કળશ ૮

વિશ્રામ ૨૬

પૂર્વછાયો

વરુણ વિપ્ર તણાં કર્યાં, તેને ચંદન ચરચ્યાં ભાલ;

ચાંદલે અક્ષત1 ચોડિયા, કંઠે ધારી કુસુમની માળ. ૧

ચોપાઈ

વસ્ત્ર કંકણ કુંડળ કાને, મુદ્રિકાઓ દીધી ભગવાને;

ગૌમુખી જળપાત્ર આસન, આપ્યાં ઉપવીત ને આપ્યાં ધન. ૨

હરિભાઈ આચારજે તત્ર, બાંધ્યું કૃષ્ણને કૌતુકસૂત્ર;2

કર્યું વર્દ્ધનિ કળશપૂજન, મહા ઉત્સાહ લાવિને મને. ૩

પુષ્પ પત્ર વડે શણગાર્યો, હરિએ તે કળશ કર ધાર્યો;

ધર્મવંશી સરવ મળ્યા ત્યાંય, ઘણા વાજિંત્રના ઘોષ થાય. ૪

વેદમંત્ર દ્વિજો ઉચ્ચરે છે, શ્યામ સાથે સહૂ સંચરે છે;

ફર્યા મંડપને પરમેશ, કર્યો પશ્ચિમ દ્વારે પ્રવેશ. ૫

મુક્યો કળશ તે ઈશાનમાંય, પંચગવ્ય3 છાંટ્યું બધે ત્યાંય;

પછી નીકળ્યા મંડપ બારે, કર્યું પૂજન તોરણ દ્વારે. ૬

જાણી મંડપના રખવાળ, સ્થાપ્યા પૂજ્યા દશે દિગપાળ;

સ્તંભ આદિકના દેવ જેહ, પૂજ્યા શ્રીહરિએ સહુ તેહ. ૭

હસ્ત પાવ પ્રક્ષાલન4 કરી, બેઠા મંડપમાં સહુ ઠરી;

અગ્નિકોણના પીઠ ઉપર, સ્થાપ્યા ગણપતિ ગૌરીકુંવર. ૮

પીઠ નૈરુત કોણમાં જ્યાંય, વાસ્તુદેવ થાપ્યા પૂજ્યા ત્યાંય;

મધ્ય ભાગનું પીઠ જે ઠર્યું, સર્વતોભદ્ર ત્યાં દ્વિજે કર્યું. ૯

તેના દેવ થાપ્યા ભગવાને, તેને પૂજ્યા ઘણા સનમાને;

કુંડની ત્રણ મેખળા5 જેહ, ધોળી રાતિ કાળી હતી તેહ. ૧૦

વિષ્ણુ બ્રહ્મા ને રુદ્ર ત્યાં ધારી, તેની પૂજા કરી અઘહારી;

પૂજા કુંડ તણી કરિ પ્રીતે, સ્થાપ્યો અગ્નિ કુશાંડિનિ6 રીતે. ૧૧

પછિ તેમાંથિ પાવક લૈને, બીજા ત્રણ કુંડમાં સ્થાપ્યો જૈને;

ચારે વેદના કર્મઠ7 જેહ, કર્યાં પૃથક્ પૃથક્ કુંડે તેહ. ૧૨

હતું ઈશાનમાં પીઠ જ્યાંય, ગ્રહસ્થાપન તો કીધું ત્યાંય;

પછિ મંદિરમાં પરવરી, વાસ્તુ ચોસઠ પદ પૂજા કરી. ૧૩

આવી મંડપમાં રુડી રીતે, કર્યો હોમ તે પૂરણ પ્રીતે;

જવ તલ ફળ ફૂલ સમીધ, વિપ્રે હોમિયાં તે વિધવીધ. ૧૪

પરનાળે હોમાવિયાં ઘીય, કોઇ વાત ન રાખિ કમીય;

હુતદ્રવ્ય હોમ્યાં નિરદોષ, પામ્યા દેવતા સર્વ સંતોષ. ૧૫

બેઠા મંડપે વૃષકુળભૂ૫, ભાસે એ સમે અકળ સ્વરૂપ;

જે જે દિશથી જનો જોવા જાય, નિજ સન્મુખ શ્રીજી જણાય. ૧૬

વળી ધરિયાં ત્યાં રૂપ અનેક, કહું સાંભળો તેનો વિવેક;

સભામંડપમાં સભા ભરી, બેઠા દેખે જનો સહુ હરી. ૧૭

પાકશાળાએ જૈ જુવે કોય, પ્રભુ ત્યાં પણ પ્રત્યક્ષ હોય;

સંઘ ઊતર્યા છે વળિ જ્યાંય, લેતાં સંભાળ દેખાય ત્યાંય. ૧૮

કોઇ દેખે નાવા જતા નાથ, ઘણા સંત હરિજન સાથ;

હરિ દેખાય છે ઠામે ઠામ, જનો જોઇને આશ્ચર્ય પામે. ૧૯

સતસંગિ કુસંગિ અપાર, તહાં આવ્યાં હતાં નરનાર;

કોઇ આવ્યા હતા કાંઇ રળવા, કોઇ આવ્યા સંબંધિને મળવા. ૨૦

કોઇ આવ્યા હતા જોવા મેળો, કોઇ આવેલો હરિજન ભેળો;

પણ પેખિ પ્રભુનો પ્રતાપ, દૈવી જીવનાં તો ગયાં પાપ. ૨૧

તેથી તે હરિઆશ્રિત થયા, અળગા આસુરી જીવ રહ્યા;

કોઈ વૈષ્ણવ ને કોઈ શૈવ, કોઈ સૂર્ય ઉપાસે સદૈવ. ૨૨

કોઇ ગણપતિને ઇષ્ટ જાણે, કોઈ શક્તિની સેવા વખાણે;

કોઇ શ્રાવક મુસલમાન, સૌને નિજનિજ ઇષ્ટનું તાન. ૨૩

કૃપાનાથે એવું તહાં કીધું, સૌના ઇષ્ટરૂપે દર્શન દીધું;

મળિ લોક પરસ્પર પૂછે, કહી સ્વામિનું રૂપ કેવું છે. ૨૪

બોલ્યો ગણપતિના ઇષ્ટવાળો, હું તો દેખું છું દેવ દુંદાળો;

સમ ખાઈ કહું શત વાર, નથિ સંશય એમાં લગાર. ૨૫

શાર્દૂલવિક્રીડિત (શ્લેષાલંકાર)

  ભાલે ચંદ્ર ભલો દિસે ઉપવિતે અંગે ધર્યું ઊજળું,

  દીસે ઉજવળ દંત ને ઉદર તો ગંભીર ભાસે ભલું;

  સિદ્ધિ બુદ્ધિ સમીપ છે વળિ જુઓ ત્યાં લાભ ને લક્ષ8 છે,

  પુત્ર શ્રીવૃષદેવના9 ગણપતી પોતે જ પ્રત્યક્ષ છે. ૨૬

શ્રાવક બોલ્યો:

  ત્યાગી જોગિ તપસ્વી છે વળિ જુઓ હિંસા નિષેધે સદા,

  સાધુને નવ વાડ તો શિયળને માટે રખાવે મુદા;

  જેણે તીર્થ કર્યાં અનેક વળિ જે સૂત્રો10 મનાવે સહી,

  તે તીર્થંકર દેવ આ સમયમાં હું તો નિહાળું અહીં. ૨૭

મુસલમાન બોલ્યો:

  જેના મૂરિદ11 પાંચ વાર દિનમાં બેઠા કરે બંદગી,

  કૈકે તો ફરમાનથી ફકિર થૈ જોડી બધી જીંદગી;

  આભીહક્ક કહી જ ભક્ષ કરવા પેશાબિની ના કહી,

  તે પેગાંબર રૂપ આ વખતમાં હું તો નિહાળું અહીં. ૨૮

સૂર્યનો ઉપાસક બોલ્યો:

  જેનો પૂર્ણ પ્રતાપ વ્યાપ સઘળે છે પદ્મપાણી પ્રભુ,

  જેનું વાહન અશ્વ તે અનુપ છે વિશ્વાદિ જે તે વિભુ;

  જેના મંડળમાં હિરણ્યમય12 છે પ્રત્યક્ષ પ્રખ્યાત છે,

  જેને અર્ઘપ્રદાન સજ્જન કરે આ સૂર્ય સાક્ષાત છે. ૨૯

શક્તિઉપાસક બોલ્યો:

  જેણે મોહનિરૂપ રમ્ય ધરિને શત્રૂ છળ્યા દેવના;

  માર્કંડેય સમાન શ્રેષ્ઠ મુનિયો જેની સજે સેવના;

  જેથી કોટિક વિશ્વ એહ ઉપજ્યાં માતાપિતા તે સહી,

  હું તો દેવિ દયાળિ દેખું સહજાનંદસ્વરૂપી અહીં. ૩૦

વેદાંતી બોલ્યો:

  કોટી સૂર્ય તથા શશાંક સમજો આ તેજ દેખાય છે,

  એમાંથી જ અસંખ્ય વિશ્વ ઉપજે ને લીન ત્યાં થાય છે;

  એવું અદ્‌ભુત તેજ એ જ દરસે સાકાર ભાસે નહીં,

  બ્રહ્મજ્યોતિ જણાય શુદ્ધ સહજાનંદસ્વરૂપી અહીં. ૩૧

ઉપેન્દ્રવજ્રા

વૈષ્ણવ બોલ્યો:

રમાપતી રંગ સભા નિવાસી, રયા વદે અંગ રસાદિ રાશી;

સહેમ છે રંક શરે રિઝે છે, સખે મહામત્ત વ્રજેશ તે છે. ૩૨

  ટીકા: લક્ષ્મીના પતિ જે રંજનકારી સભામાં વસનારા તે આંહીં રહ્યા થકા નવ રસ આદિક સમુદાયનાં અંગ વિષે બોલે છે, હેમનાં ભૂષણ સહિત છે ને રાંકના ઉપર રીઝે છે, હે મિત્ર! મહાજોરવાળા વ્રજના ઈશ્વર તે શ્રીકૃષ્ણ આ છે.

શિવમાર્ગી બોલ્યો:

(ઉપરનો ઇંદ્રવજ્રા અવળો વાંચવાથી ઉપજાતિવૃત્તમાં વંચાશે.)

છે તે સજે વ્રત્ત મહા મખેશ, છે ઝેરિ રે શંકર છે મહેશ;

શિરાદિ સારંગ અદેવયાર, શિવાનિ જા સંગ રતીપ માર. ૩૩

  ટીકા: જે વ્રત કરે છે ને મોટા યજ્ઞના ઈશ્વર છે, જેને કંઠે ઝેર છે, એવા શંકર મહેશ તે છે, મસ્તક આદિક અંગે સરપ છે, બાણાસુર આદિક અસુરના મિત્ર છે અને જેને સંગે પાર્વતિની ભા કેતાં કાંતિ છે અને કામદેવના મારનાર છે.

ઉપજાતિવૃત્ત

એવી રિતે શ્રી વૃજવંશભૂપ, દીઠા સહૂએ નિજ ઇષ્ટ રૂપ;

તે રૂપ સર્વે હરિમાં સમાણાં, સર્વે તણું કારણ કૃષ્ણ જાણ્યા. ૩૪

તેથી જનોએ મત અન્ય છોડી, મહાપ્રભૂમાં દૃઢ પ્રીતિ જોડી;

સત્સંગનો એમ થયો વધારો, જનો થયા આશ્રિત ત્યાં હજારો. ૩૫

પછી પ્રભૂ મંદિર પાસ જૈને, વિશેષ સાથે દ્વિજવર્ય લૈને;

ચોફેર ધારા પય કેરિ દીધી, ત્રિઆવૃતી સૂત્રનિ ત્યાંય કીધી. ૩૬

પછી પ્રભૂએ દ્વિજને જમાડ્યા, સંતોષ મિષ્ટાન્ન દઈ પમાડ્યા;

સંતો જમાડ્યા સહુ સારિ રીતે, પોતે પરીવેષણ13 કીધું પ્રીતે. ૩૭

એ તો ક્રિયા એક દિને કરીને, બિજે દિને જેહ કરી ફરીને;

તે સાંભળો ભૂપ હવે સુણાવું, ઉત્સાહ ઝાઝો ઉર માંહિ લાવું. ૩૮

અન્યાદિનું પૂજન રુડિ રીતે, કર્યું પ્રભુએ પરિપૂર્ણ પ્રીતે;

જૈ સ્નાન ને મંડપ પીઠમાંય, સ્થાપ્યા વિધીવત્કળશો તહાંય. ૩૯

સર્વૌષધી પલ્લવ પંચ ધાર્યાં, ગંગાદિ તીર્થોદક તે ઉતાર્યાં;

તેનું કર્યું પૂજન રૂડિ રીતે, તીર્થો તણું ચિંતન રાખિ ચિત્ત. ૪૦

છાયાખ્ય છે મંડપ જેહ ત્રીજો, તહાં ગયા વેદ ભણેલ દ્વીજો;

ઘડી હતી મૂર્તિ સલાટ જ્યારે, પ્રાણીવધાદી કૃત દોષ ત્યારે. ૪૧

તે દોષનો નાશક એહ ટાણે, કર્યો તહાં હોમ વિધિ પ્રમાણે;

ત્યાં મૂર્તિયોને પછિ રૂડિ રીતે, પંચામૃત સ્નાન કરાવ્યું પ્રીતે. ૪૨

તે દેવને ત્યાં રથમાં ચડાવ્યા, વાજિંત્રના ઘોષ ઘણા કરાવ્યા;

ત્યાં શંખના નાદ અનેક થાય, સારા દ્વિજો ત્યાં શ્રુતિમંત્ર ગાય. ૪૩

છે સ્નાનનો મંડપ શુદ્ધ જ્યાંય, જૈ મૂર્તિયોને પધરાવિ ત્યાંય;

કુંભોદકે સ્નાન તહાં કરાવ્યાં, શિલ્પીકરે લોચન ઊઘડાવ્યાં. ૪૪

તે મૂર્તિનું પૂજન ત્યાં કરીને, નૈવેદ્ય નાનાવિધિનાં ધરીને;

પુરુષસૂક્તે સ્તુતિ તો ઉચ્ચારી, તે મૂર્તિયોને રથ માંહિ ધારી. ૪૫

વિપ્રો તણી મંડળ સાથ લીધી, પ્રદક્ષણા મંદિર કેરિ કીધી;

પછી મહામંડપ માંહિ આવી, વેદી વિષે મૂરતિયો ઠરાવી. ૪૬

જુદી જુદી ઢોલણિયો14 ઢળાવી, તળાઇ ઓછાડ ભલા બિછાવી;

પ્રત્યેક મૂર્તી તહિં તે સુવારી, ઓઢાડિ પ્રત્યેક રજાઈ સારી. ૪૭

તે દેવના મસ્તકની દિશાયે, સ્થાપ્યા સુનિદ્રાહ્વયકુંભ15 ત્યાં;

તે પાસ થાપ્યા શુભ શાંતિકુંભ, તેમાં ભર્યાં અમૃતતુલ્ય અંભ.16 ૪૮

સજ્યાથિ પશ્ચાજ્જળપાત્ર ધાર્યું, બે પાદુકા દર્પણ એક સારું;

ત્યાં ભક્ષ ને ભોજ્ય મુક્યાં અપાર, પોઢાડિયા શ્રીપ્રભુ તેહ ઠાર. ૪૯

તે કર્મ અંગે વળિ હોમ કીધો, દિશાપતીને બળિભાગ દીધો;

એ તો ક્રિયા વાર રવીનિ જાણું , હવે શશી17 વાસરની વખાણું. ૫૦

શુદી તિથી તો દશમી ગણાઈ, નિત્યક્રિયા સૌ કરિ સુખદાઈ;

અગ્ન્યાદિનું પૂજન તો કરીને, જગાડિ તે મૂરતિયો ફરીને. ૫૧

જ્યાં મધ્ય વેદી પર શોભનારું, છે સર્વતોભદ્ર કરેલ સારું;

ત્યાં મૂર્તિયોને પધરાવિ પ્રીતે, પૂજા કરી તે પછિ રૂડિ રીતે. ૫૨

તે ચાર કુંડો પ્રતિ બ્રાહ્મણીએ, કર્યો પછી હોમ તહાં ઘણોયે;

દ્વિજો તથા સંત સહૂ જમાડ્યા, આનંદ સૌને પ્રભુએ પમાડ્યા. ૫૩

એકાદશી મંગળવાર આવ્યો, મહાપ્રભૂના મન માંહિ ભાવ્યો;

અગ્ન્યાદિનું પૂજન તો કરીને, પછી તહાંથી વળિ સંચરીને. ૫૪

મંદિરની આગળ જૈ બિરાજ્યા, વિપ્રો તણાં મંડળ મધ્ય છાજ્યા;

સુયંત્ર ત્યાં અક્ષતથી કરાવ્યો, એકાશિ ખાનાં રચિને બનાવ્યો. ૫૫

એકાશિ એમાં કળશો ધરીને, તીર્થોનું આવાહન ત્યાં કરીને;

પૂજા કરી તેનિ કૃપાળુ નાથે, વિપ્રો ભણે ત્યાં શ્રુતિમંત્ર સાથે. ૫૬

તે કુંભના નીર વડે વિશેષ, પખાળ્યું દેવાલયને અશેષ;

મંત્રો ભણી મંદિર કેરું પ્રીતે, કર્યું અધીવાસન18 રૂડિ રીતે. ૫૭

મહાપ્રભૂ મંદિરને કહે છે, જહાં લગી સૂર્ય શશી રહે છે;

તહાં સુધી તું રહેજે અખંડ, પાપો જનોનાં હરજે પ્રચંડ. ૫૮

તે કર્મ અંગે કરિ હોમ ત્યાંય, પછી પુજા મંદિરની કરાય;

સુપુષ્પપત્રે શણગારિ સારું, ધ્વજા ચડાવી સુણ તે ઉચારું. ૫૯

પુષ્પિતાગ્રાવૃત્ત

શ્રુતિમતપથ થાપનાર્થ કાજે, નરતનુ ધારિ દયાળુ રાજરાજે;

નિજકર કૃતિ તે કરી બતાવી, સહુ જન જેથિ કરે જ ચિત્ત લાવી. ૬૦

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીલક્ષ્મીનારાયણાર્થે-પ્રાસાદાધિવાસનનિરૂપણનામ ષડ્‌વિંશતિતમો વિશ્રામઃ ॥૨૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે