ભક્તિનિધિ

પદ – ૬

રાગ: બિહાગડો

હજૂર રહિયે હાથ જોડી રે હરિશું... હજુર,

  બીજાં સર્વેની સાથેથી ત્રોડી રે; હરિશું૦ ટેક

લોક પરલોકનાં સુખ સાંભળી, ધન્ય માની ન દેવું ધ્રોડી1

મરીચિ જળ2 જેવાં માની લેવાં, તેમાં ખોવી નહિ ખરી મોડી3 રે; હરિશું૦ ॥૧॥

હીરાની આંખ્ય સુણી હૈયે હરખી, છતી4 છે તે ન નાખીએ ફોડી ।

તેમ પ્રભુજી પ્રગટ પખી, નથી વાત કોયે રૂડી રે; હરિશું૦ ॥૨॥

રૂડો રોકડો દોકડો દોપ્ય5 આવે, ના’વે કામ સ્વપ્નની ક્રોડી6

તેમ પ્રગટ વિના જે પ્રતીતિ, તે તો ગધ્ધું માન્યું કરી ઘોડી રે; હરિશું૦ ॥૩॥

પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલી, મર જો જણાતી હોય થોડી ।

નિષ્કુળાનંદ નિશ્ચે એમ જાણો, છે ભવસિંધુ તરવા હોડી રે; હરિશું૦ ॥૪॥ પદ ॥૬॥

 

કડવું – ૨૫

રાગ: ધન્યાશ્રી

ભવજળ તરવા હરિભક્તિ કરોજી, તેહ વિના અન્ય તજો આગરોજી7

શુદ્ધ મન ચિત્તે ભક્તિ આદરોજી, તેમાં તન મન મમત પરહરોજી ॥૧॥

રાગ: ઢાળ

તન મન મમતને તજી, ભજી લેવા ભાવે ભગવાન ।

તેમાં વર્ણાશ્રમ વિદ્યા વાદનું,8 અળગું કરી અભિમાન ॥૨॥

કોઈ દીન હીનમતિ9 માનવી, ગરીબ ગ્રસેલ10 રોગનો ।

તેની ઉપર તીખપ્ય11 તજી, કરવો ઉપાય સુખ સંજોગનો ॥૩॥

સર્વે ઠેકાણે સમજવા, છે અંતરજામી અવિનાશ ।

રખે કોઈ મુજ થકી પણ, તનધારીને ઉપજે ત્રાસ ॥૪॥

અલ્પ જીવની ઉપરે પણ, રાખે દયા અતિ દિલમાંઈ ।

પેખી પેખી12 ભરે પગલાં, રખે થાય અપરાધ કાંઈ ॥૫॥

સ્થાવર13 જંગમ14 જીવ જેહ, તેહ સર્વના સુખદેણ ।

પશુ પંખી પ્રાણધારી પર, કરે નહિ કરડાં15 નેણ ॥૬॥

ઇન્દ્રિયજીત અજાતશત્રુ,16 સગાં સહુના સુખસ્વરૂપ ।

દીનપણું ઘણું દાખવે, એવા અનેક ગુણ અનુપ ॥૭॥

સાધુતા અતિ સર્વે અંગે, અસાધુતા નહિ અણુભાર ।

એવા ભક્ત ભગવાનના, તે સહુને સુખ દેનાર ॥૮॥

હિતકારી સારી સૃષ્ટિના, પરમારથી પૂરા વળી ।

અપાર મોટા અગાધ17 મતિ, જેની સમજણ નવ જાય કળી ॥૯॥

એવા ભક્ત જેહને જ મળે, ટળે તેના ત્રિવિધ18 તાપ ।

નિષ્કુળાનંદ એહ નાથના, નક્કી ભક્ત એ નિષ્પાપ ॥૧૦॥

કડવું 🏠 home