વચનામૃત ઇતિહાસ

ગઢડા પ્રથમ ૨

વચનામૃત ગઢડા પ્રથમ ૨નો દિવસ જોતાં આ વચનામૃત આગળના ગઢડા પ્રથમ ૧ના ઉદ્‌બોધન પછીના તરતના જ દિવસનું છે. આ અરસામાં ગઢડામાં કેવો પ્રસંગ બન્યો છે તેનું વર્ણન આ રીતે મળે છે:

ભડકું જમ્યા પછી મહારાજ દરબારમાં પધાર્યા. પૂર્વાભિમુખના ઓરડાની ઓસરીમાં બિરાજ્યા. એટલામાં એક બાઈ માથે ઘીનો ઘાડવો લઈને આવી. તેઓને જોઈ મહારાજે કહ્યું, “ઓહો! આ તો નેનપુરથી આવ્યાં લાગે છે. દેવજી ભગતનાં ઘરવાળાં ને?” પછી પૂછ્યું, “ભગત મઝામાં તો છે ને?”

ત્યારે બાઈ બોલ્યાં, “મહારાજ! ભગત તો આપની દયાથી સુખી હતા અને વળી વધુ સુખિયા થયા છે. દીકરો જુવાન હતો તેને આપની દયાથી નિરાવરણ દૃષ્ટિ હતી. એટલે આપનાં દર્શન નિત્યે થતાં. રોજ આપની લીલાની વાતો પણ કરતો. એટલે ભગતને થયું કે જો એ સંસારની બેડીમાં બંધાશે તો તે આપનું સુખ લેતો આળસી જશે. એટલે ભગતે સંકલ્પ કર્યો કે તે આપના ધામમાં અખંડ આપની મૂર્તિનું સુખ લ્યે. ભગતના સંકલ્પે આપે તેને ધામમાં બેસારી દીધો એટલે હવે અમારેય વહેવારની ઉપાધિ મટી અને હવે સુખે ભજન થાશે. દીકરો ધામમાં ગયો એટલે તેની ક્રિયા કરી ભગત ખેતરે રહેવા ગયા અને મને અહીં આપની પાસે આ ઘાડવો લઈને મોકલી, એટલે કોઈ ઘરે રડવા-કરવા આવે નહીં.”

મહારાજ મંદમંદ હસતાં હસતાં બાઈના આ બોલ સાંભળતા હતા. પછી ઘીના ઘાડવા પર હાથ રાખીને મહારાજે કહ્યું, “આ ઘાડવો હમણાં રાખી મૂકો, આપણે હીરાબાનો શોક ઉતારીએ પછી આનો ઉપયોગ કરજો.” જીવુબા, લાડુબા, પાંચુબા બધાં જ મહારાજના શબ્દોનો મર્મ સમજી ગયાં.

પછી મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીમાં પધાર્યા અને સંતોને વિગતવાર આ બધી જ વાત કરી. નેનપુરના દેવજી ભગતની આ વાત સાંભળી નિષ્કુળાનંદ સ્વામી પણ બોલ્યા, “મહારાજ! એક વાર અમે કૃપાનંદ સ્વામી સાથે નેનપુર ગયા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ અર્ધી રાત સુધી કથા કરી એટલે અમારી આંખ ઘેરાવા લાગી. તેથી મેં દેવજી ભગતને કહ્યું, ‘તમે હવે થાક્યા હશો માટે આરામ કરો.’

“ત્યારે દેવજી ભગતે કહ્યું, ‘સ્વામી! હું તો અહીંથી ખેતરે જઈશ. ત્યાં જઈને ત્રણસો માળા ફેરવીશ. પછી નીંદર સામે આવીને ઊભી રહેશે અને પૂછશે, “આવું?” એટલે હું કહીશ, “ભલે, આવ હવે!” પછી સૂઈ જઈશ, પણ આપ લાંબો પંથ કરીને આવ્યા છો તે થાક્યા હશો. માટે પોઢી જાઓ.’”

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૧૮૧]

આ રીતે દેવજી ભગતની વિદેહી સ્થિતિ જોઈ સભામાં બેઠેલા સૌને જરૂર આશ્ચર્ય થયું હશે! એકનો એક યુવાન દીકરો ધામમાં જાય એવી ઇચ્છા પિતા દ્વારા કરવામાં આવે એ તે કેવો વૈરાગ્ય! નિદ્રાજિત સ્થિતિમાં વર્તવું એ તે કેવી દેહાતીત દશા! આવા વિચારો દેવજી ભગતનું વૃત્તાંત સાંભળ્યા પછી જરૂર સૌને આવ્યા હશે અને આવી વિચારમય સ્થિતિમાંથી જ મયારામ ભટ્ટે મહારાજને પ્રશ્ન પૂછ્યો હશે, “ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ વૈરાગ્યનાં લક્ષણ શાં?”

શ્રીજીમહારાજે પણ આ પ્રશ્નનો ઉત્તર એક ગૃહસ્થાશ્રમી જનક રાજાના દૃષ્ટાંતથી આપ્યો છે. કારણ કે પ્રશ્ન પૂછનાર મયારામ પણ ગૃહસ્થ છે અને જેની આધ્યાત્મિક સ્થિતિ જોઈ પ્રશ્ન પુછાયો છે તે દેવજી ભગત અને તેઓનાં ધર્મપત્ની પણ ગૃહસ્થ છે. અન્યથા મયારામ ભટ્ટ જેવો જ પ્રશ્ન ભજનાનંદ સ્વામીએ વચનામૃત લોયા ૧માં શ્રીજીમહારાજને પૂછ્યો, “હે મહારાજ! કનિષ્ઠ, મધ્યમ ને ઉત્તમ વૈરાગ્યનું શું રૂપ છે?” ત્યારે ત્યાગી તરફથી પ્રશ્ન પૂછાયેલ હોવાથી શ્રીજીમહારાજે તે વચનામૃતમાં ત્યાગીઓને અનુલક્ષીને ઉત્તર આપ્યો છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ