share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય ૪૬

મરણદોરીનું, એકાંતિક ધર્મમાંથી પડ્યાનું

સંવત ૧૮૮૦ના પોષ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પીળી છીંટની રજાઈ ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને ઝાંઝ-મૃદંગ લઈને સંત કીર્તન ગાવતા હતા.

પછી કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સંસારને વિષે જે સત્પુરુષ હોય, તેને તો કોઈક જીવને લૌકિક પદાર્થની હાણ-વૃદ્ધિ થતી દેખીને તેની કોરનો હર્ષ-શોક થાય નહીં અને જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે; કાં જે, થોડાક કાળ જીવવું ને એનો પરલોક બગડશે, માટે એને મોટી હાણ થાય છે. અને ભગવાનના જે અવતાર પૃથ્વીને વિષે થાય છે તે ધર્મના સ્થાપનને અર્થે થાય છે, તે કેવળ વર્ણાશ્રમના ધર્મ સ્થાપન કરવાને અર્થે જ નથી થતા; કેમ જે, વર્ણાશ્રમના ધર્મ તો સપ્તર્ષિ આદિક જે પ્રવૃત્તિધર્મના આચાર્ય છે તે પણ સ્થા‍પન કરે છે. માટે એટલા સારુ જ ભગવાનના અવતાર નથી થતા; ભગવાનના અવતાર તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ તે પ્રવર્તાવવાને અર્થે થાય છે. અને વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું એ મરણ નથી, એને તો એકાંતિક ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે. તે જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવ્યો ત્યારે એ ભક્ત એકાંતિકના ધર્મમાંથી પડ્યો જાણવો. અને તે જો ક્રોધે કરીને પડ્યો હોય તો તેને સર્પનો દેહ આવ્યો જાણવો અને કામે કરીને પડ્યો હોય તો યક્ષ-રાક્ષસનો અવતાર આવ્યો જાણવો. માટે જે એકાંતિકના ધર્મમાંથી પડીને એવા દેહને પામ્યા છે ને જો તે ધર્મવાળા હોય અથવા તપસ્વી હોય તો પણ ધર્મે કરીને તથા તપે કરીને દેવલોકમાં જાય, પણ જેણે ભગવાનનો ને ભગવાનના સંતનો અભાવ લીધો તે તો ભગવાનના ધામને તો ન જ પામે. અને વળી જે પંચ મહાપાપે યુક્ત હોય અને તેને જો ભગવાન ને ભગવાનના સંતને વિષે અવગુણ ન આવ્યો હોય તો તો એનાં પાપ નાશ થઈ જાય ને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય. માટે પંચ મહાપાપ થકી પણ ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ મોટું પાપ છે.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૪૬ ॥ ૧૭૯ ॥

* * *

This Vachanamrut took place ago.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase