વચનામૃત ઇતિહાસ

ગઢડા મધ્ય ૩૫

આ વચનામૃતમાં શ્રીજીમહારાજ કહે છે, “...એવાં જે અમારાં એ સર્વે ચરિત્ર, ક્રિયા તથા નામસ્મરણ તે કલ્યાણકારી છે. અને આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી. તે વાર્તાને ધારી ત્યારે દેહમાં જે મંદવાડનું ઘણું દુઃખ હતું તે સર્વે નિવૃત્તિ પામી ગયું ને પરમ શાંતિ થઈ, પણ એ ઘણાય આત્માને દેખતા હતા તોય પણ તેણે કરીને કાંઈ સિદ્ધિ થઈ નહીં.”

શ્રીજીમહારાજનાં આ વચનોનો ઇતિહાસ આ પ્રમાણે મળે છે:

વરતાલથી શ્રીહરિ ગઢપુર આવ્યા ત્યારે સ્વરૂપાનંદ મુનિ બહુ માંદા થયા હતા. જીવા ખાચરે સંતો માટે જગ્યા બનાવી હતી ત્યાં રહેતા. શ્રીહરિ તેમને જોવા નિત્ય મધરાતે આવતા ત્યારે જામનગરનો ગૂઢો રંગિત રેંટો પહેરીને તથા બુરાનપુરનો રેંટો માથે બાંધીને, કસુંબલ રંગિત તે રેંટાને છેડે સોનાના તાર વણેલા હતા. ને સોનેરી ઢાલ, તલવાર ધારણ કરતા. કમર ઉપર એક રેંટો બાંધતા અને સોનાનાં વેઢ-વીંટી ધારતા. એવી રીતે બુકાની સાથે આવીને ગાદી-તકીયે બેસતા... ભગુજી અને જેસોજી બે પાર્ષદો સહુથી મરદ હતા, તેમને શ્રીહરિ લાવતા. ચાર ઘડી સુધી નિત્ય નવી વાતો કરતા, જે સાંભળીને સંત તૃપ્ત થતા નહીં. અરુણોદય થાય ત્યારે પાર્ષદો શ્રીહરિને સૂચના કરતા, તેથી શ્રીહરિ ચાલી નીકળતા અને પલંગ પર આવીને સૂઈ જતા. કોઈ દિવસ વાત કરતા, કોઈ દિવસ પ્રેમાનંદ મુનિ પાસે કીર્તન ગવડાવતા. ક્યારેક રામાનંદ સ્વામીની વાત કરતા, ક્યારેક પોતાના અલૌકિક વિચરણની વાત કરતા, ક્યારેક અયોધ્યાપુરીમાંનાં પોતાનાં ચરિત્રો કોઈએ ન સાંભળ્યાં હોય તેવા કહેતા, ક્યારેક વનવિચરણની વાતો કહેતા. વાતો કહે, દર્શન કરે, કીર્તન ગવાય ત્યાં સુધી સ્વરૂપાનંદ મુનિને અંતરમાં અપાર શાંતિ રહેતી. તે વિના બીજા સમયમાં બળતરા થતી. તેથી સંતો પાણી છાંટતા, દ્રાક્ષ તથા સાકરના પાણી પાતા. શરીરે ચંદન ચર્ચતા. શ્રીહરિ પોતે ચંદન ઉતારી, કટોરો ભરી તેમના અંગે લેપ કરતા. એવી ઠંડકના બધા ઉપાયો કરવા છતાં ફેર પડતો નહીં.

ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું, “તમે તો સમર્થ છો. ત્રણ દેહ અને ત્રણ અવસ્થાથી પર વર્તો એવા મહાન સિદ્ધ છો. તે વાત ક્યાં ગઈ?”

ત્યારે મુનિ હાથ જોડીને કહેતા, “સિદ્ધપણાના અભિમાનરૂપી વિઘ્નથી તમે મને બચાવ્યો છે. તમે સમર્થ ભગવાન છો. તમે કહો તેમ થાય છે. તમે ભૂલ દેખાડો નહીં, તો દેવને પણ પોતાની ભૂલ દેખાય નહીં. તમારા સમાન કોઈ થઈ શકે તેમ નથી... તમારી આ મૂર્તિની તથા તમારા ચરિત્રની ક્યારેક વિસ્મૃતિ થાય નહીં, એટલું હાથ જોડીને માંગું છું.”

ત્યારે શ્રીહરિ કહે, “અમે જીવા ખાચર તથા દાદા ખાચરના દરબારમાં વારંવાર રંગ રમ્યા છીએ અને સંત-હરિભક્તોની સભા કરી છે. તે બધું તમે જોયું છે, તેનું ચિંતવન કરો.”

મુનિએ તે પ્રમાણે ચિતવન કર્યું ત્યારે અંતરમાં સુખ થઈ ગયું અને માયિક દેહનો ત્યાગ કરી અક્ષરધામમાં ગયા તે સંતે પ્રત્યક્ષ જોયું.

[હરિચરિત્રામૃતસાગર: ૧૫/૪૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ