વચન વિધિ

કડવું – ૩૮

બહુ દુઃખ પામે થઈ સ્થાન ભ્રષ્ટજી,1 જિયાં જિયાં જાય તિયાં પામે કષ્ટજી

સ્થાન ખોઈ થાય છે ખરા નર ખષ્ટજી,2 એહ વાત પુરાણે સૂચવી સુસ્પષ્ટજી

સુસ્પષ્ટ શાસ્ત્રે સૂચવી, ખરી સ્થાનભ્રષ્ટની જે ખોટ ॥

ઇન્દ્ર ઇન્દ્રાસને નવ રહ્યો, ત્યારે ગયો કમળ વનની ઓટ3 ॥૨॥

ભવ બ્રહ્માનું ભાખતાં, લાગે લોકમાંય લજામણું ॥

સ્થાનભ્રષ્ટ ભોમ વ્યોમમાં, થાય હેરાણ ઘણું ઘણું ॥૩॥

નહુષ નરેશ નિજ રાજ્ય તજી, ઇછ્યો બેસવા ઇન્દ્રને આસને ॥

ઇન્દ્રાસનનું સુખ આવ્યું નહિ, આવ્યું દુઃખ ભોગવી કાશને4 ॥૪॥

ત્રિશંકુ તજી રાજ્ય ભૂમિનું, ઇછ્યો અમરપુરનાં જો સુખ ॥

સુખ ન જડ્યું દુઃખ પડ્યું, વળી લટક્યો ઊંધે મુખ ॥૫॥

સ્થાનભ્રષ્ટનો સર્વે ઠેકાણે, અતિ અનાદર થાય છે ॥

દંત ને નખ કેશ નરા, ખરા નકારા કે’વાય છે ॥૬॥

એમ સમજુ સમજીને, રે’વું સહુ સહુના સ્થાનમાં ॥

સ્થાન તજીને જે જીવવું, તે જીવિત ગયું છે જ્યાનમાં ॥૭॥

જેમ પોતાનો પિયુ પરહરી, કોઈ નારી થાય વ્યભિચારણી ॥

નિષ્કુળાનંદ એ નાર નરસી, પુરુષનું પેટ બાળણી5 ॥૮॥

કડવું 🏠 home