☰ kadavu

વચન વિધિ

કડવું – ૩૦

વચનદ્રોહીનો વિશ્વાસ કરતાંજી, પાર ન આવે ચોરાસી ફરતાંજી

મહાદુઃખ પામિયે જનમતાં મરતાંજી, માટે દિલમાં રહિયે એથી સદાયે ડરતાંજી

ડરતા રહિયે અતિ દુષ્ટથી, દૃગે દેખી લૈયે દગાદાર1

સમો આવે તો શત્રુપણું, વાવરતાં ન કરે વાર ॥૨॥

જેમ ચિત્ર2 ચાપ3 આપે નમે, પણ લિયે બીજાના પ્રાણ ॥

તેમ વિમુખ મુખે મીઠું વદે, પણ ફેરવે ચારે ખાણ4 ॥૩॥

જેમ ભરી બંદૂક બરિયાનમાં,5 કપિ6 કળી7 વળી મૂકે કાનમાં8

અડાડીને રહે અળગો, પણ સામાને રોળે9 રાનમાં10 ॥૪॥

સમજી સુંવાળા સર્પને, કોઈ સુવે વળી લઈ સોડ્યમાં ॥

માનજો મને તેને મારશે, અવશ્ય કરડી ઓડ્યમાં ॥૫॥

વિકટ અટવિ11 વાટમાં, વેરી લિયે વળાવડે12

તેને કહો કુશળ રે’વાની, પ્રતીતિ તે કેમ પડે ॥૬॥

તેમ વચનદ્રોહીનો વિશ્વાસ કરે, રાખે હરિવિમુખશું હેત ॥

તેને સુખ થાવા શીદ પૂછવું, જે વશ્યો દુઃખનિકેત13 ॥૭॥

માટે સર્વે પ્રકારે સમજો, વર્જો14 સંગ વચનદ્રોહીનો ॥

નિષ્કુળાનંદ કહે નિર્ભય થાવા, રાખો સંગ સંત નિર્મોહીનો ॥૮॥

× કડવું 🏠 home