કીર્તન મુક્તાવલી

શ્રી સહજાનંદ મહારાજ હરિ જાશો મા પલ એક વિસરી

૧-૧૦૩૧: રાઘવદાસ

Category: પ્રકીર્ણ પદો

રાઘવદાસ કૃત શ્રીજીની મૂર્તિના સલોકા

શ્રી સહજાનંદ મહારાજ હરિ, જાશો મા પલ એક વિસરી;

વર્ણવું ચરિત્ર ચરણે નમી, આપજો બુદ્ધિ તે અનુપમી. ૧

ગામ ગઢડું, શોભાનું ધામ, રાજા ઉત્તમ તેહના શ્યામ;

સર્વ પ્રકારે ભગત જાણી, તેશું હરિને પ્રીત બંધાણી. ૨

રિયાં તિયાં નિત્ય, તેને વશ થઈ, સંતમંડળ સાથે જ લઈ;

કરે નિત્ય લીલા રંગેશું રમે, જેમ તે હરિજનને ગમે. ૩

ઓરડા રૂડા, ઓસરિયું સારી, તેની શોભા તે અનંત પ્રકારી;

તે પર સુંદર ઢોલિયો ઢાળી, તળાઈ-તકિયા સહિત રૂપાળી. ૪

તે પર આવીને, બેસે મહારાજ, માણીગર મહારાજાધિરાજ;

આવે દર્શન સંત હરિજન, જોઈને થાય બહુ પ્રસન્ન. ૫

મૂર્તિ મનોહર, નટવર વેષ, બાંધી શિર પાઘ બનાવી પેચ;

છોગાં કલંગી તોરા લટકાવે, તેની શોભા તે કહ્યામાં નાવે. ૬

ઓપે ઉપરણી, સોનેરી છેડે, બાજૂ જડેલ મોંઘે મોતીડે;

ગુચ્છ ગજરા ફૂલોના હાર, કાને કુંડલ તેજ અંબાર. ૭

ફૂલ સુગંધી, ફોર્યું નીસરે, આવી ભમરા ગુંજાર કરે;

કોટે ઊતરી મોતીની માળા, હેમનાં કડાં હાથે રૂપાળાં. ૮

જરકસી જામો, સાવ સોનેરી, શોભા બહુ સારી સુરવાળ કેરી;

નાડી જરીની લટકે બેવડી, મોતી ગૂંથેલ હાથમાં છડી. ૯

ઓઢે દુશાલો, રૂપાળો રેંટો, કેડ્યે સોનેરી કસુંબી ફેંટો;

પગમાં ઝાંઝર હેમના ત્રોડા, મોતી જડેલ તેના મકોડા. ૧૦

તરત ફૂલ્યાં કમળ તેવાં, પદપંકજ બેઉ તે એવાં;

ઊર્ધ્વરેખામાં ચિહ્ન શોભિત, નખમણિ લાલ મોહે મનચિત્ત. ૧૧

જમણે અંગૂઠે, નખમાં ચિહ્ન, સર્વ સુખકારણ એહ;

ઘૂંટી ગોળ ને પિંડી પાતળિયું, ભાળી તેહનું ભવદુઃખ ટળિયું. ૧૨

જાનુ સાથળ, કોમળતા અતિ, કટિ મનોહર સારી શોભતી;

જમણી ડાબી સાથળ્યું બા’ર, ચિહ્ન એકેકું શોભે છે સાર. ૧૩

પેટે ત્રિવળી, સુંવાળપ ઘણી, કે’તાં તે થાકે સહસ્ર ફણી;

ઊંડી નાભિ છે ગોળ રૂપાળી, નજર ન થાકે તેહની ભાળી. ૧૪

ઉર વિશાળ, ઊપડતી છાતી, લક્ષ્મી રહે છે સદા રંગરાતી;

બે છાપ વિષે ચિહ્નમાં તિલ એક, તેને ઓળે છે સુખ અનેક. ૧૫

સ્તન બેઉ, સુંદરતા અતિ, વચ્ચે તે ઝીણી કેશ પંગતિ;

હાથ હરિના રૂપાળા લાગે, જાણે જોઈ રહીએ ઊભેલા આગે. ૧૬

રૂડા રસિક, નખમણિ લાલ, હથેળિયું રાતી રેખું રસાળ;

કળાઈ બાજૂ સુંવાળપ સારી, છાપનાં ચિહ્ન દીસે સુખકારી. ૧૭

રોમ સહિત, એક તિલ છે વાંસે, સુંદર ડાબા ખભાની પાસે;

કંઠ રૂપાળો મરમાળું મુખ, જોતાં તે થાય અલૌકિક સુખ. ૧૮

હોઠ રૂપાળા, રાતા રંગબીજ, દાંત સુંદર દાડમનાં બીજ;

ગોળ કપોળ સારા સુંવાળા, વાણી મધુરી વેણ રૂપાળાં. ૧૯

નાક નમણું, અણિયાળી આંખ્યું, જોયું જેણે જગ સુખ ન રાખ્યું;

શ્રવણ સુંદર ભાલ વિશાળ, ભૃકુટિ નલવટ રેખા સુતાલ. ૨૦

જમણે કપોળે, ચિહ્ન છે શ્યામ, ડાબે શ્રવણે બિંદુ સુખધામ;

ચિહ્ન જમણી કોરે કેશ સમીપે, સારી સુંદર ચોટલી દીપે. ૨૧

સામુદ્રિકમાં, કહ્યાં છે જેવાં, સર્વે હરિને ચિહ્ન છે એવાં;

કોટિક કામની શોભા કે’વાયે, એક એક અંગને તુલ્ય ન થાયે. ૨૨

એવા અલબેલો, મહાસુખકારી, જુએ જન સામું સ્નેહ વધારી;

વાતું કરે ત્યાં અમૃત ઝરે, હાથનાં લટકાં બહુ જ કરે. ૨૩

છીંકે હસે કાંઈ, રમૂજ કરે, ત્યારે મુખ આડો રૂમાલ ધરે;

હાથે રમાડે માળા ફૂલ ફળ, નહિ તો છેડે દે રૂમાલને વળ. ૨૪

દાઢીએ હાથ, દઈ ડોક મરોડે, આંગળિયું મરોડી ટચાકા ફોડે;

આંગળી હલાવી જનને બોલાવે, વળી દાંતે શું જીભ દબાવે. ૨૫

‘હરે હરે’ કરે, બગાસું ખાતાં, ચપટી વગાડી સંત સંગે ગાતા;

કથા કીર્તન વાતું શુભ કરી, સુખ આપે છે બહુ રીતે હરિ. ૨૬

વળી ખેસ એક, સુંદર પહેરી, બેસે ઉઘાડા લટકાળો લે’રી;

છૂટાં છોગલિયાં પેચાળી પાઘે, પુષ્ટ મુરતિ રૂડી બહુ લાગે. ૨૭

મર્મ કરીને, મંદ મંદ હસે, અધર ભીંજે અમૃત વરસે;

હસતાં હસતાં જાય ઉતારે, જન મનનાં નેણ નજારે. ૨૮

જઈને ન્હાય, નિર્મળ નીરે, અત્તર ચોળી શુભ શરીરે;

નાહીને પે’રે છે ખેસ બહુ તાલે, ચાખડીએ ચઢી ચટકંતા ચાલે. ૨૯

ઓઢે પછેડી, સુંદર સારી, કાન ઉઘાડા રાખે વિહારી;

આવીને જીવન જમવા બેસે, પલાંઠી ડાબા પગની કરે છે. ૩૦

તે પર રાખીને, ડાબો જ હાથ, જમણી કૂંણી દઈ ઢીંચણે નાથ;

જમે અલૌકિક જુગતી આણી, જમતાં જમતાં તે પીએ છે પાણી. ૩૧

ચળું કરીને, ખાય ઓડકાર, પેટે લઈ હાથ ફેરે તે વાર;

એલચીદાણાનો કરે મુખવાસ, પછે તે પૂજા કરે છે દાસ. ૩૨

ચરચે અત્તર, ચંદન સાર, ગજરા બાજૂબંધ પહેરાવે હાર;

ખોસે ગુચ્છ તોરા પેચાળી પાઘે, ચરણ છાતીમાં લઈ પાય લાગે. ૩૩

સંત જમાડવા, આદરે આવે, એક હાથ કેડ્યે એક ડોલાવે;

તેહ હાથમાં લઈ રૂમાલ, ચાલે છોગાળો ગજગતિ ચાલ. ૩૪

ખેસ આડસોડે, કમર કસતા, આવે સંતોમાં મંદમંદ હસતા;

પીરસવા સંત પંક્તિમાં ફરે, લ્યો મહારાજ લાડુ ઘેરે સ્વરે કહે. ૩૫

ફરતા ઊભા ત્યાં, કીર્તન ગાવે, સાથળે હાથ મૂઠી લગાવે;

આખો લાડુ કોઈ ન લિયે જ્યારે, અર્ધો લાડુ લ્યો એમ કરે ત્યારે. ૩૬

મૂઠીમાં દાબી, કહે રસિયો, મહારાજો મહાપ્રસાદ લિયો;

બહુ ધરવીને બોલે તે નાથ, લાડુ એક લ્યો તો મૂકું શિર હાથ. ૩૭

દૂધ દહીંને, હાથે શું ઘોળે, દેતાં દેતાં લૈ કોઈને શિર ઢોળે;

સંત જમાડી રાજી બહુ થાય, મંદ મંદ હસતા પોઢવા જાય. ૩૮

પોઢીને જ્યારે, જીવન આવે, સર્વ સંતજનને બોલાવે;

ઘેલા નદીમાં ન્હાવાને જાય, જઈને બેસે છે ખળખળિયા માંય. ૩૯

શોભે ખંભા મુખ, પાણીની છોળે, છાતી ઝળકે હાથ હિલોળે;

કરે જળક્રીડા સંત કીર્તન ગાય, હસાવે કંઈક આગળ તણાય. ૪૦

વળી લક્ષ્મીવાડીએ, છેલો, ઘોડાં ખેલવતાં જાય અલબેલો;

ઓટા ઉપર જઈ બેસે મહારાજ, આવે સર્વજન દર્શન કાજ. ૪૧

રસરીત્યે શું, રમૂજ કરી, આપે જનને સુખ બહુ હરિ;

નદી વાડીએ આવતાં જાતાં, જોવા મારગે લોક નથી માતાં. ૪૨

સાંજે નારાયણ, નામ ધૂન કરે, વાંસે સંતજન વચન ઓચરે;

બહુ ઉતાવળા પાડે છે તાળી, મૂર્તિ માણીગર લાગે રૂપાળી. ૪૩

ઉત્સવ આવે ત્યારે, સુખકારી, ઝૂલે હિંડોળે મુગટ શિરધારી;

ગુલાલ ગરકાવ રંગના ભરિયા, શોભે માણીગર છેલ ડોલરિયા. ૪૪

ગુલાલ ગોટા, હાથમાં લઈ, મારે સંતને પ્રસન્ન થઈ;

કેસર કેસૂડાં રંગ બહુ કરી, નાખે મનોહર પિચકારી ભરી. ૪૫

સંતોને મુખે, ભૂંસે ગુલાલ, નાકે અત્તર સૂંઘાડે લાલ;

ભારે વસ્ત્ર ઘરેણાં જન લાવે, પહેરી મનોહર મન લલચાવે. ૪૬

એવી લીલા તે, અનંત અપાર, શારદ શેષ કોઈ પામે નહિ પાર;

કહ્યું કાંઈક મેં બુદ્ધિ અનુસારી, ભાળ્યું જે નજરે તે મનધારી. ૪૭

ગાય શીખે જે, કાનમાં ધરે, થાય સુખિયા તે ભવજળ તરે;

ચરિત્ર હરિનાં મહાસુખકારી, રાઘવદાસે ગાયાં ઉર ધારી. ૪૮

Shrī Sahajānand Mahārāj Hari jāsho mā pal ek visarī

1-1031: Raghavdas

Category: Prakirna Pad

Rāghavadās kṛut Shrījīnī Mūrtinā salokā

Shrī Sahajānand Mahārāj Hari, jāsho mā pal ek visarī;

Varṇavu charitra charaṇe namī, āpjo buddhi te anupamī. 1

Gām Gaḍhadu, shobhānu Dhām, rājā Uttam tehnā Shyām;

Sarva prakāre bhagaṭ jāṇī, teshu Harine prīt bandhāṇī. 2

Riyā tiyā nitya, tene vash thaī, santmanḍaḷ sāthej laī;

Kare nitya līlā rangeshu rame, jem te harijan ne game. 3

Orḍā rūḍā, osariyu sārī, tenī shobhā te anant prakārī;

Te par sundar ḍhoḷīyo ḍhāḷī, taḷāī-takiyā sahit rūpāḷī. 4

Te par āvine, bese Mahārāj, māṇīgar Mahārājādhīrāj;

Āve darshan sant harijan, joīne thāy bahu prasann. 5

Mūrti manohar, Naṭvar vesh, bāndhī shir pāgh banāvī pech;

Chhogā kalangī torā laṭkāve, tenī shobhā te kahyāmā nāve. 6

Ope uparṇī, sonerī chheḍe, bājū jaḍel monghe motīḍe;

Guchchh gajrā fūlonā hār, kāne kunḍal tej ambār. 7

Fūl sugandhī, foryu nīsare, āvī bhamrā gunjār kare;

Koṭe ūtrī motīnī māḷā, hemnā kaḍā hāthe rūpāḷā. 8

Jarkasī jāmo, sāv sonerī, shobhā bahu sārī sūrvāḷ kerī;

Nāḍī jarīnī laṭke bevḍī, motī guṇthel hāthmā chhaḍī. 9

Oḍhe dushālo, rūpāḷo renṭo, keḍye sonerī kasumbī fenṭo;

Pagmā jhānjhar hemnā trodā, motī jaḍel tenā makoḍā. 10

Tarat fūlyā, kamaḷ tevā, padpankaj beu te evā;

Ūrdhvarekhāmā chihna shobhit, nakhmaṇi lāl mohe manchitt. 11

Jamṇe angūṭhe, nakhmā chihna, sarva sukhkāraṇ eh;

Ghunṭī goḷ ne pindī pāṭaliyu, bhāḷī tehnu bhavdukh ṭaḷiyu. 12

Jamṇī ḍābī sāthaḷyu bā’r, chihna ekeku shobhe chhe sār. 13

Pete trivaḷī, suvāḷap ghaṇī, ke’tā te thāke sahasra faṇī;

Ūnḍī nābhī chhe goḷ rūpāḷī, najar na thāke tehnī bhāḷī. 14

Ur vishāḷ, ūpḍatī chhātī, Lakshmī rahe chhe sadā rangrātī;

Be chhāp vishe chihnamā til ek, tene oḷe chhe sukh anek. 15

Stan beu, sundartā ati, vachche te jhīṇī kesh pangti;

Hāth Harinā rūpāḷā lāge, jāṇe joī rahīe ūbhelā āge. 16

Rūḍā rasik, nakhmaṇi lāl, hatheḷīyu rāti rekhu rasāḷ;

Kaḷāī bājū suvāḷap sārī, chhāpnā chihna dīse sukhkārī. 17

Rom sahit, ek til chhe vāse, sundar ḍābā khabhānī pāse;

Kaṇth rūpāḷo marmāḷu mukh, jotā te thāy alaukik sukh. 18

Hoṭh rūpāḷā, rātā rangbīj, dānt sundar dāḍamnā bīj;

Goḷ kapoḷ sārā suvāḷā, vāṇī madhurī veṇ rūpāḷā. 19

Nāk namṇu, aṇiyāḷī ānkhyu, joyu jeṇe jag sukh na rākhyu;

Shravaṇ sundar bhāl vishāḷ, bhrukuṭī nalvaṭ rekhā sutāl. 20

Jamṇe kapoḷe, chihna chhe Shyām, ḍābe shravaṇe bindu sukhdhām;

Chihna jamṇī kore kesh samīpe, sārī sundar choṭlī dīpe. 21

Sāmudrikmā, kahyā chhe jevā, sarve Harine chihna chhe evā;

Koṭik kāmnī shobhā ke’vāye, ek ek angne tulya na thāye. 22

Evā albelo, mahāsukhkārī, juve jan sāmu sneh vadhārī;

Vātu kare tyā amrut jhare, hāthnā laṭkā bahu ja kare. 23

Chhīke hase kāī, ramūj kare, tyāre mukh āḍo rūmāl dhare;

Hāthe ramāḍe māḷā fūl fal, nahito chheḍe de rūmālne vaḷ. 24

Dāḍhīe hāth, daī ḍok maroḍe, āngaḷīyu maroḍī tachākā foḍe;

Āngḷī halāvī janne bolāve, vaḷī dānte shu jībh dabāve. 25

‘Hare hare’ kare, bagāsu khātā, chapṭī vagāḍī sant sange gātā;

Kathā Kīrtan vātu shubh karī, sukh āpe chhe bahu rīte Hari. 26

Vaḷī khes ek, sundar paherī, bese ūghāḍā laṭkāḷo le’rī;

Chhuṭā chhogalīyā pechāḷī pāghe, pushṭ mūrti rūḍī bahu lāge. 27

Marma karīne, mand mand hase, adhar bhīnje amrut varse;

Hastā hastā jāy utāre, jan mannā neṇ najāre. 28

Jaine nhāy, nirmaḷ nīre, attar choḷī shubh sharīre;

Nāhīne pe’re chhe khes bahu tāle, chākhḍīe chaḍhī chaṭkantā chāle. 29

Oḍhe pachheḍī, sundar sārī, kān ūghāḍā rākhe vihārī;

Āvīne Jīvan jamvā bese, palāṭhī ḍābā pagnī kare chhe. 30

Te par rākhīne, ḍābo ja hāth, jamṇī kūṇī daī ḍhīchaṇe Nāth;

Jame alaukik jugtī āṇī, jamtā jamtā te pīe chhe pāṇī. 31

Chaḷu karīne, khāy oḍkār, peṭe laī hāth fere te vār;

Elchidāṇāno kare mukhvās, pachhe te pūjā kare chhe dās. 32

Charche attar, chandan sār, gajrā bājūbandh paherāve hār;

Khose guchchhe torā pechāḷī pāghe, charaṇ chhātīmā laī pāy lāge. 33

Sant jamaḍvā, ādare āve, ek hāth keḍye ek ḍolāve;

Teh hāthmā laī rūmāl, chāle chhogāḷo gajgati chāl. 34

Khes āḍsoḍe, kamar kastā, āve santomā mandmand hastā;

Pirasvā sant panktimā fare, lyo Mahārāj lāḍu ghere svare kahe. 35

Fartā ūbhā tyā, Kīrtan gāve, sāthaḷe hāth mūṭhī lagāve;

Ākho lāḍu koī na liye jyāre, ardho lāḍu lyo em kahe tyāre. 36

Mūṭhīmā dābī, kahe rasiyo, Mahārājo mahāprasād liyo;

Bahu dharvīne bole te Nāth, lāḍu ek lyo to mūku shir hāth. 37

Dūdh dahīne, hāthe shu ghoḷe, deṭā deṭā laī koīne shir ḍhoḷe;

Sant jamāḍī rājī bahu thāy, mand mand hastā poḍhvā jāy. 38

Poḍhīne jyāre, Jīvan āve, sarva santjan ne bolāve;

Ghelā nadīmā nhāvāne jāy, jaīne bese chhe khaḷkhaḷiyā māy. 39

Shobhe khambhā mukh, pāṇīnī chhoḷe, chhātī jhaḷke hāth hiloḷe;

Kare jaḷkrīdā sant Kīrtan gāy, hasāve kaīk āgaḷ taṇāy. 40

Vaḷī Lakshmīvāḍīe, chhelo, ghoḍā khelavtā jāy albelo;

Oṭā upar jaī bese Mahārāj āve sarvajan darshan kāj. 41

Rasrītye shu, ramūj karī, āpe jan ne sukh bahu Hari;

Naḍī vāḍīe āvtā jātā, jovā mārge lok nathī matā. 42

Sānje Nārāyaṇ, nām dhun kare, vānse santjan vachan ochare;

Bahu utāvaḷā pāḍe chhe tāḷī, mūrti māṇīgar lāge rūpāḷī. 43

Utsav āve tyāre, Sukhkārī, jhule hinḍoḷe mugaṭ shirdhārī;

Gulāl garkāv rangnā bhariyā, shobhe māṇīgar chhel ḍolariyā. 44

Gulāl goṭā, hāthmā laī, māre santne prasann thaī;

Kesar kesūḍā rang bahu karī, nākhe manohar pichkārī bharī. 45

Santone mukhe, bhuse gulāl, nākhe attar sūnghāḍe lāl;

Bhāre vastra ghareṇā jan lāve, paherī manohar man lalchāve. 46

Evī līlā te, anant apār, Shārad shesh koī pāme nahi pār;

Kahyu kāīk me buddhi anusārī, bhāḷyu je najare te mandhārī. 47

Gāy shīkhe je, kānmā dhare, thāy sukhiyā te bhavjaḷ tare;

Charitra Harinā mahāsukhkārī, Rāghavdāse gāyā ur dhārī. 48

loading