેને તો આખી રાત મહારાજ દર્શન દેતા હોય કે વાતુ કરતા હોય ત્યારે આખી રાત મહારાજનાં દર્શન કરતા ને વાતો સાંભળતા ને કેટલાક સૂઈ પણ રહેતા. અને આંહી પણ સર્વોપરી વાતુ થાય છે ને સર્વોપરી સાધુનો જોગ છે તેમાં જે રુચિવાળા છે તે તો આખી રાત ને આખો દિવસ વાતુ સાંભળે છે ને દર્શન કરે છે ને કેટલાક બહારગામથી આવી આવીને સમાગમ કરી જાય છે ને કેટલાક આંહીં મેડે મંડળી ભેળી થઈને મલકની નિંદા કરે છે ને કેટલાક ગપ્પાં મારે છે તેમાં શું પાકે. બહુ ખોટ જાશે. આ વાતુ તથા આ જોગ મળવો બહું દુર્લભ છે. (૧)
પ્રકરણ/વાત: ૮/૧૧
કથા સાંભળવાનો આદર રાખવો, ને કથામાં ઊંઘ આવે તો સર્પનો દેહ આવે. ને કર્તવ્ય હોય તેમાં મન હોય તો નિદ્રા આવે નહિ. ચરખાવાળા, ચિંચોડાવાળા ને બકરાંવાળા કોઈ ઊંઘતા નથી. માટે એવી રીતની આદરે સહિત લગની હોય તેને નિદ્રા ન આવે. તે આ ભંડાર કર્યો ત્યારે બે મહિના સુધી કોઈ ઊંઘ્યું જ નહિ. ને કામ જીતવો તે તો લોકાલોક ફેરવવાથી પણ મોટો છે. પૃથ્વી ગળી ગયા એવા દૈત્ય હતા પણ કામ, ક્રોધ જીતાણા નહોતા, માટે જે કર્તવ્ય હોય તે કરે એ ડાહ્યો ને આ તો દેહના અંત સુધી ચલાવવું છે. પછી કારિયાણીના દશના વચનામૃતની વાત કરી. (૨)
પ્રકરણ/વાત: ૮/૧૩૫
દામોદરને કાંઠે કરોડું માણસ બાળ્યાં પણ વેંત ધરતી ચડી નથી. માટે બે દિવસ જીવવું તેમાં પ્રભુ ભજી લેવા. આ તો ગાડે ઉચાળા છે ને પંદર આના કથાવાર્તા હોય ને એક આનો બીજી ક્રિયા હોય ત્યારે જીવમાં સુખ આવે. આ તો પંદર આના બીજી ક્રિયા ને એક આનો વાતુ, તેમાં શું પાકે? (૩)
પ્રકરણ/વાત: ૮/૧૫૯
મારવાડના રાજા આગળ બ્રાહ્મણ કથા કરે ત્યારે રાજા ચોપાટે રમે ને રાડું પાડે જે, “દે કાળીના ધડમાં!” ત્યારે બ્રાહ્મણ જાણે, “આમાં શું સંભળાય?” એમ ધારી અટક્યો. ત્યારે રાજા કહે, “મહારાજ, તું તારે બકે જા! મૈં સુનતા હૂઁ!” (૪)
પ્રકરણ/વાત: ૮/૨૫૯
લાખું મણ બાજરો પાક્યો, કરોડું મણ ઘી, ગોળ પૃથ્વી ઉપર વરસ્યું પણ કોઈને ખબર નથી, તેમ આટલી આટલી કલ્યાણની વાતુ થાય છે પણ કોઈને ખબર નથી. (૫)
પ્રકરણ/વાત: ૮/૨૬૧
જ્ઞાન છે તે કહ્યે-સાંભળ્યે વૃદ્ધિ પામે પણ પોતામાં ને પોતામાં રાખે તો જેમ નંદરાજાનું ધન કોઈને કામ ન આવ્યું તેમ કોઈને કામ ન આવે. માટે કહેવું ને સાંભળવું તો જેમ બાળક વૃદ્ધિ પામે તેમ જ્ઞાન વૃદ્ધિ પામે. (૬)
પ્રકરણ/વાત: ૯/૫
મહારાજ કહે, “અમે ચાર વાતથી ધરાતા નથી. તે શું જે, કથા, વાતુ, ભજન ને સેવા.” તે આપણને શીખવ્યું. પોતે ‘હરે, હરે’ કરતા તે પણ આપણને શીખવતા જે, તમે પણ આવી રીતે કરશો ત્યારે તમારો ઠા રહેશે. (૭)
પ્રકરણ/વાત: ૯/૧૧૬
કથા, કીર્તન, ધ્યાન ને ભજન એ ચાર વાતુ રાખે તેને ભગવાનની સ્મૃતિ રહે. લાખ પૂળામાં જરા અગ્નિ પડે તો બધું બળી જાય તેમ ગ્રામ્ય કથા તો એવી છે જે બધુંયે બાળી દે. લાધો ઠક્કર ગ્રામ્ય વાતો બહુ કરતો તેથી મહારાજ વઢ્યા ને કહે, “તેને પેસવા દેશો નહિ.” (૮)
પ્રકરણ/વાત: ૯/૧૨૨
રીંગણીને પાણીએ પુષ્ટિ થાય તેમ પ્રગટ ભગવાન ને પ્રગટ સંતના મહિમાની વાતુથી સત્સંગની પુષ્ટિ થાય. માટે મહિમાની વાતુ નિરંતર કહેવી અને સાંભળવી. સ્ત્રીનો કે દ્રવ્યનો પ્રસંગ રાખશો તેનું નાક કપાશે. (૯)
પ્રકરણ/વાત: ૯/૨૭૨
અહીં અમે મંદિરની દરેક ક્રિયા અમારા હાથમાં રાખી છે અને શણગારનાં દર્શન કરી આવીને છાસવાળા, પાણીવાળા, રોટલાવાળા ને બીજી ક્રિયાવાળાને તેમની ક્રિયા સોંપીએ છીએ. અને જો આગળથી કહીએ જે, “આ કામ તમારે કરવું છે,” તો ભગવાન પડ્યા મૂકીને તે ક્રિયા વહેલા ઊઠી કરવા મંડી જાય ને કથાવાર્તામાં મન રાખે નહિ. અને આ તો એમ રહે જે, સ્વામી કોણ જાણે કઈ ક્રિયા સોંપશે? તે સૌ સભામાં આવી નિરાંતે કથાવાર્તા સાંભળે છે. તો પણ વચમાં માયા પેટ કૂટી જાય છે. તેને પણ ઠોઈ રાખીએ છીએ, તે આજ વિઘ્ન કરવા માયા આવી હતી. તે શું જે, આપણે વાતુ કરતા હતા તે ટાણે ઘીવાળો કોઠારે ઘી દેવા આવેલ તેથી ત્રીકમદાસ આવી કહે જે, “સ્વામી, આ ઘી લેવું છે તે કોઠારે આવો.” પછી અમે કહ્યું જે, “હમણાં ખમો.” ત્યારે વળી ઘડીક વારે આવ્યા ને કહે જે, “સ્વામી, ઘીવાળો ઉતાવળો થાય છે ને ખમતો નથી.” ત્યારે અમે કહ્યું જે, “ઉતાવળો થાતો હોય તો ભલે જાય.” એ વાત ઘીવાળે સાંભળી તે તુરત અમારી પાસે આવ્યો ને કહે જે, “સ્વામી, હું ઉતાવળો નથી થયો. એ તો કોઠારી ઉતાવળ કરે છે. મારે તો સામટું ઘી વેચાય છે તો વાર લાગે તો ફિકર નથી.” ત્યારે આ ત્રીકમદાસનું પોગળ ઉઘાડું પડ્યું. એમ માયા પ્રવેશ કરીને કથામાં આવરણ કરવા આવે છે. માટે આગ્રહ રાખી ભગવાન મુખ્ય રાખશું ત્યારે જ મહારાજ રાજી થશે. (૧૦)
પ્રકરણ/વાત: ૧૦/૭૮