સ્નેહગીતા

કડવું ૪૪

સ્નેહગીતા જે જન ગાશેજી, સુણતાં સદ્ય આનંદ ઉપજાવશેજી ।

પ્રીતમની પ્રીતની રીત જો જણાવશેજી, સ્નેહી જનને સુધાસમ ભાવશેજી ॥૧॥

જણાવશે રીત પ્રીત કરી, હશે કાસલ1 તે કલાવશે2

પછી સ્નેહીજન સજ્જ થઈને, ચિત્ત હરિચરણ લાવશે ॥૨॥

વળીદેહ ઇંદ્રિય મન પ્રાણની, કોઈ રૂંધવાની રીત કરે ।

તો સર્વે સાધન મેલી મનનાં, પ્રીતે ચિત્ત હરિચરણે ધરે ॥૩॥

અંતઃકરણ ને ઇંદ્રિની વૃત્તિ, લોલુપ3 કિયાં નથી લોભતી ।

પ્રગટ મૂર્તિ વિના વળી, અન્ય સ્થળે પળ નથી થોભતી ॥૪॥

સર્વે વાસના ત્યારે ગળે, જ્યારે મળે મનોહર મૂરતિ ।

સાધન સર્વે થાય પૂરાં, એમ ગાય સત્ય નિત્ય સુરતિ4 ॥૫॥

પ્રભુપદની પ્રીત વિના, વિકાર તે નવ વિસમે5

વ્રેહ વિના વાસના ન બળે, અન્ય ઉપાયે શીદ દેહ દમે ॥૬॥

સ્નેહ સાચો સ્નેહી જનનો, શ્રીકૃષ્ણ સાથે કરજો ।

પ્રીત રીતે જો પંડ પડે, તોયે દિલમાંહિ મા ડરજો ॥૭॥

સ્નેહગીતા ગ્રંથ ગાવા, ઇચ્છા કરી અવિનાશ6

નિષ્કુળાનંદને નિમિત્ત દેઈ, કર્યો ગ્રંથ એહ પ્રકાશ ॥૮॥

એકાદશ પદ ને ચુંવાળીસ કડવે, કહી સ્નેહની કથા કથી ।

પંચ દોયે કમ જે પાંચસે,7 છે ચરણ પુરાં ઓછાં નથી ॥૯॥

સર્વે ચરણે સ્નેહ કથા, વરણવી વિવિધે કરી ।

હરિને મને8 હેતે સાંભળી, કરજો પ્રીત હરિ સાથે ખરી ॥૧૦॥

સંવત અઢાર બોતેરના, વૈશાખ શુદ ચતુરથી ।

હરિજનના હેત અર્થે, સ્નેહગીતા કહી કથી ॥૧૧॥ કડવું ॥૪૪॥

કડવું 🏠 home