વચન વિધિ

કડવું – ૧૮

વિમુખનો સંગ તજો તતકાળજી, હૈયે જાણી હડકાયા શ્વાનની લાળજી

વળગી અળગી કરતાં જંજાળજી,1 જાણજો જરૂર એજ જમ જાળજી

જમની જાળ જાણીને, તન મનમાં રાખવો ત્રાસ ॥

ભૂલ્યે પણ હરિભક્તને, નવ બેસવું એહને પાસ ॥૨॥

જેમ રાહુ સંગે રાકેશ2 રવિનું, અતિ તમે3 થાય તેજ લીન ॥

તેમ હરિ વિમુખના સંગથી, થાય મતિ અતિ મલિન ॥૩॥

પ્રાવૃટ4 ઋતુ અંત પરખિયે,5 જ્યારે ઊગે અગસ્ત્ય6 આકાશ ॥

જળ સંકોચાયે સ્થળથી, તેમ વિમુખથી મતિ નાશ ॥૪॥

જેમ વાયુના વેગે કરીને, વિખાઈ જાયે વળી વાદળાં ॥

તેમ વિમુખ વચનના વેગથી, જાય શુભ ગુણ આદિ સઘળાં ॥૫॥

વાંસ7 વિછણ્ય વિયા8 જણ્યે,9 સુકે એક મૂકે શરીરને ॥

એમ કુસંગ અંગમાં આવતાં, મારે મોટા મુનિ ધીરને ॥૬॥

કહી કહીને કહીએ કેટલું, રે’જો હરિ વિમુખથી વેગળા ॥

પરમ પદ તો પામશો, વામશો વળી દુઃખ સઘળાં ॥૭॥

નિર્વિઘ્ન થાવા નરને, ન કરવો સંગ વિમુખનો ॥

નિષ્કુળાનંદ નિશ્ચે કહે, એ છે ઉપાય સુખનો ॥૮॥

કડવું 🏠 home