કળશ ૮

વિશ્રામ ૪૬

પૂર્વછાયો

કહે અચિંત્યાનંદજી, મહીનાથ સુણો ધરિ મન;

આચારજ બે સ્થાપિયા, કહું એહ કથા પાવન. ૧

ચોપાઈ

જ્યારે રાત્રિ દશમ તણિ થઈ, પ્રભુ બેઠા પલંગ પર જઈ;

પોતે ધારેલું કરવાનું કામ, કરિ ઇચ્છા તે શ્રીઘનશ્યામ. ૨

પછિ સદગુરુઓને બોલાવ્યા, મોટા સત્સંગીયોને તેડાવ્યા;

પુછિ સર્વને સંમતિ એવી, કેને ધર્મ તણી ધુર1 દેવી. ૩

ત્યારે સૌ જન ઉચ્ચર્યા એમ, કરો આપ દિલે રુચે જેમ;

એવું સાંભળિને કહ્યું હરિએ, સદગુરુઓને આચાર્ય કરિએ. ૪

બોલ્યા સદગુરુઓ જોડી હાથ, એમ ધર્મ રહે નહિ નાથ;

જુઓ શંકરસ્વામિની વાત, કર્યા ગાદિપતી તો શ્રિપાત.2

લખ્યા ધર્મ સંન્યાસિન જેહ, તલમાત્રે રહ્યા નહિ તેહ;

વસ્ત્ર ભગવાં કર્યાં જરિયાની, કડાં કંઠી ધરે છે સોનાની. ૬

સંન્યાસીને જે કાંચન આપે, જાય નરકમાં તે તેહ પાપે;

એવું શંકરસ્વામિએ કહ્યું, તે તો પાળવાનું નવ રહ્યું. ૭

વિધવાઓ કરે પગસેવા, થયા સંન્યાસી આચાર્ય એવા;

માટે સ્થાપો આચાર્ય ગૃહસ્થ, ધર્મ પાળે પળાવે તે સ્વસ્થ. ૮

કદિ એમ કહો મહારાજ, આચારજ જે ગૃહસ્થ છે આજ;

તેઓમાં પણ સદ્ધર્મ ક્યાં છે, વ્યભિચારાદિ દોષ તેમાં છે. ૯

તેનું કારણ તો એક એ છે, સ્ત્રિયોને મંત્ર ઉપદેશ દે છે;

માટે એવા આચારજ જોઇએ, પરનારિથિ બોલે ન કોઇએ. ૧૦

વળિ જો કહેશો આપ એમ, ત્યાગિના ગુરુ ગૃહસ્થ કેમ;

કહિએ તે વિષે સુવિચાર, શ્રુતિ શાસ્ત્ર તણે અનુસાર. ૧૧

થાય છે પ્રથમાશ્રમધારી, ત્રણ વર્ણ જ્યારે બ્રહ્મચારી;

હોય આચાર્ય ગૃહસ્થ જેહ, ઉપદેશ તો આપે છે એહ. ૧૨

કહે છે તજજે સ્ત્રીનો સંગ, એકમુક્ત3 થૈ તજજે પલંગ;

ગૃહસ્થાચાર્ય એમ કહે છે, બહુ સાંભળી બાઢં4 વદે છે. ૧૩

રાખે શિખા જનોઇ જે કોય, તેનો આચાર્ય ગૃહસ્થ હોય;

શિખા સૂત્ર તજે થૈ ઉદાસી, તેનો આચાર્ય થાય સંન્યાસી. ૧૪

વેદસૂત્રનો એ છે આધાર, ત્યાગીને ગૃહી દીક્ષા દેનાર;

વળિ પત્ની આચાર્યની જેહ, લૈને આજ્ઞા પતી તણિ તેહ. ૧૫

સ્ત્રીયોને મંત્ર ઉપદેશ દેશે, તેથિ સર્વેનો ધર્મ રહેશે;

વંશપરંપરાનો વિચાર, કરવો ઘટે છે એહ ઠાર. ૧૬

કદિ એક જ ગાદિ સ્થપાય, અને આચાર્ય ઉન્મત થાય;

તેહ ધર્મ વિષે નવ રહે, શિષ્યો ક્યાં જઇને દુઃખ કહે. ૧૭

માટે આચાર્ય સ્થાપવા બેય, અન્યોઅન્યને દાબે રહેય;

ધર્મવંશી છે વિપ્ર પવિત્ર, ધર્મવંત છે સર્વના મિત્ર. ૧૮

તેમાંથી બેને દત્તક કરો, તેઓને નિજ ગાદિએ ધરો;

છે તો સર્વજ્ઞ શ્રીઘનશ્યામ, સૌને પૂછિ લીધું તોય આમ. ૧૯

બેય ભાઇને બોલાવી પાસ, પછિ એમ બોલ્યા અવિનાશ;

આપો પુત્ર તમારો અકેક, ગાદિનો કરવા અભિષેક. ૨૦

મોટા ભાઇએ આણિ આહ્લાદ, આપ્યા પુત્ર અયોધ્યાપ્રસાદ;

નાનાભાઇએ શ્રીરઘુવીર, આપ્યા પુત્ર ધરી મન ધીર. ૨૧

શ્રીહરિ હરિજનને કહેય, કરો દેશ તણા ભાગ બેય;

ભાગ ઉત્તર દેશનો જેહ, ગણો નરનારાયણ તણો તેહ. ૨૨

દેશ લક્ષમીનારાયણ તણો, તે તો દક્ષિણ ભાગને ગણો;

પછિ ભક્તોએ બે ભાગ પાડ્યા, જેમ શ્રીજિએ મનમાં સુજાડ્યા. ૨૩

કલકત્તાથી દ્વારિકા ધામ, લખ્યા વચમાં સીમાડાનાં ગામ;

ભાગ ઉત્તર દક્ષિણ કરી, પછિ ચીઠીયો તે માંહિ ધરી. ૨૪

આવ્યો ચીઠીયોથી હે નરેશ, રઘુવીરને દક્ષિણ દેશ;

ચિઠી નાંખી ફરી પાંચ વાર, દેશ આવિયા એ જ પ્રકાર. ૨૫

અક્ષરાનંદને કહે હરિ, કહું તે સાંભળો ચિત્ત ધરી;

કરશું કાલ દત્તવિધાન,5 દેશું આચાર્યપદવીનું દાન. ૨૬

થશે દ્વાદશીનો દિન જ્યારે, સાધુ વિપ્ર જમાડશું ત્યારે;

માટે સામાન કરજો તૈયાર, વિપ્ર આવશે જમવા અપાર. ૨૭

ધર્મદેવનો જન્મ છે કાલ, તેનો ઉત્સવ કરવો વિશાળ;

મુનિ બોલ્યા નમાવીને શીશ, આપ આજ્ઞા પ્રમાણે કરીશ. ૨૮

ઉમરેઠમાં જેનો નિવાસ, હરીભાઇને બોલાવ્યા પાસ;

કહે કૃષ્ણ અહો વિદવાન, કાલે કરવું છે દત્તવિધાન. ૨૯

માટે છે કાલ મુહુરત કેવું, કહો જોઇ જથારથ જેવું;

હરિભાઇએ જોઈને કહ્યું, કાલે મુહુરત સારું છે બહુ. ૩૦

તમે છો પ્રભુ સર્વજ્ઞ સ્વામી, આપે ધાર્યું એમાં નોય ખામી;

ત્યારે ઉચ્ચર્યા વિશ્વ આધાર, સર્વ સામગ્રિ કરજો તૈયાર. ૩૧

સુણિ સૌ પગે લાગીને ગયા, પરમેશ્વર પણ પોઢી રહ્યા;

જ્યારે જાગીને ઉઠ્યા પ્રભાતે, નિત્ય કર્મ કર્યું ભલી ભાતે. ૩૨

વેદપુરુષ હરીભાઈ નામ, પ્રેમે બોલ્યા કરીને પ્રણામ;

દત્તપુત્રનું કરવા વિધાન, પધારો પ્રભુ મંડપ સ્થાન. ૩૩

સર્વ સામગ્રી કીધી તૈયાર, ભાઇ બેય બેઠા છે તે ઠાર;

અયોધ્યાપ્રસાદ રઘુવીર, આવિ બેઠા છે પરમ સુધીર. ૩૪

ગયા મંડપમાં ભગવાન, કર્યું શાસ્ત્ર પ્રમાણે વિધાન;

તેનિ રીતી કહું રાય સુણ્ય, કીધાં વિપ્રનાં પ્રથમ વરુણ. ૩૫

પ્રભુએ કર્યું વિષ્ણુપૂજન, આચાર્યે કર્યું અગ્નિ સ્થાપન;

કરી સર્વે કુશાંડીની6 રીત, ચડાવ્યો ચરુ7 ધારીને પ્રીત. ૩૬

ભાઈ બે પુત્ર આપવાવાળા, તેણે પૂજ્યા ગણેશ સુંઢાળા,

પછિ શ્રીજિનું પૂજન કીધું, દાન બંન્યોએ પુત્રનું દીધું. ૩૭

દેવસ્ય ત્વા ભણી મંત્ર નાથ, ઝાલ્યા બે દત્તપુત્રના હાથ;

વસ્ત્ર ભૂષણથી શણગાર્યા, પ્રભુએ નિજ પાસ બેસાર્યા. ૩૮

પછિ પુત્ર પ્રતિગ્રહ અંગે, કર્યા હોમ આચાર્યે ઉમંગે;

કરિ હોમ સમાપન ત્યાંય, દિધિ આચાર્યને દક્ષિણાય. ૩૯

વિપ્ર ભોજન સંકલ્પ કરી, હૈયા માંહી રાજી થયા હરી;

પછિ ગાદી તણો અધિકાર, આપ્યો તેનો કહું છું પ્રકાર. ૪૦

હરિમંડપ છે જેહ સ્થાન, તેની આગળ મોટું મેદાન;

પાસે પાસે બે પાટ્યો ઢળાવી, તકિયા અને ગાદિ બિછાવી. ૪૧

તહાં આવ્યા પછી કૃપાનાથ, બેઉ પુત્ર તણા ગૃહી હાથ;

તેને વેદવિધી અનુસાર, સોંપ્યા ગાદી તણા અધિકાર. ૪૨

ઉભા પશ્ચિમાભિમુખ નાથ, પાટ દક્ષિણમાં ડાબે હાથ;

તહાં બેસાર્યા શ્રીરઘુવીર, જાણિ ધર્મધુરંધર ધી૨. ૪૩

પાસે ઉત્તરમાં બિજિ પાટ, માંડેલી બિજા પુત્રને માટ;

ત્યાં અયોધ્યાપ્રસાદ બેસાર્યા, મહા ધર્મધુરંધર ધાર્યા. ૪૪

બેઠા પૂર્વ મુખે તેહ બેય, બેય ઈશ્વરમૂર્તિયો છેય;

શોભે વસ્ત્ર આભૂષણ અંગે, કડાં આદિ જડેલાં છે નંગે. ૪૫

હરિઆજ્ઞાથી ચામર ધારી, ઉભા બે પાસે બે બ્રહ્મચારી;

રઘુવીર પાસે રહ્યા જેહ, અખંડાનંદ નામે છે એહ. ૪૬

બીજા વાસુદેવાનંદ જાણો, પાસે અવધપ્રસાદ પ્રમાણો;

ઉભા કુબેરજી છડી લૈને, તે તો અવધપ્રસાદના થૈને. ૪૭

વટપત્તનના પ્રભુદાસ, છડિ લૈ ઉભા રઘુવીર પાસ;

પોતપોતાના આચાર્ય તણો, જયજયકાર ઉચ્ચારે તે ઘણો. ૪૮

શિર અવધપ્રસાદને છત્ર, જોરાજીયે ધર્યું ભલું તત્ર;

રઘુવીરને ગૂમાનજીએ, ધર્યું છત્ર તે રૂડિ રીતીએ. ૪૯

બેય પુત્રમાં શ્રીબળવંતે, મુક્યું તેજ પોતાનું અત્યંતે;

જેવિ સૂર્યશશી તણિ જોડ, લાજે દેખિને કંદર્પ8 ક્રોડ.9 ૫૦

રાજે અદ્‌ભૂત રૂપ અંબાર, કોણ માત્ર અશ્વિનીકુમાર;

રામ લક્ષ્મણની જોડ જેવી, ઉપમા ભલી સંભવે એવી. ૫૧

જેવા પ્રદ્યુમ્ન ને અનિદ્ધ, એવા શોભે વિશેષ વિબુદ્ધ;

પૂજા શ્રીજિએ બેયની કીધી, પછિ આરતી હાથમાં લીધી. ૫૨

આરતી બેયની ત્યાં ઉતારી, જેજેકાર વદે નરનારી;

તહાં વાજિંત્ર વાજે અપાર, થાય બંદુક કેરા બહાર. ૫૩

છાયાં દેવ વિમાન આકાશ, કરે પુષ્પની વૃષ્ટિ ચોપાસ;

નાચે અપસરા ગાંધર્વ ગાય, સૌના હૈયામાં હરખ ન માય. ૫૪

હરિમંડપમાં હરિ પેઠા, કઠેરામાં સિંહાસને બેઠા;

બેસે મંચ ઉપર હરિ જેમ, નીચે શ્રેષ્ઠ સભા થાય તેમ. ૫૫

કઠેરામાં રાજે ભગવંત, સભા ચોકમાં શોભે અત્યંત;

જન નિરખે હજારો હજાર, બોલ્યા એ સમે વિશ્વ આધાર. ૫૬

તાળિ પાડી કહે ભગવાન, સુણો સૌ જન થૈ સાવધાન;

કર્યો છે અમે દેશ વિભાગ, કલકત્તા થકી બેટ10 લાગ.11 ૫૭

વચ માંહિ સિમાડાનાં ગામ, તેનાં જાણિ લહો સુણિ નામ;

તેને લૈને દક્ષિણ દેશ જેહ, લક્ષમીનારાયણનો છે તેહ. ૫૮

જન જેહ નિવાસિ છે તેના, રઘુવીર આચારજ એના;

એથિ ઉત્તર દેશ પ્રમાણો, નરનારાયણનો તે જાણો. ૫૯

તેના આચાર્ય અવધપ્રસાદ, એમ બાંધી છે મેં મરજાદ;

પોતપોતાના આચાર્ય તણું, કરો પૂજન પ્રીતથી ઘણું. ૬૦

એને પ્રેમથી પૂજશો તમે, પૂજા માની લેશું તે તો અમે;

સંત હરિજનના સમુદાય, એની આજ્ઞામાં રહેજો સદાય. ૬૧

બ્રહ્માનંદમુની જે પ્રમાણો, જીભ અવધપ્રસાદની જાણો;

હસ્ત માનુભાવાનંદ જેહ, બીજા વર્ણિ વાસુદેવ તેહ. ૬૨

નિત્યાનંદ ને અખંડાનંદ, ભાઇ જે સોમપ્રકાશાનંદ;

રઘુવીરજીનાં એ તો અંગ, એક જીભ ભુજા બે છે સંગ. ૬૩

તેઓયે રહેવું તેહ પાસે, કહે કામ તે કરવું હુલાસે;

બે બે સદ્‌ગુરુ જે કહ્યા સંત, વળિ તેને કહે ભગવંત. ૬૪

નિજ આચાર્યની પાસે આવો, સૌને તેઓની પૂજા કરાવો;

સુણિ આજ્ઞા તે શીશ ચડાવી, પાસે રહીને પૂજાઓ કરાવી. ૬૫

પછી સૌ સંત પૂજવા આવ્યા, ચર્ચિ ચંદન હાર ચડાવ્યા;

લાગ્યા પૂજવા સૌ હરિજન, અર્પે ભૂષણ વસ્ત્ર ને ધન. ૬૬

જોઇ જોઇ શ્રીજિ રાજી થાય, તેમ હરિજન મન હરખાય;

એ જ ચોક ભાગે ઉતરાદે, સ્ત્રીઓની સભા થૈ મરજાદે. ૬૭

પત્નિ અવધપ્રસાદની જેહ, સતી નામે સુનંદા છે તેહ;

વીરજા રઘુવીરની નારી, જે છે પરમ પતિવ્રત ધારી. ૬૮

સાંગામાંચિયોયે12 બેઠાં બેય, બેય આચાર્યની રીતે તેય;

સભા તેઓ સમીપ ભરાઈ, બેઠિ હરિજન ત્યાં બહુ બાઈ. ૬૯

હરિભક્તને બોલાવ્યા શ્યામે, કહું તેહ તણાં સુણો નામે;

દામોદર તો શ્રીપૂરના જાણો, મેમદાવાદના ભાઇ ભાણો. ૭૦

વનમાળિ તો પીજ નિવાસી, તેઓ પ્રત્યે કહે અવિનાશી;

જૈને બાઇયોને સમઝાવો, પૂજવા તણી રીત બતાવો. ૭૧

નિજ આચાર્યપત્નિને પ્રીતે, પૂજે બાઇયો તે રૂડી રીતે;

પછી તેઓયે જૈ કહ્યું જેમ, બાઇયોએ પૂજા કરી તેમ. ૭૨

નામે રેવા ને જમનાજિ બાઈ, નડિયાદ વસોનિ ગણાઈ;

વીરજાજી પાસે ઉભાં આવી, સર્વ બાઇયોને પૂજા કરાવી. ૭૩

ઉંઝાની દ્વિજ કુંવર્યબાઈ, રહે એક જ શિંઘોડું ખાઈ;

તેહ બાઈ તથા ગંગામાય, સુનંદાની કરાવે પૂજાય. ૭૪

ધર્મદેવના જન્મનું ટાણું, તહાં મધ્યાન કાળે ગણાણું;

ભલો ઉત્સવ તેહનો કર્યો, અતિ જનમન આનંદ ભર્યો. ૭૫

પુષ્પિતાગ્રાવૃત્ત

સહજ13 તનુજ14 દત્તપુત્ર લીધા, પ્રભુ નિજ ગાદિ તણા અધીશ કીધા;

ચરિત પુનિત કૃષ્ણ કેરું સારું, સ્મરણ કર્યાથિ સુસૌખ્ય આપનારું. ૭૬

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિનિજસંપ્રદાય-આચાર્યસ્થાપનનામ ષટ્ચત્વારિંશત્તમો વિશ્રામઃ ॥૪૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે