હરિસ્મૃતિ

૩. લીલા ચિંતામણિ

દોહા

કરપતર થાળી થાળમાં, ત્રાંસળી કટોરા ત્રાંસ ॥

પનવાડાં પડિયા વાટકા, જમ્યા કનક ઠામે અવિનાશ ॥૧॥

અબખોરા કટોરા કળસિયા, કઠારી ઝારી તુંબ કમંડળ ॥

ચળુ કરી ચતુરાઈશું, પીધાં નિરમળ જળ ॥૨॥

ચોપાઇ ધ્રુવપદી

દાંત સુધારી1 બેઠા પાટે, ભૂધર ભાળ્યા છે ।

આવ્યા જન પૂજવા માટે, ભૂધર ભાળ્યા છે ॥

ચરચે ચંદન મળિયાગરે, ભૂધર૦ । કુંકુમ કસ્તુરી કેસરે, ભૂધર૦ ॥૩॥

સારી સુખડ શરીરે, ભૂધર૦ । જને ચરચી ધીરે ધીરે, ભૂધર૦ ॥

કર્યાં કુંકુમના ચાંદલા, ભૂધર૦ । શોભે ચોખા ચોડ્યા ભલા, ભૂધર૦ ॥૪॥

હૈયે લલાટે બે હાથે, ભૂધર૦ । કર્યાં તિલક ચંદ્ર સાથે, ભૂધર૦ ॥

અંગે અંબર વિના રે’તા, ભૂધર૦ । દિગંબર દર્શન દેતા, ભૂધર૦ ॥૫॥

વનકળ2 વાઘાંબર સુંદરે, ભૂધર૦ । મૃગાજિન ટાટાંબરે, ભૂધર૦ ॥

પછી કોપીન કટવેડે,3 ભૂધર૦ । રાખી અલફી તાર કેડે, ભૂધર૦ ॥૬॥

ગોદડી ચાદર ચોફાળે, ભૂધર૦ । દીધાં દરશન દયાળે, ભૂધર૦ ॥

ખેસ ધોતી પોતી પે’રી, ભૂધર૦ । ગૂઢે રેંટે (ફેંટે) લે’રી, ભૂધર૦ ॥૭॥

સુરવાળ ગૂડકી4 જામે, ભૂધર૦ । જોઈ અંગરખી દુઃખ વામે, ભૂધર૦ ॥

પે’રી આંગી5 અંગે વા’લે, ભૂધર૦ । કસી કમર દુશાલે, ભૂધર૦ ॥૮॥

ડગલી સોનેરી રૂપેરી, ભૂધર૦ । કિનખાપની6 જો પે’રી, ભૂધર૦ ॥

ડગલી જરીની પે’રેલ, ભૂધર૦ । બોરકસુની7 બાંધેલ, ભૂધર૦ ॥૯॥

પટુ8 પાંબરી9 ચકમે,10 ભૂધર૦ । શાલ દુશાલે દુઃખ શમે, ભૂધર૦ ॥

બોરીચોફાળ11 રૂમાલે, ભૂધર૦ । પે’ર્યો રાતો રેંટો12 વાલે, ભૂધર૦ ॥૧૦॥

ડગલી ગરમ પોસની પે’રિયે, ભૂધર૦ । પાઘ કસુંબી સોનેરિયે, ભૂધર૦ ॥

વસ્ત્ર અત્તરમાં રસબસે, ભૂધર૦ । બોકાની પાઘડિયે ધસમસે, ભૂધર૦ ॥૧૧॥

મુગટ કુંડળ મોલિડે, ભૂધર૦ । કસુંબી ફેંટે કંકોલીડે,13 ભૂધર૦ ॥

પાઘ મુગલી14 મરેઠિયે, ભૂધર૦ । સુરતી કાઠીની સોરઠિયે, ભૂધર૦ ॥૧૨॥

ટોપી કચ્છ કવેડા ફૂલની, ભૂધર૦ । ગુંજા જરિયાન મહામૂલની, ભૂધર૦ ॥

તોરા ગજરા બાજુએ, ભૂધર૦ । કંકણ ફૂલ ને કાજુએ, ભૂધર૦ ॥૧૩॥

ગુંજા રતાંજળી15 હારે, ભૂધર૦ । અર્ક અનકણના અપારે, ભૂધર૦ ॥

ગુલાબ ગુલદાવદી માલે, ભૂધર૦ । ચંપા ચંમેલી વિશાલે, ભૂધર૦ ॥૧૪॥

ગુલસુમના16 ગોટા હજારી, ભૂધર૦ । ફેંટો ફૂલપછેડી ધારી, ભૂધર૦ ॥

હીરા મોતી મણિ માળે, ભૂધર૦ । પના પીરોજા પ્રવાળે, ભૂધર૦ ॥૧૫॥

ફૂલ કપૂર ને હારે, ભૂધર૦ । બાજુ તોરા પવિત્રાં સારે, ભૂધર૦ ॥

સોના પાઘ સોના ઝરમરિયાં,17 ભૂધર૦ । છોગાં પણ સોનેરી ધરીયા, ભૂધર૦ ॥૧૬॥

તોરા શિરપેચ18 સોનાને, ભૂધર૦ । ખોસ્યાં ફૂલ સોનાનાં કાને, ભૂધર૦ ॥

સોના દોરો સોનાસાંકળિયે, ભૂધર૦ । સોના માળા સોનામાંદળિયે, ભૂધર૦ ॥૧૭॥

હાર કંઠી પણ કનકને, ભૂધર૦ । બલિહારી એ બાનકને,19 ભૂધર૦ ॥

હીરા સાંકળી ઝૂમણું,20 ભૂધર૦ । શોભે કાને કુંડળ ઘણું, ભૂધર૦ ॥૧૮॥

સોના બાજુ સોના કડે, ભૂધર૦ । પોંચી વેઢ વીંટી નંગ જડ્યે, ભૂધર૦ ॥

કરડા21 ફેરવા11 અંગૂઠી, ભૂધર૦ । મુદ્રિકા સોનાની દીઠી, ભૂધર૦ ॥૧૯॥

કટી મેખળા22 ને તોડો, ભૂધર૦ । શોભે સોનાનો તે રૂડો, ભૂધર૦ ॥

પે’રી રૂપાની ચાંખડિયે, ભૂધર૦ । એવા દીઠા છે આંખડિયે, ભૂધર૦ ॥૨૦॥

ઘમકે ઘુઘરિયો ખડાયે,23 ભૂધર૦ । ચડતાં પગથિયે ચડાયે,24 ભૂધર૦ ॥

પે’રી કમળફૂલવાળી, ભૂધર૦ । ચમકે ચંપાની રૂપાળી, ભૂધર૦ ॥૨૧॥

સાગ સીસમની પણ સારી, ભૂધર૦ । ચરણે ચાંખડિયો ચમકારી, ભૂધર૦ ॥

કિશોરી25 સૂતર ને વાણે,26 ભૂધર૦ । મોજડી ઓખાઈ અણવાણે,27 ભૂધર૦ ॥૨૨॥

ખાટ્ય પાટ્ય ને પલંગે, ભૂધર૦ । બેઠા ઢોલિયે ઉમંગે, ભૂધર૦ ॥

છપર પલંગ ખાટલે, ભૂધર૦ । ખૂરશી બાજોઠ પાટલે, ભૂધર૦ ॥૨૩॥

સાંગામાંચી સિંહાસને, ભૂધર૦ । ગાદી ચાકળે આસને, ભૂધર૦ ॥

મેડે મંચે ડોલ28 હીંડોલે, ભૂધર૦ । ગોખ વા’ણ વંડી દેવાલે,29 ભૂધર૦ ॥૨૪॥

કૂબા ઘર મેડી હવેલી, ભૂધર૦ । બેઠા બંગલે શંકા મેલી, ભૂધર૦ ॥

મંદિર મંડપ દલિચા30 દેરે, ભૂધર૦ । તંબુ રાવટીએ બહુવેરે, ભૂધર૦ ॥૨૫॥

અટારી અગાશી જાળિયે, ભૂધર૦ । બેઠા મોહનજી માળિયે, ભૂધર૦ ॥

ઓટે ઓસરી પડસાળે,31 ભૂધર૦ । દીધાં ત્યાં દરશન દયાળે, ભૂધર૦ ॥૨૬॥

બેઠા ચોક ફળી ચોતરે, ભૂધર૦ । છાંટી ભૂમિ ફુવારા ભરે,32 ભૂધર૦ ॥

સારી આસણી33 સાદરિયે, ભૂધર૦ । દરશન કામળી પર કરીએ, ભૂધર૦ ॥૨૭॥

ગોદડી ગોદડાં ગાદલાં, ભૂધર૦ । ત્યાં દરશન થયા છે ભલાં, ભૂધર૦ ॥

ઝાડ પા’ડ ને પાષાણે, ભૂધર૦ । બેઠા ભૂમિ પર જન જાણે, ભૂધર૦ ॥૨૮॥

ગાડી વે’લ રથ પાલખિયે, ભૂધર૦ । મૂર્તિ મેને34 બેઠી લખિયે, ભૂધર૦ ॥

ગાડું ચારટ35 સુખપાલે, ભૂધર૦ । જુવે જન વા’લાને વા’લે, ભૂધર૦ ॥૨૯॥

કરિ36 કરલિએ37 બહુ બાજે,38 ભૂધર૦ । સોનેરી સખલાદિ39 સમાજે, ભૂધર૦ ॥

બેઠા નિજ સેવકને અંસે,40 ભૂધર૦ । જેમ બ્રહ્મા બેઠા હંસે, ભૂધર૦ ॥૩૦॥

એક સમામાં મુનિ મળી, ભૂધર૦ । આવ્યા પૂજા કરવા વળી, ભૂધર૦ ॥

વસ્ત્ર ઘરેણાં પે’રાવી, ભૂધર૦ । ચરચ્યાં ચંદન સુંદર લાવી, ભૂધર૦ ॥૩૧॥

ધૂપ દીપ પુષ્પહારે, ભૂધર૦ । કરી પૂજા બહુ પ્રકારે, ભૂધર૦ ॥

પછી ઉતારી આરતિ, ભૂધર૦ । કરી ધુન્ય સ્તુતિ અતિ, ભૂધર૦ ॥૩૨॥

પછી પ્રભુ થયા પ્રસન્ન, ભૂધર૦ । મળ્યા નિજજનને જીવન, ભૂધર૦ ॥

ચરચ્યાં ચરણ બે ચંદને, ભૂધર૦ । લીધાં ઉર વચ્ચે નિજજને, ભૂધર૦ ॥૩૩॥

છાપી નિજજનની એમ છાતી, ભૂધર૦ । પછી બેસારી પંગતી, ભૂધર૦ ॥

બેઠા પંગતે મુનિરાજ, ભૂધર૦ । આવ્યા પીરસવા મહારાજ, ભૂધર૦ ॥૩૪॥

પીરસે પંગતમાં હરિ પોતે, ભૂધર૦ । જન તૃપ્ત ન થાય જોતે, ભૂધર૦॥

લાડુ જલેબી લઈને, ભૂધર૦ । જાય જોરાજોર દઈને, ભૂધર૦ ॥૩૫॥

બહુ પીરસે પ્રેમે કરી, ભૂધર૦ । ફરે પંગતમાં ફરીફરી, ભૂધર૦ ॥

લેઈ લેઈ ભોજનનાં નામ, ભૂધર૦ । આપે ઘણે હેતે ઘનશ્યામ, ભૂધર૦ ॥૩૬॥

લીધા લટકે લાડુ હાથ, ભૂધર૦ । નિજજન જમાડે નાથ, ભૂધર૦ ॥

માસુખ41 મુખમાં મોદક આપે, ભૂધર૦ । વળી મસ્તક ચરણે છાપે, ભૂધર૦ ॥૩૭॥

દેતા દહીં દૂધ દોવટે,42 ભૂધર૦ । આપે ખાંડ સાકર કર મોટે, ભૂધર૦ ॥

પે’રી પછેડી ખેસની, ભૂધર૦ । શોભા શી કહું વેષની, ભૂધર૦ ॥૩૮॥

ચાલે ઉતાવળા ચટકે,43 ભૂધર૦ । પે’રી ગૂડકી નાડી લટકે, ભૂધર૦ ॥

ફરે પંગતમાં બહુ ફેરા, ભૂધર૦ । પીરસે પાક પોતે ઘણેરા, ભૂધર૦ ॥૩૯॥

એમ જોરે44 જન જમાડે, ભૂધર૦ । પીરસી પીરસી હાર પમાડે, ભૂધર૦ ॥

એમ જમાડ્યા જન જ્યારે, ભૂધર૦ । કર પગ ધોયા તે વારે, ભૂધર૦ ॥૪૦॥

પછી ઉતારે પધાર્યા, ભૂધર૦ । નિજજન મન મોદ વધાર્યા, ભૂધર૦ ॥

ત્યાં ઢોલિયો ઢાળેલે, ભૂધર૦ । તે પર પાથરણાં પાથરેલે, ભૂધર૦ ॥૪૧॥

સુંદર ગાદલાં ગોદડે, ભૂધર૦ । ઓછાડ ઓસિસાં45 રૂડે, ભૂધર૦ ॥

મેલ્યાં ગાલમસુરિયાં ગાલે, ભૂધર૦ । ચાંપે ચરણ નિજજન વા’લે, ભૂધર૦ ॥૪૨॥

શીત ૠતુમાંહિ સારી, ભૂધર૦ । તાપે સુખડ્યે સુખકારી, ભૂધર૦ ॥

ચકમો ચોફાળ રજાઈ, ભૂધર૦ । ઓઢી પછેડી તે માંઈ, ભૂધર૦ ॥૪૩॥

ઉષ્ણ ઋતુમાં અવિનાશી, ભૂધર૦ । શીતળ જળ પીતાં સુખરાશી, ભૂધર૦ ॥

પંખા કરતાં સેવક પાસે, ભૂધર૦ । શીતળ ચંદન ચરચ્યાં દાસે, ભૂધર૦ ॥૪૪॥

ચોમાસામાં ચઢી ચાંખડિયે, ભૂધર૦ । સુંદર સારી કર લાકડિયે, ભૂધર૦ ॥

ઓઢી કામળી સુંવાળી, ભૂધર૦ । ધારી છતરી રૂપાળી, ભૂધર૦ ॥૪૫॥

આવી બેઠા સભામાંય, ભૂધર૦ । જન સર્વે લાગ્યા પાય, ભૂધર૦ ॥

ત્યાં પરિયંક46 પાથરણે, ભૂધર૦ । બેઠા રસિયો રાજીપણે, ભૂધર૦ ॥૪૬॥

તે પર ઓછાડ સોરંગી,47 ભૂધર૦ । બેઠા તકિયાને ઓઠંગી,48 ભૂધર૦ ॥

નીરખી જન મન મગન થયાં, ભૂધર૦ । સુંદર હાર પે’રાવ્યા તિયાં, ભૂધર૦ ॥૪૭॥

પછી ત્યાગી ગૃહી દાસે, ભૂધર૦ । પૂછ્યા પ્રશ્ન પ્રભુ પાસે, ભૂધર૦ ॥

તેનો ઉત્તર કરતાં આપે, ભૂધર૦ । કર લટકાં કરી દુઃખ કાપે, ભૂધર૦ ॥૪૮॥

રૂડા પ્રશ્નને સાંભળી, ભૂધર૦ । ઉઠ્યા જનને મળવા વળી, ભૂધર૦ ॥

મળ્યા ત્યાગીને બહુ ભાતી,49 ભૂધર૦ । પછી છાપી ચરણે છાતી, ભૂધર૦ ॥૪૯॥

પછી સત્સંગી સુખસીમા, ભૂધર૦ । લીધાં તેણે ચરણ છાતીમાં, ભૂધર૦ ॥

એવાં અલૌકિક સુખ દેતાં, ભૂધર૦ । આનંદ નિષ્કુળાનંદ લેતાં, ભૂધર૦ ॥૫૦॥

 

ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે તૃતીયઃ ચિંતામણિઃ ॥૩॥

ચિંતામણિ 🏠 home