વચનામૃત ઇતિહાસ

ગઢડા અંત્ય ૨૮

આ વચનામૃત છે સં. ૧૮૮૫, કાર્તિક વદિ પડવાનું. તેમાં સુરા ખાચર શ્રીજીમહારાજને પૂછે છે, “ભગવાનને તથા સંતને જેવા છે તેવા નિશ્ચયપણે જાણીને પણ કોઈનું અંતર પાછું પડી જાય છે તેનું શું કારણ છે?”

સુરા ખાચરના આ પ્રશ્નનો ઇતિહાસ આ પ્રમાણે મળે છે:

ગઢડામાં તૈયાર થઈ રહેલ મંદિરમાં પ્રતિષ્ઠાનું મુહૂર્ત સં. ૧૮૮૫ની કાર્તિક સુદિ બારશનું નક્કી થયેલું. તેને નજરમાં રાખી મંદિરનિર્માણની ગતિવિધિ પુરજોશમાં ચાલતી હતી. મંદિરના આ કામકાજ પર જીવા ખાચર ઝીણી અને ઝેરીલી નજર રાખી રહેલા. મંદિરના કોઠલા જ્યારે તૈયાર થઈ ગયા તે વખતે જીવા ખાચરે ભાવનગર નરેશ વજેસિંહ બાપુને વાત પહોંચાડી, “દાદા ખાચર તો તેના દરબારમાં કોઠો કરાવે છે. તેમાં દારૂગોળો અને શસ્ત્રો રાખવાનાં છે. એટલે સાવચેતી રાખવા જેવું છે.”

જીવા ખાચરે સમય જોઈને આ સોગઠી મારી હતી. કારણ કે તે વખતે ભાવનગર રાજ્ય સામે ખુમાણો બહારવટે ચડ્યા હતા. તેમાં પણ જોગીદાસ ખુમાણની રંજાડ વધારે હતી. તેમાં ખુમાણોને ખાચરોનો સાથ મળી જાય તો તો ઉપાધિ ઘણી વધી જાય. આમ, જીવા ખાચરની વાતથી વજેસિંહ ખરેખરા ભડકી ગયા. તેઓએ તાબડતોબ બસો આરબોને ગઢડાનું કામ રોકવા મોકલી દીધા.

તેથી શ્રીજીમહારાજે પ્રતિષ્ઠાના આગલા દિવસે જ ગઢડાથી નીકળી જવાનું નક્કી કરી લીધું અને નીકળી પણ ગયા. મહારાજ ગયા બાદ ભાવનગરથી કુમક આવી. પણ તેઓએ જોયું તો અહીં તો શસ્ત્રસરંજામ રાખવાનો કોઠો નહીં પણ મંદિર જ બનેલું. તેથી તે પાછી ફરી ગઈ. બીજે દિવસે નિત્યાનંદ સ્વામીએ પ્રતિષ્ઠાની આરતી ઉતારી.

[ભગવાન સ્વામિનારાયણ - ભાગ ૫/૨૬૯]

આ પ્રસંગથી સૌના મનમાં ખેદ થયો હશે તે સ્વાભાવિક છે કે જે સ્થાનને શ્રીજીમહારાજ પોતાનું માનીને રહ્યા તે જ સ્થાનમાં રચાયેલા મંદિરની પ્રતિષ્ઠા વખતે તે હાજર ન રહી શક્યા! આ અવસરે સૌને થયું હશે કે જીવા ખાચરના દ્વેષે ખરેખર હદ ઓળંગી છે. શ્રીજીમહારાજ વિષે આટલો અસદ્‌ભાવ કે આવી ખોટી ભંભેરણી કરી પ્રતિષ્ઠાવિધિનો માહોલ વીંખી નાખ્યો! એક સમયે શ્રીજીમહારાજને હાથ ઝાલીને ગઢડામાં લાવનાર જીવા ખાચરે મહારાજ સામે ઓડા લગાવ્યા!

આવા કૈંક વિચારવલયોમાંથી ઘોળાઈને સુરા ખાચરની જીભે પ્રશ્ન ફૂટ્યો છે, “ભગવાનને તથા સંતને જેવા છે તેવા નિશ્ચયપણે જાણીને પણ કોઈનું અંતર પાછું પડી જાય છે તેનું શું કારણ છે?”

ઉપરોક્ત ઘટના બન્યા પછીના અરસામાં પૂછાયેલો આ પ્રશ્ન ઘટના સાથે એકદમ સુસંગત ભાસે છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ