હરિસ્મૃતિ

ગ્રંથનો મહિમા

ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે, “જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાં જે, ભગવાની મૂર્તિ છે તે તો ચિંતામણિ તુલ્ય છે.” (ગઢડા પ્રથમ પ્રકરણ ૧)

“એવી રીતે જે ભગવાનનાં ચરણારવિંદને વિષે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી, એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે.” (ગઢડા અંત્ય પ્રકરણ ૭)

અખંડ વૃત્તિ સિદ્ધ કરવા માટે સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જેવી રીતે શ્રીહરિને નીરખ્યા હતાં તેનું વિવિધ રીતે આ ગ્રંથમાં વર્ણન કર્યું છે; તે માટે હરિસ્મૃતિ ગ્રંથ અતિ અદ્‌ભુત છે.

ભગવાનની મૂર્તિને ચિંતામણિ તુલ્ય કહી છે, માટે સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથના અધ્યાયોનું નામ ‘ચિંતામણિ’ આપ્યું છે. આ ગ્રંથમાં સાત ચિંતામણિ તથા કુલ મળીને ૩૫૧ કડીઓ છે.

 

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્તના જીવન ચરિત્રમાં આવતો ગ્રંથનો મહિમા

મૂર્તિના પ્રકાર અને હરિસ્મૃતિ

... અમદાવાદના વણિક હરિભક્ત ત્યાં નાકાદાર હતા, તેમના આગ્રહથી તેમને ઘેર પોતે તથા પુરુષોત્તમદાસ પધાર્યા અને તેમનો સંકલ્પ પૂરો કર્યો. પછી સર્વે ત્યાંથી નીકળ્યા અને સોનગઢ જવા ગાડામાં બેઠા. તે ગાડામાં ભગતજી તથા પુરુષોત્તમદાસ, ભાઈલાલભાઈ, ઉમેદભાઈ, કડિયા મૂળજીભાઈ, નારણભાઈ વગેરે બેઠા. રસ્તામાં પુરુષોત્તમદાસ કીર્તન બોલે અને ભગતજી વાતો કરે.

પછી પુરુષોત્તમદાસે પ્રશ્ન પૂછ્યો, “આઠ પ્રકારની ભગવાનની મૂર્તિ શાસ્ત્રમાં કહી છે તે કઈ?”

ત્યારે ભગતજીએ મૂર્તિઓનું વર્ણન કરી બતાવ્યું, “પ્રથમ તો (૧) મણિમય, (૨) પાષાણની, (૩) કાષ્ટની, (૪) ધાતુની, (૫) મૃત્તિકાની, (૬) રેતીની, (૭) ચિત્રામણની અને (૮) મનોમય. એ આઠ પ્રકારની મૂર્તિ કહેવાય છે.”

ત્યારે પુરુષોત્તમદાસે ધ્યાનની મૂર્તિની વાત પૂછી. એટલે ભગતજી કહે, “એ તો સંકલ્પની મૂર્તિ.” પછી ભગતજી કહે, “એ મૂર્તિથી આનંદ માણવો. તે નિષ્કુળાનંદ સ્વામીએ પણ ‘હરિસ્મૃતિ’માં એમ વર્ણન કર્યું છે કે -

મનોહર સુંદર મૂરતિ, સહજાનંદ સુખરૂપ,

નખશિખ સુધી નીરખતાં, આવે આનંદ અનૂપ,

પ્રથમ પ્રભુ પ્રગટને, રાખું હૃદયમાંય,

અંગોઅંગ અવલોકીને, અંતર રહું ઉછાય.

“પછી એ મૂર્તિની દરેક ક્રિયા જે પોતે જોઈ હતી તે પ્રસંગે પ્રસંગનું નિષ્કુળાનંદ સ્વામીએ મનન કર્યું. એ જ ભક્તની ભક્તિ, અને એ જ કરવાનું છે. તે નિષ્કુળાનંદ સ્વામી કહે છે:

નાથ નીરખ્યા છે...

મોદક મગદળ ને મોતિયા, જમતાં જોયા છે;

લાખણ લાડુ ને સેવૈયા, જમતાં જોયા છે.

“અને જમી રહ્યા પછી,

દાંત સુધારી બેઠા પાટે, ભૂધર ભાળ્યા છે,

આવ્યા જન પૂજવા માટે, ભૂધર ભાળ્યા છે.

“પછી તો મહારાજે આખા દિવસમાં જે જે વસ્ત્રાલંકાર ધર્યાં હોય, જે પાટ ઉપર ગાદી-તકિયે બેઠા હોય, તે બધાની સ્મૃતિ કરી. અને રાત પડી એટલે,

દીવો દીવીને અજવાળે, દૃગે દીઠા છે;

હાંડી ફાનસે રૂપાળે, દૃગે દીઠા છે.

“એમ રાતે મહારાજ કેમ બેસતા, કેવા શોભતા, તેની સ્મૃતિ કરી, નખશિખાપર્યંત મહારાજની મૂર્તિનું આવી રીતે અવલોકન કરી અને પછી મૂર્તિનો કેવો મહિમા છે તેનો વિચાર કરો કે -

એમ નખશિખા મૂર્તિ નાથની, સમરતાં સુખ થાય,

અહોનિશ ઉરમાં ધારતાં, કરવું નહિ કાંય;

ચરિત્ર સર્વે ચિંતવી, મૂરતિ ધારે મન,

કાળ માયા કર્મનું, વ્યાપે નહિ વિઘન;

મૂર્તિ તમારી સુખકારી, જીવન જાણું છું,

છો અવતારના અવતારી, જીવન જાણું છું.

“એમ અનેક રીતે એ મૂર્તિની અંદર ચિત્તની વૃત્તિ પરોવાઈ જાય તો મૂર્તિ બંધાઈ જાય.

“ધરમપુરનાં કુશળકુંવરબાએ પણ એમ જ કર્યું હતું. મહારાજને એક વખત તેમણે પૂછ્યું કે, ‘મહારાજ! તમે કાગળમાં લખો છો કે અનિર્દેશથી લિખાવિતં સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ, તે અનિર્દેશ એટલે શું?’ ત્યારે મહારાજ અનિર્દેશ એટલે શું એ સમજાવવા કુશળકુંવરબા સામે ઊભા રહ્યા અને વાત કરી. પણ તે તો એટલામાં મહારાજની મૂર્તિ જોતાં જાય અને અંતરમાં ઉતારતાં જાય. એમ જો ભગવાનનું એવું શ્રવણ, મનન, નિદિધ્યાસ કર્યું હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે. પણ એવો આગ્રહ રાખીને મંડવું જોઈએ. જોયા જેવી તો એક ભગવાનની મૂર્તિ જ છે. એ સિવાય બીજું કાંઈ જ નથી. માટે બહાર પ્રત્યક્ષ જે મૂર્તિ જોઈ હોય તેને અંતરમાં ઉતારવી અને મૂર્તિનો આનંદ લેતાં શીખવું.”

ચિંતામણિ 🏠 home