ભક્તિનિધિ

કડવું - ૧૧

રાગ: ધન્યાશ્રી

સાચી ભક્તિ કરતાં કો’ કેને ભાવ્યુંજી,1 ખરી ભક્તિમાંહિ સહુએ ખોટું ઠેરાવ્યુંજી ।

અણસમઝુંને એમ સમઝ્યામાં આવ્યુંજી, વણ અર્થે ભક્તિશું વેર વસાવ્યુંજી ॥૧॥

રાગ: ઢાળ

વેર વસાવ્યું વણ સમઝે, સાચી ભક્તિ કરતલ સાથ ।

શોધી જુવો સરવાળે સહુને, મળી વળી સઈ મીરાંથ2 ॥૨॥

પ્રહ્લાદ ભક્ત જાણી પ્રભુના, હિરણ્યકશિપુએ કર્યા હેરાણ ।

તેહ પાપે કરી તેહના, ગયા પંડમાંથી પ્રાણ ॥૩॥

વસુદેવ વળી દેવકીને, જાણ્યાં જગદીશનાં જરૂર ।

તેને કષ્ટ કંસે આપિયું , મૂવો પાપિયો આપે અસુર ॥૪॥

પંચાલી3 ભક્ત પરબ્રહ્મનાં, જાણી દુઃખ દીધું દુઃશાસન ।

તાણ્યાં અંબર એ પાપમાં, થયું કુળ નિર્મૂળ નિકંદન4 ॥૫॥

પાંડવ ભક્ત પરમેશ્વરના, તેને દીધું દુર્યોધને દુઃખ ।

તે પાપે રાજ્ય ગયું વળી, થયું મોત રહ્યું નહિ સુખ ॥૬॥

સીતાજી ભક્ત શ્રીરામજીનાં, તેને રાવણે પાડિયા રોળ5

સત્યવાદીને સંતાપતાં, આવિયું દુઃખ અતોલ ॥૭॥

તે હરિજનને હૈયે હોય નહિ, જે દુઃખ દેતલને દુઃખ થાય ।

પણ જેમ કેગરના6 કાષ્ટને, બાળતાં અગ્નિ ઓલાય ॥૮॥

એમ ભક્તને ભય ઉપજાવતાં, નિર્ભય ન રહ્યા કોય ।

આદિ અંતે મધ્યે માનજો, હરિભક્ત નિર્ભય હોય ॥૯॥

પરમ પદને પામવા, હરિભક્તની ભીડ્ય તાણવી7

નિષ્કુળાનંદ નિશ્ચે કહે, વાત આટલી જરૂર જાણવી ॥૧૦॥

કડવું 🏠 home