કળશ ૭

વિશ્રામ ૮

પૂર્વછાયો

રણ વિષે રસ્તો પડ્યે, ચાલ્યા ભુજથી ગુર્જર દેશ;

ભક્તિતનૂજ ભચાઉ થૈ, આવ્યા આધોઈમાં અખિલેશ. ૧

ચોપાઈ

રાયધણજીના દરબારમાંય, ત્રિભુવનપતિ ઉતર્યા ત્યાંય;

કર્ણિબા કહે છે કરતાર, થાળ થાતાં તો લાગશે વાર. ૨

દહીં સાકર આપિયે અમે, જમો તે જગજીવન તમે;

દહીં સાકર લૈ હરિ જમ્યા, નિજભક્ત તણે મન ગમ્યા. ૩

કર્યો વર્ણિ મુકુંદે ત્યાં થાળ, જમ્યા તે પછી દીનદયાળ;

પછી પોઢ્યા પ્રભુજી પલંગે, બાઈયે પદ નિરખ્યા ઉમંગે. ૪

કાંટા વાગેલા તેમાં નિહાળી, કાઢવા બેઠાં તેહ સંભાળી;

કરણી બાઈયે તેહ વાર, કાંટા કાઢ્યા ગણીને અઢાર. ૫

સ્નેહે ચિહ્ન નિહાળીયાં સોળ, એથિ આનંદ ઉપજ્યો અતોળ;

જોઈ ચાપનું1 ચિહ્ન તે ઠાર, ઉપજ્યો ઉર માંહિ વિચાર. ૬

એહ અંઘ્રિ2 જુવે ન કોઈ, નિશ્ચે જાણે પ્રભુપદ જોઈ;

પ્રભુ વિણ પદ ચાપ ન હોય, સમઝે એમ તો સહુ કોય. ૭

ધનુષપ્રબંધ: દોહરો

ભાસે ભાળી ચાપ પ્રભુ, પ્રભુ અંઘ્રિ સત્ય એહ;

ધારે સ્નેહી જેહ જન, ભાળી પ્રભુ સહ સ્નેહ. ૮

धनुषप्रबंध

Image

ચોપાઈ

પછી પ્રેમ ઘણો દિલ લાવી, મહાપૂજાની વસ્તુ મગાવી;

કર્યું પૂજન સોળ પ્રકારે, વસ્ત્ર પહેરાવિયાં ભારે ભારે. ૯

રાયધણજી તહાં રુડી રીતે, પ્રભુજીને પગે લાગ્યા પ્રીતે;

ભાઈ જેમલજી ને હિંદુજી, નમ્યા તે પ્રભુના પગ પૂજી. ૧૦

ચોથા ભાઈની વિધવા જેહ, કરણીબાઈ કહીયે તે;

કહે ચારેને શામ સુજાણ, યજ્ઞ કરશું અમે જૈ ડભાણ. ૧૧

તમે પણ તહાં આવવા કાજ, કરો તૈયારી હૈ સુખસાજ;

આજ્ઞા સાંભળીને એહ વાર, થયાં ચારે જણાં તે તૈયાર. ૧૨

સુતા જેમલજી તણી જેહ, બોલી બે કર જોડીને તેહ;

હુંય આવીશ કાકી સંઘાત, ત્યારે બોલ્યો તહાં તેનો તાત. ૧૩

તમે તો ન ડભાણ અવાય, આણું આવે તે તો પાછું જાય;

કહે બાઈ ડભાણ મોઝાર, કરે લીલા જગત કરતાર. ૧૪

એહ જોવાની છે ઘણી આશ, માટે મુજને ન કરશો નિરાશ;

બહુ બાઈયે હઠ કર્યો જ્યારે, ત્રિભુવનપતિ બોલીયા ત્યારે. ૧૫

બાઇ બેય રહો આંહિ તમે, એક વરદાન આપિયે અમે;

જે જે લીલા ડભાણમાં થાશે, તમને ઘેર બેઠાં દેખાશે. ૧૬

એવું સાંભળીને શુભ પેર, રાજી થૈને રહ્યાં બેય ઘેર;

બીજા સૌ સાથે શ્રીજી સિધાવ્યા, માળિયામાં મહાપ્રભુ આવ્યા. ૧૭

ખાખરેચિ ગયા જગરાયા, ઘોડાં ત્યાંના તળાવમાં પાયાં;

ત્યાંથી વાંટાવદર ગયા વાલો, ત્યાંથી હળવદ ધર્મનો લાલો. ૧૮

બેઠા કાંઠે તળાવને જૈને, આવ્યા સત્સંગી સામૈયું લૈને;

વાજતે ગાજતે રુડી પેર, ઉતર્યા દવે ઈશ્વર ઘેર. ૧૯

પેંડા બરફી કે સાકર લૈને, હરિભક્તો ધરે પાસે જૈને;

લૈને સૌનું કરે અંગીકાર, જમ્યા આશરે તે મણભાર. ૨૦

શિવજાની બોલ્યા શુભ પેર, ચાલો જમવા પ્રભુ મુજ ઘેર;

પ્રભુ ત્યાં પણ જમવાને ગયા, જન જોઈને વિસ્મિત થયા. ૨૧

ઉપજાવિને સૌને આનંદ, ગયા ધ્રાંગધરે ધર્મનંદ;

ગયા મેથાણમાં કરી મહેર, પુજાભાઈ ઝાલા તણે ઘેર. ૨૨

તેનો ભાળીને ભાવ વિશેષ, પાંચ દિવસ રહ્યા પરમેશ;

નિરખી પછી ખેરવા નગરી, જોઈ ત્યાં થકી જૈને રામગરી. ૨૩

દદુકે થઈને મછિયાવ, ગયા નેહથી નટવરનાવ;

દાજીભાઈ તણે દરબાર, ભાવે ઉતર્યા ભક્તિકુમાર. ૨૪

મુકુંદાનંદે ત્યાં કર્યો થાળ, જમ્યા પ્રીતથી જનપ્રતિપાળ;

ત્યાંથી ચાલિયા ત્રિભુવનનાથ, ગયા જેતલપુર જન સાથ. ૨૫

ગંગામાએ કર્યો તહાં થાળ, જમ્યા જુક્તિયે દીનદયાળ;

ગયા ત્યાં થકી મેમદાવાદ, રહ્યા ત્યાં પણ દિવસ એકાદ. ૨૬

વિપ્ર દુર્લભરામને ઘેર, જમ્યા થાળ પ્રભુ શુભ પેર;

ગયા ત્યાં થકી દેવ ડભાણ, જન પ્રેમીના જીવનપ્રાણ. ૨૭

મુક્તાનંદ ને બ્રહ્માનંદ, મુનિ પામ્યા અત્યંત આનંદ;

કહે કૃષ્ણ વચન ચિત્ત ધરો, યજ્ઞસામાન પુષ્કળ કરો. ૨૮

વળિ વેરાગિયોનું છે વેર, ઝાઝું રાખે છે આંખમાં ઝેર;

માટે હથિયારના બાંધનાર, લોક તેડાવી લેજો અપાર. ૨૯

વરતાલ તથા બામણોલી, ત્યાંના તેડાવજો ઘણા કોળી;

વળી શેલડી ને સંજાયે, લખજો તમે કાગળ ત્યાંયે. ૩૦

ઘોડાસર હાથરોલીયે આજ, અમે પણ જશું એહ કાજ;

તહાં દિવસ થશે દશબાર, ત્યાંથી લાવશું પાળા ને સ્વાર. ૩૧

કહિ એમ ચાલ્યા અવિનાશ, રાખ્યા વર્ણિ મુકુંદને પાસ;

વાટે જાતાં બોલ્યા વૃષનંદ, તમે સાંભળી વર્ણિ મુકુંદ. ૩૨

સદ્ય જાશું ઘોડાસર અમે, ધીમે ધીમે ત્યાં આવજો તમે;

કહી એમ સિધાવિયા શ્યામ, ગયા તરત ઘોડાસર ગામ. ૩૩

ત્યાંના રાજાને ખબર હતી, આંહિ આવશે સંતનો પતી;

એણે દીઠા જ્યારે અવિનાશ, જાણ્યું છે અવિનાશીના દાસ. ૩૪

કહ્યું ભૂપતિયે બાપો3 ક્યાં છે? કહે કૃષ્ણ તે મારગમાં છે;

અમે આગળથી ચાલી આવ્યા, તમ અર્થે પ્રસાદી આ લાવ્યા. ૩૫

કહે ભૂપતિ બાપો છે કેવા, કહે કૃષ્ણ તે છે અમ જેવા;

સાધુ જાણી પ્રણિપત4 કીધી, આપી મિષ્ટ પ્રસાદી તે લીધી. ૩૬

રાજા જાલમસંઘજી નામ, અતિ રાજી થયા એહ ઠામ;

ચાલ્યા ત્યાંથી ઉતાવળ કરી, હાથરોલીને મારગે હરી. ૩૭

આવ્યા વર્ણીજી તે સમે ત્યાંય, બાપો આ આવ્યા બોલિયો રાય;

બ્રહ્મચારી તે બોલિયા ત્યાંહી, બાપો આગળ આવ્યા છે આંહીં. ૩૮

પછવાડે હું તો રહી ગયો, આંહિ પણ પ્રભુ ભેળો ન થયો;

થયો રાજાને સુણતાં ઉતાપો, અહીં આવી ગયા એ જ બાપો. ૩૯

કહ્યું બાપો છે મુજ સમાન, પણ આપણને નાવ્યું ભાન;

પછી અશ્વે તે અસ્વાર થયા, પુછતા પ્રભુ પાછળ ગયા. ૪૦

હાથરોલીને મારગે જઈ, પ્રણમ્યા પ્રભુને ભેળા થઈ;

કહ્યું ઘોડે બેસો મહારાજ, આપ આગળ ચાલું હું આજ. ૪૧

સુણી બોલ્યા મહામુનિરાય, ઘોડા ઉપરથી તો પડાય;

ભૂપ ઘોડાને દોરીને ચાલ્યો, ત્યારે ઘોડે બેઠા ધર્મલાલો. ૪૨

એમ હાથરોલી ગયા હરી, થોડા દિવસ તહાં રહ્યા ઠરી;

ઉતર્યા ભગુ ખાંટને ઘેર, ત્યાં તો કૃષ્ણે કરી લીલાલહેર. ૪૩

સંતમંડળ સર્વ તેડાવ્યાં, આજ્ઞા સાંભળીને સહુ આવ્યા;

આવ્યું પ્રથમ જ સંતનું વૃંદ, મુખ્ય તેમાં માનુભાવાનંદ. ૪૪

આવ્યો સોરઠનો સંઘ ધાઈ, બહુ તેમાં હતાં બાઈ ભાઈ;

પીપલાણેથી નરસિંહ મેહતા, બાઈ લાડકી સોતા તે હતા. ૪૫

જેઠો મેર જે મઢડાના વાસી, તે તો આવિયા અધિક હુલાસી;

આખા ગામ પંચાળ ધોરાજી, આવ્યા ત્યાંના જનો થઈ રાજી. ૪૬

માણાવદર ગામ ગણોદ, ત્યાંના પણ આવ્યા પામી પ્રમોદ;

જાળીયું ઉપલેટું ફણેણી, ત્યાંના ભક્તની પણ શુભ રેણી. ૪૭

જેતપર માંગરોળ ગોંડળ, ત્યાંના ભક્તની ભક્તિ અચળ;

પાડાસણ ને ખાંભા સરધાર, વડાળીથી આવ્યાં નરનાર. ૪૮

આવ્યાં કાંકશિયાળીથી કોઈ, સંઘ સારો કહે જન જોઈ;

રોઇશાળાના લક્ષમીરામ, ધર્મવંત ને પ્રેમના ધામ. ૪૯

આવ્યા તે પણ શ્રીપ્રભુ પાસ, કર્યાં દર્શન થૈ પુરી આશ;

ભાવ સૌને જવાનો તો ભાસે, કોઈ આવ્યા રહ્યા કોઈ વાંસે. ૫૦

સંત સર્વ ડભાણમાં મળિયા, ભગવાનની ભક્તિમાં ભળિયા;

સંત ટુકડા માગવા જાતા, પાણી છાંટી ગોળા વાળી ખાતા. ૫૧

ભગુ ખાંટના ફળિયા મોઝાર, સભા ભરતા ભુવનભરનાર;

વાતો કરતાં વિતે પોર રાત, કરે ત્યાં સુધી જ્ઞાનની વાત. ૫૨

સંતને ત્યાગમાર્ગ બતાવે, અતિ આકરા નિયમ પળાવે;

પછી સંત જઈ ગામ બહાર, રહે આંબલિયોની મોઝાર. ૫૩

પોર રાત રહે વળી જ્યારે, જગજીવન જાગતા ત્યારે;

પ્રગટાવીને એક મશાલ, જાય સંતને ઉતારે લાલ. ૫૪

જગાડે સહુ સંતને જૈને, સમઝાવે સુઉપદેશ દૈને;

કરે સંકલ્પ સંબંધી વાત, જેથી વૈરાગ ઉપજે અઘાત. ૫૫

તીવ્ર તપ કરવાનું બતાવે, દેહ મિથ્યા કહી સમઝાવે;

એવો તીવ્ર સુણી ઉપદેશ, એક સંતને લાગ્યો વિશેષ. ૫૬

તીવ્ર તપ કરવા ધરી મનમાં, એ તો જઇને બેઠા એક વનમાં;

અતિશે ઉપજ્યો વૈરાગ, અન્ન પાણી તણો કર્યો ત્યાગ. ૫૭

પુષ્પિતાગ્રાવૃત્ત

અતિ તપ કરવાનિ વાત એવી, કરિ હરિએ સુણિ સંત સર્વ તેવી;

તપ પર રુચિ સંત સૌની લાગી, તૃણવત દેહ ગણે બધાય ત્યાગી. ૫૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિહાથરોલી-ગ્રામવિચરણનામ અષ્ટમો વિશ્રામઃ ॥૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે