કળશ ૬

વિશ્રામ ૩

પૂર્વછાયો

ફાગણ વદી તૃતીયા થઈ, કરી નિત્યક્રિયાનું કામ;

મૂર્તિપ્રતિષ્ઠા કામમાં, તતપર થયા ઘનશામ. ૧

ચોપાઈ

સૂર્ય ઉદય સમો હતો જ્યારે, હતો હસ્તનો ચંદ્રમાં ત્યારે;

બ્રહ્માચાર્ય ને ઋત્વિજે મળી, વિધિપૂર્વક પ્રીતથી વળી. ૨

ભટ્ટ ત્યાં તો હતા મયારામ, મુક્તાનંદમુની તેહ ઠામ;

હતા વર્ણિ ત્યાં મુકુંદાનંદ, મળી સૌએ સહિત આનંદ. ૩

ઉત્તરાભિમુખે ઓરડામાં, ઉત્તરાભિમુખે એ સમામાં;

વાસુદેવનારાયણ કેરી, સ્થાપી મૂર્તિ તે સરસ ઘણેરી. ૪

વેદમંત્રે ષોડશ ઉપચારે, પૂજી મૂર્તિને શ્રીજીયે ત્યારે;

ધૂપ દીપ ને નૈવેદ્ય ધારી, આરતિ અતિ હેતે ઉતારી. ૫

સૌયે દીઠું તે મૂરતિમાંય, અતિ તેજ અલૌકિક ત્યાંય;

તેહ મૂર્તિમાં શ્રીજીનું રૂપ, જોયું સર્વે જનોયે અનૂપ. ૬

એથી અચરજ અંતરે આણી, મૂરતી તે તો શ્રીજીની જાણી;

દેશ દેશના જન સહુ આવી, વાસુદેવને ભેટ ધરાવી. ૭

કોઇયે વસ્ત્ર ભૂષણ અપ્યાં, કોઇયે બહુ દ્રવ્ય સમર્પ્યાં;

પ્રભુયે પુરણાહુતિ કીધી, દ્વિજને દક્ષિણા બહુ દીધી. ૮

ઘણા વિપ્ર ને સંત જમાડ્યા, શામે સંતોષ સૌને પમાડ્યા;

સજી સભા મંડપ મોઝાર, મંચ ઉપર બેઠા મુરાર. ૯

મુક્તાનંદ પ્રમુખ ઘણા સંત, મુકુંદાદિક વરણી અનંત;

નૃપ અભય સહિત પરિવાર, બેઠા જેમ જેને અધિકાર. ૧૦

જીવો ખાચર મુળુ ખાચર, જેના પુણ્યના પ્રગટિયા થર;

દેહો ખાચર કરિયાણાના, મોકો ખાચર તે વાંકિયાના. ૧૧

કારિયાણીના ખાચર વસ્તો, જડ્યો જેહને મોક્ષનો રસ્તો;

માંચા ખાચર વિષયવિરક્ત, સોમલો ને સુરો ભલા ભક્ત. ૧૨

અલૈયો ગામ ઝીંઝાવદરના, ભલા ભક્ત તે તો હરિવરના;

માંતરો તથા ભક્ત હમીર, બેય બોટાદના શૂરવીર. ૧૩

બીજા હરિજનનો નહિ પાર, મળી બેઠા મંડપ મોઝાર;

પ્રભુ ચરણમાં સૌનાં છે ચિત્ત, તે તો ચંદ્ર ચકોરની રીત. ૧૪

કરુણા કરીને કૃપાનાથ, બોલ્યા હેતે ઉપાડીને હાથ;

વાસુદેવની મૂર્તિ આ જેહ, મારી મૂર્તિ જ જાણવી તેહ. ૧૫

એમાં સાક્ષાત હું જ રહીશ, આશા પૂર્ણ તમારી કરીશ;

પૂજજો મનમાં પ્રેમ ધરી, જમજો એનાં દર્શન કરી. ૧૬

વળી વર્ણિ મુકુંદની પાસ, આપે એમ બોલ્યા અવિનાશ;

તમે તો સદા સેવો છો અમને, તેથી અવકાશ નહિ મળે તમને. ૧૭

વાસુદેવની પૂજા હંમેશ, ભટ્ટ બેચર કરશે વિશેષ;

દૌ છું તમને ભલામણ તેની, સદા સંભાળ રાખજો એની. ૧૮

ઉદ્ધવ સંપ્રદાય પ્રમાણે, કરવા બધા ઉત્સવ ટાણે;

શુદ્ધ થૈને પૂજે દેવ જેવા, તો જ દેવ માની લે છે સેવા. ૧૯

દૃઢ જો બ્રહ્મચર્ય રખાય, દેવ પૂજવા યોગ્ય તે થાય;

કરે સ્પર્શ અશુદ્ધ થૈ આપ, તેને તો દેવતા દે છે શાપ. ૨૦

દેવસેવા વિષે અપરાધ, કરવા થકિ લાગે છે બાધ;

તે હું તમને હવે સંભળાવું, સારી રીતે કહી સમઝાવું. ૨૧

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

જાશે દેવસમીપ ચાખડિ ચડી કે વાહને જો ચડી,

તો જાણો અપરાધ એ જ સુરનો1 તેણે કર્યો તે ઘડી;

જો જન્મોત્સવ દેવના ન કરશે તે દોષ બીજો ગણી,

પેખી મૂર્તિ પ્રણામ જે નહિ કરે તે દોષ ત્રીજો ઘણો. ૨૨

બેસે મંદિરમાં મનુષ્ય જઈને જે કોઈ ઉચ્ચાસને,

એકાંતે નરનારિ ત્યાં સ્થિતિ કરે કાં તો કરે હાસ્યને;

કે ઉચ્છિષ્ટ અશૌચ આપ તનથી2 જૈ દેવને જો અડે,

કાં તો થાય પ્રણામ એક કરથી તે પ્રૌઢ પાપે પડે. ૨૩

કાં તો એક પ્રદક્ષિણા જ કરશે દુઃશબ્દ ઉચ્ચારશે,

કે બેસી પ્રભુમૂર્તિ પાસ નિજના લાંબા પગ ધારશે;

બેસે ઢીંચણ બાંધિ વસ્ત્રે કરિને કાં તો સુવે ત્યાં કણે,3

કે કાંઈ પણ ખાય મંદિર વિષે જૂઠું જિભે જે ભણે. ૨૪

ઉંચા શબ્દ થકી મુખેથિ ઉચરે કે કાંઈ કષ્ટે રુવે,

સ્ત્રીનો સ્પર્શ કરે સ્ત્રિયો પુરુષનો કે ખોટિ દૃષ્ટે જુવે;

મોટાઈ ધરિ કોઈને વચન ત્યાં આપે કદી રીઝિને,

કે કોઈ જનને પ્રભૂસદનમાં શિક્ષા કરે ખીજિને. ૨૫

ટંટો કાંઈ કરે નિવેદિત4 વિના જે કાંઈ વસ્તૂ જમે,

બોલે ગ્રામ્ય કથા તથા રમત તે ત્યાં કોઈ રીતે રમે;

દેવસ્થાન વિષે અધોપવનનો સંચાર કોઈ કરે,

બેસે પુંઠ કરી તથા નિજ તણી કીર્તિ કદી ઉચ્ચરે. ૨૬

જંઘા જાનુ ઉરૂપરી પગ ધરે તે થાય પ્રૌઢાસન,

બેસે મંદિર માંહિ મૂર્ખ જન જે એવું કરી આસન;

વાણી ક્રૂર વદે તથા પર તણી નિંદા સ્તુતી ઉચ્ચરે,

બોલ બોલ કઠોર લોભિ થઈને સેવા ન સારી કરે. ૨૭

જે પોતે કરિ માનતા પણ પછી પૂરી કરે તે નહીં,

ઊછીનું લઈ દેવનું પછિ થકી પાછું કદી દે નહીં;

જે અર્પે ન ફળો રતેરત5 તણાં વંદે બીજાને તહીં,

જે ભાવે બહુ આપને સુરસ તે નૈવેદ્ય ધારે નહીં. ૨૮

ઇત્યાદી અપરાધ તે ન કરવા ભક્તી ભલી ચાય તો,

પ્રાયશ્ચિત્ત કરે કદી અસમઝે એવું થઈ જાય તો;

ઊભા એક થળે રહી હરિ તણી સૌ આરતી કીજિયે,

બીજી વાત બધી તજી પ્રભુપદે વૃત્તી તદા6 દીજિયે. ૨૯

પોઢે દેવ પ્રદક્ષિણા ન કરવી મર્યાદ ના મૂકિયે,

જે જે સેવનનો સમો સુસજિયે ટાણું નહીં ચૂકિયે;

વારાહાખ્ય પુરાણમાં વચન છે દેવે વરાહે ભણ્યાં,

પૃથ્વી પાસ પ્રસિદ્ધ છે ઉચરિયાં સર્વોપયોગી ઘણાં. ૩૦

મૂર્તિનો અપરાધ જે જન કરે શું તેહને થાય છે,

તે હું આજ તમો સમીપ ઉચરું સચ્છાસ્ત્રનો ન્યાય છે;

જે પૂજે જમિને પ્રભૂનિ પ્રતિમા તે કુંભિપાકે પડે,

નાહ્યો તોય ન દંતધાવન કર્યું જે મૂર્તિને જે અડે. ૩૧

તેનાં સૂકૃત નાશ થાય સઘળાં સંદેહ તેમાં નહીં,

માટે સર્વ પવિત્ર થૈ મૂરતિને સ્નેહેથિ સેવો સહી;

સ્ત્રીસંભોગ કરી નિમજ્જન7 વિના મૂર્તી સમીપે ધસે,

તે તો ચૌદ હજાર વર્ષ લગિ જૈ વીર્યે જ વાસો વસે. ૩૨

જોઈને શબ જે ન નાય અથવા સચ્છાસ્ત્ર નિંદા સુણે,

તે જો સ્પર્શ કરે પ્રભૂનિ છબિને બંધાય પાપે ઘણે;

પોતે પૂર્વજ સૌ સમેત વનમાં જાંબૂક8 થૈને રહે,

જૈને નિત્ય મસાણમાં જ શબનું તે માંસ ખાવા ચહે. ૩૩

કામે મોહિત થૈ રજોવતિ તણો જે સ્પર્શ ક્યારે કરે,

તે જો સ્પર્શ કરે પ્રભૂનિ છબિને તે પાપિ પૂરો ઠરે;

જૈ સંપૂર્ણ સહસ્ર વર્ષ સુધિ તે સ્ત્રીપુષ્પ9 પાપી પિયે,

જન્મે ત્યાં જડબુદ્ધિ થાય જન તે દારિદ્ર મોટું લિયે. ૩૪

જો પોતે શબને કદાપિ અડિને દેવાલયે જે જશે,

તેને ગર્ભ થકી જ જન્મ મરવું તે લક્ષ વારે થશે;

તે ચાંડાળપણું પછીથિ ધરશે સો સૈકડાં વર્ષનાં,

જ્યાં ત્યાં શોક ક્લેશ કષ્ટ નડશે સ્વપ્નાં નહીં હર્ષનાં. ૩૫

મૂર્તી સ્પર્શ મનુષ્ય કોઈ કરતાં વાયુ અધો સંચરે,

તે સંવત્સર10 સપ્ત ઉંદર તણો જૈ દેહ નિશ્ચે ધરે;

ત્યાંથી તે ત્રણ વર્ષ શ્વાન થઈને પંચાબ્દ11 માંખી હશે,

ને વર્ષો નવ કાચબો પછિ થઈ દુર્ગંધ ભક્ષી થશે. ૩૬

જો સેવા કરતાં પુરીષ12 તજશે તે રૌરવે જૈ પડે,

દેવોના દશ સોય વર્ષ વસિને જીવે જ વિષ્ઠા વડે;

સચ્છાસ્ત્રોથિ વિરુદ્ધ શાસ્ત્ર મતનો જો પક્ષ લૈ મંદિરે,

તે તો સાત ભવો સુધી વિચરશે થૈ કાચબો ને નીરે. ૩૭

જૈ અત્યંત મલીન વસ્ત્ર ધરિને મૂર્તીનિ પૂજા કરે,

તે સંવત્સર પાંચશે સુધિ સદા કીડાનિ કાયા ધરે;

મૂર્તીને અડવા જ જોગ્ય નહિ જે તે જો જઈને અડે,

તે પાપી મતિમંદ તો નરકના જૈ કુંડ માંહી પડે. ૩૮

મારા પૂજનમધ્ય અન્ય સુરની પૂજા કદી આદરે,

તે વર્ષો શત સો સુધી મરિ મરી કીડાનિ કાયા ધરે;

ક્રોધી ચંચળચિત્તવંત જન જે જો મૂર્તિ પાસે જશે,

તો તે ઉંદરના જ દેહ ધરિને સો વર્ષ સુધી વસે. ૩૯

સો વર્ષો વળિ સર્પ થૈ પછિ વસે તેના પછી દેડકો,

થાશે વત્સર13 ત્રીશ તે પછિ થશે જાંબૂક જાતે પકો;

વિષ્ણુપૂજનમાં નિષેધ14 કુસુમો15 જે જે કહેવાય છે,

તે પુષ્પ હરિપૂજનાર નરકે તે રૌરવે જાય છે. ૪૦

સૂકાં પુષ્પ તથા પડ્યાં અવનિમાં નિર્ગંધ16 કાં તો હશે,

કે દુર્ગંધ દિસે સ્મશાન સમિપે કે ઊગિયાં જે હશે;

સુંઘેલા જન કોઇયે સુર શિરે જે એક વારે ચડ્યાં,

બોટેલા17 કદિ વસ્ત્રમાં જન ધરે કે લીટ થુંકે અડ્યાં. ૪૧

પુષ્પો અર્ક18 કણેર શીમળ તણાં ભોરીંગણીનાં તથા,

કે વાસી કુસુમોથિ વિષ્ણુ અરચે પૂજા બધી તે વૃથા;

માળાકાર19 ગૃહે રહે સુકુસુમો વાસી ન તે થાય છે,

સ્થાપેલી છબિને કણેર કુસુમે પ્રીતીથિ પૂજાય છે. ૪૨

અંધારે વણદીપકે પ્રભુ તણી જે મૂર્તિ પાસે જશે,

તો આખો ભવ આંધળો રહિ અને તે સર્વભક્ષી થશે;

કાકાદી20 અપવિત્ર પ્રાણિ અડકે તે વસ્ત્ર અંગે ધરી,

પૂજે જો પ્રભુને જરૂર જનમે તે કાગડામાં મરી. ૪૩

શ્વાનોચ્છિષ્ટ21 ધરે નિવેદ હરિને તે જન્મશે શ્વાનમાં,

વર્ષો સાત પછી વળી શશક22 થૈ વાસો વસે રાનમાં;23

સંકોરી કદિ દીપ હસ્ત ન ધુવે ને મૂર્તિને જૈ અડે,

સાઠે વર્ષ સુધી શરીર ગળતે તે કોઢિયો થૈ પડે. ૪૪

જૈને કોઈ મશાણ સ્નાન કરિને પડે છતાં સૂતકી,

મૂર્તી સ્પર્શિ શિયાળ થાય વર્ષો એકોનષષ્ટિ24 નકી;

પક્ષી ગીધ પછી થઈ વરસ તો તે સાત સુધી રહે,

માટે સૂતક કેટલું સ્વજનનું તે ભક્ત જાણી લહે. ૪૫

મદ્યસ્પર્શ25 કરી પછી પ્રભુ તણા જો મંદિરે જાય છે,

તો તે સો શત વર્ષ સૂધિ દુઃખિયો દારિદ્રથી થાય છે;

ધારેલું જન કોઇયે વસન કે મેલું ચડાવે મને,

તે તો થૈ મૃગ એકવીશ વરસો વાસો વસે છે વને. ૪૬

પાકે અન્ન નવીન તે પ્રભુજિને અર્પ્યા વિના ખાય છે,

તેના પૂર્વજ વર્ષ પંદર સુધી આશા તજી જાય છે;

પૂર્વે ચંદન પૂષ્પ પૂજન વિના જે ધૂપ લાવી ધરે,

તો તે રાક્ષસ થાય અન્ય જનમે જ્યારે અહીંથી મરે. ૪૭

પેસે મંદિરમાં ઉપાન26 ધરિને તે ચર્મકારી27 બને,

વર્ષો તેર પછી જ સૂકર28 થઈ વાસો વસે છે વને;

ઘંટા ભેરિ બજાવવા વિણ મને આવી જગાડે સહી,

તે આખો ભવ ભોગવે બધિરતા29 તે માંહિ સંશે નહીં. ૪૮

ઝાઝૂં ખાઈ અજીર્ણ30 અંગ ધરિને ઉદ્‌ગાર ખાતાં ખરો,

મૂર્તી પાસ જનાર શ્વાન જનમી ને જન્મશે વાંદરો;

જે કાંઈ કરિ માનતા મુજ તણી તે પૂરી પાડે નહીં,

ઊછીતું લઈ દેવનું વળતિ તે પાછું ન આપે સહી. ૪૯

તેને કષ્ટ અનેક છેક પડશે ખાવાનું તો ખૂટશે,

જ્યાં જ્યાં જન્મ ધરે મરે કરજથી ત્યાં ત્યાં નહીં છૂટશે;

જો કાંઈ અપરાધ થાય સુરનો દેહે અવશ્યે કરી,

કે અજ્ઞાનપણાથિ થાય કદિ તો જાણ્યા પછીથી ડરી. ૫૦

પ્રાયશ્ચિત નિવારણાર્થ કરવું સચ્છાસ્ત્રમાં શોધિને,

પાપીને જમ પીડશે નરકના કુંડો વિષે રોધિને;31

તે માટે અપરાધ કોઇ વખતે ક્યારે ન થાયે જરી,

એવી રીત ખચીત ચિત્ત ધરિને રેજો દિલે સૌ ડરી. ૫૧

પુષ્પિતાગ્રાવૃત્ત

તજિ હરિઅપરાધ એવિ રીતે, પ્રભુપ્રતિમા નિત પૂજવી સપ્રીતે,

મુજસમ મુજ મૂર્તિ સત્ય જાણી, સ્તુતિ કરવી વદિને મહાત્મ્યવાણી. ૫૨

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

દુર્ગપુરે શ્રીવાસુદેવનારાયણપ્રતિષ્ઠા તથા દેવઅપરાધનિવારણનામા તૃતીયો વિશ્રામઃ ॥૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે