સારસિદ્ધિ

પદ - ૯

રાગ - ધોળ

સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત;

દયા રહી છે જેના દલમાં, નથી ઘટમાં ઘાત... સંત ॥૧॥

જેમ જનનીને હૈયે હેત છે, સદા સુતને સાથ;

અરોગી કરવા અર્ભકને,1 પાયે કડવેરા કવાથ2... સંત ॥૨॥

જેમ ભમરી ભરે ભારે ચટકો, પલટાવા ઇયળનું અંગ;

તેમ સંત વચન કટુ કહે, આપવા આપનો રંગ... સંત ॥૩॥

જાણો સંત સગાં છે સહુનાં, જીવ જરૂર જાણ;

નિષ્કુળાનંદ નિર્ભય કરે, આપે પદ નિરવાણ... સંત ॥૪॥

 

કડવું - ૩૭

નિર્વાણ પદમાં પોં’ચાડે સંતજી, જે કોઈ દિલના દયાળુ અત્યંતજી

જેને એક ઉર રહિયા ભગવંતજી, તેણે કરી સદાય છે શુભ બુદ્ધિવંતજી

શુભ બુદ્ધિવાળા સંત જેહ, તેહ સહુના સુખદાય છે ॥

તેથી દુઃખ ન ઊપજે, જે સુરતરુ3 સમ કે’વાય છે ॥૨॥

જેમ વિટપ4 બહુ પરમારથી, પરમારથી પાથ5 ને પૃથવી ॥

ઘન પવન પરમારથી, તેમ પરમારથી રાકેશ6 રવિ ॥૩॥

જેમ તરુ સુખદાયી તેહથી, ફૂલ ફળ દળ શાખા મળે ॥

વળી શીતળ કરે છાયા વડે, તેમ સર્વે સંકટ સંતથી ટળે ॥૪॥

જેમ જળ મળ હરે જનના, વળી પાન કર્યે હરે પ્યાસ ॥

તેમ સંત સુખ સહુને કરે, વળી હરે તન મન ત્રાસ ॥૫॥

જેમ ભૂમિ પરમારથી ભણિયે, ઠામ ધામ ધાતુ આવે કામ ॥

તેમ સંત પરમારથી સમજો, સર્વે પ્રાણીના છે સુખધામ ॥૬॥

જેમ મેઘ જિવાડે છે મેદિની,7 જેમ અર્ક કરે છે ઉજાસ8

જેમ શશી કરે છે શીતળતા, તેમ સંત સહુના સુખનિવાસ ॥૭॥

જેમ પંચ ભૂતના પદાર્થથી, સર્વે સુખી રહે છે સંસાર ॥

તેમ સંત અલૌકિક સુખના, જાણી લિયો જરૂર આપનાર ॥૮॥

સાચા સંતથી સરી ગયાં, કૈક જીવોનાં કાજ ॥

એવા સંતને સેવવા, અવસર આવિયો છે આજ ॥૯॥

જો મનાય તો મને માનજો, છે અતિ અર્થની વાત ॥

નિષ્કુળાનંદ નકી કહે, સુખ થાવાની એ સાક્ષાત ॥૧૦॥

કડવું 🏠 home