કળશ ૭

વિશ્રામ ૬૦

પૂર્વછાયો

જોબન પગિની મેડિયે, જઈ થાળ જમ્યા જગદીશ;

બેઠા પછિ તહાં બારીયે, અતિ પ્રસન્નમન મુનિ ઈશ. ૧

મુનિમંડળ મેદાનમાં, ફરિ રાસમંડળની રીત;

કીર્તન ગાયાં કૃષ્ણનાં, ધરી પૂરણ મનમાં પ્રીત. ૨

કીર્તન ગાતાં કોડશું, તહાં વીતી વિશેષે રાત;

મુક્તાનંદ મુની કહે, તમે સાંભળો સૌ મુનિ વાત. ૩

આજ તો આખા દિવસના, બહુ શ્રમિત છે ઘનશ્યામ;

પોઢવા દ્યો પરમેશને, કાલે રંગ રમ્યાનું છે કામ. ૪

સૌ સંતે એવું સાંભળી, તજ્યું ગરબિયોનું ગાન;

સુંદર સજ્યા ઉપરે, ભલી ભાતે પોઢ્યા ભગવાન. ૫

પોઢણનું પદ પ્રેમથી, ગાવા લાગ્યા ગુણીજન સંત;

મધુર સ્વર તે મુનિ તણો, ભલો સાંભળે ભગવંત. ૬

રાગ બિહાગ (‘પોઢો પ્રભુ સકલ મુનિકે શ્યામ’ - એ રાગ)

પોઢો પ્રભુ પ્રગટ પરમ ઉદાર,

   અક્ષર પર અક્ષર અધિપતિ, અખિલ જગઆધાર... પોઢો꠶ ટેક.

છો સતસંગી સંતના, શુભ નેણ તણા શણગાર;

   પ્રીતમ છો જન પ્રણતના,1 હરિવર હૈયાના હાર... પોઢો꠶ ૭

કીર્તનગાન કલ્લોલમાં, ઘણી રાત ગઈ ઘનશ્યામ;

   વિનતિ સુણીને વાલમા હવે, આપ કરો આરામ... પોઢો꠶ ૮

માથે આવ્યો છે ચંદ્રમા, ફાલગુની નક્ષત્ર સહિત;

   પ્રાણપતિ પોઢી રહો પ્રભુ, આ છે પલંગ પુનીત... પોઢો꠶ ૯

જેષ્ઠા2 ઉદિત જણાય છે, હરણ્યો3 તો થઈ હવે અસ્ત;

   સપ્તઋષિ ઉત્તરદિશામાં, શોભી રહ્યા છે સમસ્ત... પોઢો꠶ ૧૦

પક્ષિયો પણ નથી જાગતાં, માળા માંહિ રહ્યાં છે સમાઈ;

   પોયણીયો પ્રફુલિત થઈ, ગયા કમળ તો કરમાઈ... પોઢો꠶ ૧૧

ભક્તજનો ભલિ ભાતથી, રુડો ગાય છે રાગ બિહાગ;

   ચકોર ચંદ્ર સમાન તે, રાખે તવ પદે અનુરાગ... પોઢો꠶ ૧૨

જેમ વૃદ્ધિ સતસંગની, જોઈ અસદગુરુ અકળાય;

   ચોરને ન ગમે ચાંદની, જોઈ જોઈને જીવ મુંઝાય... પોઢો꠶ ૧૩

જેમ પ્રભુજિ પ્રગટ્યા થકી, નાસે અજ્ઞાનતિમિર4 અપાર;

   તેમ જ ચંદ્ર ચડ્યા થકી, ટળ્યો અવનિનો અંધકાર... પોઢો꠶ ૧૪

દર્શનથી તવ દાસને, જેમ આનંદ ઉર ન સમાય;

   તેમ જ ચંદ્ર ચડ્યા થકી, જળ ઉદધિનું5 ઉભરાય... પોઢો꠶ ૧૫

આજ લીલા અદભુત કરી, તમે કૃપા કરીને અપાર;

   આખા દિવસના આજ તો, આપ શ્રમિત છો સુખકાર... પોઢો꠶ ૧૬

ખૂબ ખાંતે ખેલ રંગનો, કરવો છે કૃપાનાથ કાલ;

   માટે આ સમય સુખાળવા, થાઓ વિશ્વવિહારીલાલ... પોઢો꠶ ૧૭

પૂર્વછાયો

પોઢી રહ્યા પછી મહાપ્રભુ, ગયા આસને સંતસમાજ;

કોઈ તો અલ્પ ઉંઘે નહીં, કરે યોગક્રિયાનું કાજ. ૧૮

પદ્માસને સિદ્ધાસને, મયૂરાસને બેસી મહાંત;

ધ્યાન ધરે ધર્મપુત્રનું, રાતે રહીને આપ એકાંત. ૧૯

જાગી ઉઠે મુનિજન સહુ, રહે જ્યારે ખટ6 ઘડી રાત;

કરીને નારાયણધ્વની, પછે ઉચ્ચરે રાગ પ્રભાત. ૨૦

નિત્યક્રિયા કરી નેહથી, પછી પરવરીને પ્રભુ પાસ;

ચિતવીને ચિહ્ન ચરણનાં, ધરે અંતરમાં આભાસ.7 ૨૧

જગાડવા જગદીશને, કરે મધુર સ્વર મુખગાન;

રાગ આલાપે પ્રભાતનો, તોડે હળવે હળવે તાન. ૨૨

મધુર મધુર બજાવતાં, કર લૈને સરોદા સતાર;

ષડજ કે સ્વર ઋષભમાં, કરે ધિમે ધિમે ઉચ્ચાર. ૨૩

રાગ પ્રભાતી: (‘જાગો મારા જગના જીવનપ્રાણ વાલમ વેલા જાગો રે’ એ રાગ)

જાગો મારા જીવના જીવનપ્રાણ, જીવન જાગો જાગો રે. ટેક.

સંત મળીને સ્નેહે જગાડે, ગાઈ મુખે ગુણગાન;

   દીનદયાળ દયા કરીને દ્યો, દાસને દર્શનદાન. જીવન꠶ ૨૪

દિવ્ય દેહે આંહિ આવી ઉભાં છે, ભાવથી ભક્તિમાત;

   મુખ જોવાને આતુર છે મન, વાલા વીતિ ગઈ રાત. જીવન꠶ ૨૫

ચંદ તણું તેજ મંદ થયું છે, મંદ દીવાની જોત;

   કૂર્કટ8 શોર બકોર કરે, ગયો ઉડુગણનો9 ઉદ્યોત.10 જીવન꠶ ૨૬

આદિત્યના કર11 ઉગવા લાગ્યા, લાલ થયો આકાશ;

   મહી વલોવે છે મહીયારી, પ્રીતમ ચારે પાસ. જીવન꠶ ૨૭

ચકલિયો ચક ચક કરે, શુક સારિકા12 બોલે બોલ;

   કંજના13 વૃંદ વિકાસવા લાગ્યાં, ભૃંગ14 કરે કલ્લોલ. જીવન꠶ ૨૮

વિદ્યારથીય વિદ્યા ભણે છે, ધ્યાની ધરે છે ધ્યાન;

   હોમનારા દ્વિજ હોમ કરે છે, જ્ઞાની હરિગુણ ગાન. જીવન꠶ ૨૯

પંથી જનો પરવરિયા પંથે, તીર્થે કરે જન સ્નાન;

   પૂજન પાઠ પ્રભુનો કરીને, દાની કરે છે દાન. જીવન꠶ ૩૦

હરિજન આવી હજારો ઉભા છે, દર્શન કરવા દ્વાર;

   દયા કરીને દર્શન આપો, ધીમંત ધર્મકુમાર. જીવન꠶ ૩૧

આજ રુડો રંગનો કરવો છે, ખાતે કરીને ખેલ;

   માટે સવારમાં સત્વર ઉઠો, શ્યામ છબીલા છેલ. જીવન꠶ ૩૨

જ્ઞાનઉદ્યાનમાં ગંજ કર્યા છે, લાવી અબીલ ગુલાલ;

   રંગ રચ્યો ઉછરંગથી, રુડા વિશ્વવિહારીલાલ. જીવન꠶ ૩૩

ચોપાઈ

જાગ્યા જીવન જગદાધાર, બોલ્યા જન સહુ જયજયકાર;

વાલો વાસણ સૂતાર ઘેર, પછી ત્યાંથી પધાર્યા સુપેર. ૩૪

નાથે નિત્યક્રિયા કરી ત્યાંય, મુદ સૌને ઘણો મનમાંય;

જ્યારે દિવસ ચડ્યો ઘડી ચાર, કર્યો સામાન સર્વે તૈયાર. ૩૫

પુષ્પદોલ તહાં જ બંધાવી, નરનારાયણ પધરાવી;

ડાહ્યો મેતો તથા વનમાળી, ભણેલા બેય બ્રાહ્મણ ભાળી. ૩૬

મહારાજે કહ્યું દ્વિજ આવો, બદરીશની પૂજા કરાવો;

એના ઉત્સવનો દિન આજ, કર્યો તૈયાર છે સર્વ સાજ. ૩૭

પછી બે દ્વિજે પૂજા કરાવી, કર્યો ઉત્સવ દેવ ઝુલાવી;

એવી રિતે ક્રિયા એ ઠેકાણે, કરી સર્વ તે શાસ્ત્ર પ્રમાણે. ૩૮

જ્ઞાનબાગમાં સંત સમાજે, કરી તૈયારી ખેલવા કાજે;

કૂપ મૂળજી પટેલ કેરો, જળ નિર્મળવાળો ઘણેરો. ૩૯

કોસ કંતાનના ત્યાં જોડાવ્યા, ત્યાંથી હોજ વિષે જળ લાવ્યા;

હોજ રંગે ભર્યા તેહ ઠામ, નિરધારિયાં જૂજવાં નામ. ૪૦

હોજ પૂર્વનો સંતને સારુ, સંતકુંડ તેનું નામ ધાર્યું;

હરિનો કુંડ પશ્ચિમ ઠામ, તેનું ધાર્યું હરિકુંડ નામ. ૪૧

રુડા હોજ દિસે મનરંજ, પિચકારિયોનો કર્યો ગંજ;

સંતે જૈને કહ્યું પ્રભુ પાસ, આવો ખેલવા શ્રી અવિનાશ. ૪૨

ત્યાં તો સત્સંગી સૌ મળી આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા;

લાવ્યા માણકીને શણગારી, ઘનશ્યામે સજી અસવારી. ૪૩

જેમ સાગરજળ ઉભરાય, તેમ બાગ ભણી જન જાય;

વાજતે ગાજતે રુડી રીતે, જ્ઞાનબાગે ગયા પ્રભુ પ્રીતે. ૪૪

મોટી નોબત સંતે બજાવી, સૌએ જાણ્યું જે અસવારી આવી;

હરિએ જોયા હોજ ભરેલા, જોયા ગંજ ગુલાલ કરેલા. ૪૫

પીચકારિયોની પુંજ ભાળી, મનમાં હરખ્યા વનમાળી;

વેદી ઉપર જૈ ભગવાન, ગાદી તકિયે બિરાજ્યા તે સ્થાન. ૪૬

સંતે પુષ્પનો દોલ બનાવ્યો, તે તો આંબાની ડાળે બંધાવ્યો;

આનંદાનંદ સદ્‌ગુરુ જેહ, લાવ્યા વાઘા વસંતી15 ત્યાં તેહ. ૪૭

શ્રીજીમહારાજને તે ધરાવ્યા, પછી પુષ્પદોલે પધરાવ્યા;

પૂજા સંતે કરી તેહ કાળ, ચરચ્યું કેસર ચંદન ભાલ. ૪૮

પુષ્પહાર લાવિને પવિત્ર, ધાર્યાં વાલાને કંઠે વિચિત્ર;

ભલી ઝોળી ગુલાલ ભરીને, હાથકાંડે ધરાવી હરીને. ૪૯

ભક્ત સુરતના તેહ ઠાર, લાવ્યા ખાંતથી ખાંડના હાર;

પ્રભુને પહેરાવ્યા તે પ્રીતે, ચિતવી હરિમૂરતી ચિત્તે. ૫૦

પીચકારી કનક કેરી લાવી, અરપી પગી જોબને આવી;

ધૂપ દીપ ને નૈવેદ્ય ધારી, આરતી મુક્તાનંદે ઉતારી. ૫૧

પુષ્પદોલે પ્રભુને ઝુલાવી, કર્યો ઉત્સવ વાજાં વજાવી;

દેશ દેશથી આવેલા જન, કરે શ્રી હરિનાં દરશન. ૫૨

લાખો લોકની ભીડ ભરાય, પણ નર ત્રિયા સ્પર્શ ન થાય;

પગ પુરુષનો પુરુષ ન પીલે, પગ અડકે તો માફી માગી લે. ૫૩

બાઈ ભાઈ જે વૃદ્ધ જુવાન, ભાસે સૌ ભાઈ બેન સમાન;

પ્રભુમાં મન સૌનાં પ્રોવાય, બીજો ઘાટ ન મનમાં ઘડાય. ૫૪

દીસે દોષ વિના સૌની દૃષ્ટિ, ભાસે સંસારથી ભિન્ન સૃષ્ટિ;

એવું આશ્ચર્ય જેને જણાય, પ્રભુનો કેમ નિશ્ચે ન થાય. ૫૫

પડી વસ્તુ ઉપાડે ન કોય, ભલે હેમનું ભૂષણ હોય;

વાટે ઘાટે જનો જે વિચરતા, દીસે શ્રીજીનું નામ ઉરચરતા. ૫૬

કામ ક્રોધ કે લોભનો લેશ, કોઈમાં ન કરે તે પ્રવેશ:

ભાસે બાળક વૃદ્ધ સમાન, તેની વાતમાં વૈરાગ જ્ઞાન. ૫૭

તજી ગેડી દડા મોઇદંડ,16 ધરે બાળક ધ્યાન અખંડ;

જોઈ બાળક સત્સંગી એવા, પામે અચરજ સનકાદિ જેવા. ૫૮

ભક્તિ બાઇયોની એવી ભાસે, ગર્વ ગોપિયોનો પણ નાસે;

વિપ્ર ક્ષત્રિ ને વૈશ્ય છે જેવા, શૂદ્ર પણ સતસંગી છે તેવા. ૫૯

પૂજા પાઠ કર્યા વિના કોઈ, જળ ન પિવે જમે શું રસોઈ;

કોઈ ભાંગ તમાકુ ન ખાય, જોવા માંડ ભવાઇ ન જાય. ૬૦

એવો આચાર જોઈ આ ટાણે, ઋષિ ગૌતમ જેવા વખાણે;

ધર્મ કર્મ જ્યાં એવાં જણાય, કળિકાળ ત્યાં કેમ ગણાય. ૬૧

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રગટ પ્રભુ તણો પ્રતાપ તેહ, જનમન માંહિ જુવે વિચારિ જેહ;

અતિ અચરજ અંતરે જણાય, હરિ અવતાર થયો નકી મનાય. ૬૨

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિપુષ્પદોલોત્સવ-કરણનામ ષષ્ટિતમો વિશ્રામઃ ॥૬૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે