કળશ ૬

વિશ્રામ ૨૬

પૂર્વછાયો

ઝીંઝાવદરથી ઝટ ગયા, કારિયાણીયે કરુણાનાથ;

સામા આવી સનમાન કીધું, સૌ સતસંગી સાથ. ૧

ચોપાઈ

વસ્તા ખાચરનો દરબાર, કર્યો પાવન પ્રાણઆધાર;

કહે વર્ણિ સુણો રુડા રાજ, હરિમંદિર છે જહાં આજ. ૨

નામે અક્ષરઓરડી ત્યાંય, પ્રભુ ઉતર્યા એ સ્થળમાંય;

થોડા દિવસ નિવાસ ઠરાવ્યો, તહાં કૂપ નવીન કરાવ્યો. ૩

તેમાં પાણિ પ્રથમ આવ્યું જ્યારે, મુકુંદાનંદ વર્ષિયે ત્યારે;

લૈને નિર્મળ તે ભલું નીર, નવરાવિયા શામ શરીર. ૪

ચુનાબંધ1 કુંડીમાં બિરાજી, નાયા શ્રીહરિ થૈ રુદે રાજી;

પ્રભુયે કૂપજળ કર્યું પાન, દીધું સૌને પાદોદક2 દાન. ૫

નીર વર્ણિયે કૂપમાં નાખ્યું, ભગવાને ત્યારે એમ ભાખ્યું;

આનું પાણી પીધે મોક્ષ થાશે, મોક્ષકૂપ માટે કહેવાશે. ૬

પછી ગાયત્રીનું પુરશ્ચરણ, કરાવાને ધાર્યું સુખકરણ;

ઘણા વેદિયા વિપ્ર તેડાવ્યા, માવે ગાયત્રી મંત્ર જપાવ્યા. ૭

વસ્તા ખાચરના ઓરડા છે, સારા પૂર્વમુખે શોભિતા છે;

એની આગળ કુંડ રચાવ્યો, વેદમંત્રથી હોમ કરાવ્યો. ૮

વાલે ત્યાં ઘણા વિપ્ર જમાડ્યા, દાન દૈને સંતોષ પમાડ્યા;

લીંબડો ચોક મધ્યે છે જ્યાંય, સભા ભરતા મહાપ્રભુ ત્યાંય. ૯

ત્યાં છે ઓરડા આગળ ઓટો, એનો છે મહિમા બહુ મોટો;

બેસતા તે ઊપર બહુનામી, અક્ષરાધીશ અંતરજામી. ૧૦

રામાનંદ સ્વામી જ્યારે હતા, એ જ ઓટા ઊપર બેસતા;

તહાં જાય છે સંઘ સમાજ, એહ ઓટાને પૂજે છે આજ. ૧૧

ઝાઝીવાર આવી એહ ગામ, ઘણી લીલા કરી ઘનશામ;

કૃપાનાથે વાતો કરી જેહ, લખ્યાં છે વચનામૃત તેહ. ૧૨

કર્યું ત્યાંથી પ્રયાણ કૃપાળ, લાઠીદડ ગયા ધર્મનો લાલ;

ગામથી પૂર્વ ખીજડો ખાસો, વસ્યા બે ઘડી ત્યાં હરિ વાસો. ૧૩

સૌને દર્શન દૈ તેહ ઠામ, ગયા સારંગપુર ઘનશામ;

જીવા ખાચરને દરબાર, ઉતર્યા જઈ જગદાધાર. ૧૪

ઉત્તરાભિમુખે ઓરડો છે, ભગવાનને યોગ્ય ભલો છે;

સભા ત્યાં સજિ શ્રીઘનશામે, કર્યા પ્રશ્ન ઉત્તર એહ ઠામે. ૧૫

જમ્યા સંત જમ્યા હરિ થાળ, એમ કરતાં થયો સંધ્યાકાળ;

સતસંગિયો સ્નેહ ધરીને, આવ્યા નોતરાં દેવા હરિને. ૧૬

વારા કેડે વારો જો ઠરાવે, માસ પાંચમાં પાર ન આવે;

ત્રિભુવનપતિ બોલિયા ત્યારે, ઉતાવળ છે જવાની અમારે. ૧૭

ઝાઝા દિવસ નહીં રહેવાય, કહું તે કરો એક ઉપાય;

કાલે વિપ્ર પવિત્ર બોલાવો, ઘેર ઘેર રસોઈ કરાવો. ૧૮

અમે આવશું સર્વને ઘેર, જમશું અતિ ઉત્તમ પેર;

સુણિ વાત તે સર્વને ભાવી, ઘેર ઘેર રસોઈ કરાવી. ૧૯

જમવાની વેળા થઈ જ્યારે, ઘેર ઘેર ગયા હરિ ત્યારે;

કર્યાં કૃષ્ણ ત્યાં રૂપ અનંત, થયા પોતે જ સાથેના સંત. ૨૦

નિજ નિજ મન સૌ એમ જાણે, આવ્યા છે મુજ ઘેર આ ટાણે;

જીવા ખાચર કેરે નિવાસ, જમ્યા એ જ રીતે અવિનાશ. ૨૧

વળી ખાચર મુળુ ને વસ્તો, જેણે જાણ્યો સુધર્મનો રસ્તો;

સુરો ખાચર ને દેવદાસ, જમ્યા શ્રીહરિ સૌને નિવાસ. ૨૨

જમ્યા રાઠોડ ધાધલ ધામ, બીજા માતરો ધાધલ નામ;

બોધો શેઠ તથા શેઠ કમો, જીવરાજ શેઠે કહ્યું જમો. ૨૩

રાજગર લીલાધર સરિયાણ, રાજગર ત્રીજો ઘેલો સુજાણ;

નારાયણ નામે એક પટેલ, જેને વાલા છે છબીલો છેલ. ૨૪

ભગવાન ને હીરો મેરાઈ, ભલો સુતાર ગોપાળભાઈ;

ભરવાડ હરિભક્ત હાજો, જેનો પ્રેમ પ્રભુપદે ઝાઝો. ૨૫

એહ આદિક ભક્ત અનંત, સૌને ભવન જમ્યા ભગવંત;

કર્યું એવું ચરિત્ર પવિત્ર, કળી કોય શકે ન વિચિત્ર. ૨૬

થઈ વાત પ્રસિદ્ધ તે જ્યારે, પામ્યા અચરજ પુરજન ત્યારે;

નિશ્ચે જાણિયા જગદાધાર, આવ્યા વંદન કરવા અપાર. ૨૭

ધર્મ ધારવાની રુચિ જાણી, પ્રભુયે ત્યાં મગાવિયું પાણી;

એકે એકે તો પાર ન આવે, માટે શી રીતે નિયમ ધરાવે. ૨૮

પ્યારે સર્વને છાંટિયું પાણી, નિજવદને વદ્યા એવી વાણી;

ઉડે આ જળનો છાંટો અંગ, જાણો તેણે લિધો સતસંગ. ૨૯

પ્રીતે પાળજો નિયમ અમારા, અમે ટાળશું દોષ તમારા;

સુખ પામશો સર્વ આ ઠામ, અંતે પામશો અક્ષરધામ. ૩૦

સુણિ હરખ્યા તે લોક તમામ, પ્રેમે પ્રભુજીને કીધા પ્રણામ;

લખો નામે પટેલિયો એક, જેને ચિત્તે વિશેષ વિવેક. ૩૧

અતિ વૃદ્ધ હતી તેની માય, તેના ઉપર આવી દયાય;

જાણ્યું એનું કલ્યાણ કરાવું, પ્રભુની પાસે નિયમ ધરાવું. ૩૨

પછી તે પ્રભુ આગળ આવ્યો, કહ્યું ડોશીને નિયમ ધરાવો;

ત્યારે ડોશીને ઝાલીને હાથે, નિજ નિયમ ધરાવિયાં નાથે. ૩૩

ડોશી સમજી નહીં કાંઈ જ્યારે, શું કહો છો બોલી એમ ત્યારે?

સુણિ બોલિયા શામ સુજાણ, ડોશી થાશે તમારું કલ્યાણ. ૩૪

સારું ભા કહિ ગૈ ડોશી ઘેર, ત્રણ દિવસ ગયા એવી પેર;

દીધાં દર્શન શ્રીમહારાજે, કહ્યું તેડવા આવશું આજે. ૩૫

ડોશીયે સુતને કહી વાત, આજ ખેતર જૈશ ન ભ્રાત;

આજ ધામમાં જાવું છે મારે, પ્રભુ તેડવા આવશે ત્યારે. ૩૬

દિવ્યરૂપે આવ્યા વૃષલાલ, કૈકે દૃષ્ટિએ દીઠા દયાળ;

ડોશીને ધામમાં લઈ ગયા, પુરવાસિયો વિસ્મિત થયા. ૩૭

એવાં કીધાં ચરિત્ર અનંત, ગાય સુવ્રત આદિક સંત;

આ સમે જે જણાવ્યો પ્રતાપ, એ તો અકળિત છે ને અમાપ. ૩૮

પૂર્વછાયો

સારંગપુર થકી શ્રીહરી, ચાલ્યા સંત સખા લઈ સાથ;

અળાઉ આદિક ગામ ફરતા, નાગડકે ગયા નાથ. ૩૯

ચોપાઈ

સૂરા ખાચરનો દરબાર, ઉતર્યા જઈ પ્રાણ આધાર;

ભૂપપત્ની ભલી શાંતિબાઈ, ભલા નાયો ને હાથીયો ભાઈ. ૪૦

એક માણશિયો બીજો કાળો, ભલા નાયાના બે સુત ભાળો;

હાથિયા તણા ડોસો ને રાણો, સુરાનો સુત નાથો પ્રમાણો. ૪૧

એહ આદિક સૌ પરિવાર, સજી સેવા પુરી ધરી પ્યાર;

મહારાજ તહાં રહ્યા રાત, પછી પરવર્યા પ્રગટે પ્રભાત. ૪૨

ભેંસજાળ ગયા ભગવાન, દીધું દાસોને દર્શનદાન;

કાયોભાઈ ઝુણોભાઈ સજો, જેણે અધરમનો મત તજ્યો. ૪૩

સૌએ સેવા સજી શુભ રીતે, પૂજ્યા નાથને પૂરણ પ્રીતે;

ત્યાંથી લોયે ગયા ધર્મલાલ, જગદીશ્વર જનપ્રતિપાળ. ૪૪

સતસંગિ ત્યાં સંઘો પટેલ, એહ આદિ સેવામાં આવેલ;

બહુ રાખી તેણે બરદાશ, તેમાં કાંઈ ન દિસે કચાશ. ૪૫

ત્યાંથી ફરતા બીજે ગામ સ્વામી, ગયા બોટાદમાં બહુનામી;

સામા સૌ સતસંગિયો આવ્યા, વાજતે ગાજતે પધરાવ્યા. ૪૬

દાહા ખાચરને દરબાર, ઉતર્યા જઈ વિશ્વઆધાર;

ભગો દોશી તથા શેઠ હીરો, શેઠ વસ્તો ગણાય ગંભીરો. ૪૭

શેઠ કેશવજી મુળચંદ, તેને વાલા શ્રીસહજાનંદ;

ચકુ ને કરશન વડોદરિયા, જેણે ધર્મતનુજ ઉર ધરિયા. ૪૮

શીવો જોશી તથા મોનો જોશી, તેની બેન રાધાબાઈ ડોશી;

એહ આદિક સૌ સતસંગી, મળિ માવને સેવ્યા ઉમંગી. ૪૯

એક અવસરે શામ સુજાણે, ઉષ્ણ કાળ જાણી એહ ટાણે;

સંત પાર્ષદ સૌ સાથે લૈને, દાહા ખાચરને બાગે જૈને. ૫૦

નાયા વડિયે કુવે અવિનાશ, જમ્યા તે સ્થળે પીપળા પાસ;

પોતે સંતને પિરથી જમાડ્યા, પાર્ષદને સંતોષ પમાડ્યા. ૫૧

બેઠા ઢોલિયે ધર્મકુમાર, મોનો પંડ્યો આવ્યા તેહ વાર;

વાલે કરવાને હાસ વિલાસ, ટીપણું જોવરાવ્યું તે પાસ. ૫૨

ગ્રહ સર્વ છે કિંકર જેના, જોયા જોશિજિએ ગ્રહ તેના;

થોડો દિવસ રહ્યો પછિ જ્યારે, સખા અસ્વાર લૈ સાથે ત્યારે. ૫૩

શામ નીકળ્યા સીમમાં ફરવા, મિત્રતા કરીને મન હરવા;

હતા હમીર ખાચર સાથ, તેના દરબારમાં ગયા નાથ. ૫૪

તેણે સેવા સજી સારી રીતે, પૂજ્યા શ્રીપરમેશ્વર પ્રીતે;

રહ્યા બોટાદમાં દિન બેય, ઘણે ઘેર ફર્યા હરિ છેય. ૫૫

કોઇયે પધરામણી કરી, કોઇયે જમવા તેડ્યા હરી;

કર્યું એ રીતે પાવન ગામ, પછી ત્યાંથી ચાલ્યા ઘનશામ. ૫

સંગે લૈ સર્વ સંતનો સાથ, ગયા નાગલપર મુનિનાથ;

વસ્તા ધાધલને દરબાર, ઉતર્યા જઈ ધર્મકુમાર. ૫૭

હતો શેઠ શગાળશા નામે, આવ્યો શ્રીહરિ પાસ તે ઠામે;

તેને શ્રીહરિયે કરી વાત, તમે છો ભગા દોશીની નાત. ૫૮

તે તો શિષ્ય અમારા છે જ્યારે, તમે કેમ નથી થતા ત્યારે?

કહે શેઠ અહો પ્રભુ પ્યારા, અમે પણ છૈયે શિષ્ય તમારા. ૫૯

ત્યાં તો આવ્યા વીરો રાજગર, કહ્યું પુનીત3 કરો મુજ ઘર;

સુણિને કહ્યું શામ સુજાણે, આવશું ફરિને કોઈ ટાણે. ૬૦

હમણાં તો છે તરત જવાનું, નથિ આ સમે ખોટિ થવાનું;

એમ કહીને જમ્યા તહાં થાળ, ગયા ઝોટીંગડે જનપાળ. ૬૧

ત્યાં છે પાદરમાં હનુમાન, પીંપર્યો ને કુવો તેહ સ્થાન;

રહીને ત્યાં કૂપોદક4 પીધું, શેષ5 નીર કુવે રેડિ દીધું. ૬૨

કરી એક ઘડી ત્યાં વિરામ, ગયા નાથ ગોરડકે ગામ;

સર્વ સંત સહિત ભગવાન, કર્યું કેરિ નદી માંહિ સ્નાન. ૬૩

ગયા ગઢપુરમાં ગિરિધારી, નિરખી હરખ્યાં નરનારી;

બ્રહ્મચારી કહે હે ભૂપાળ, થઈ ચોસઠની પુરી સાલ. ૬૪

કથા સંક્ષેપમાં તેનિ કહી, આવે વિસ્તારમાં પાર નહીં,

હવે પાંસઠ્યનિ સાલ તણી, લીલા સંક્ષેપથી કહું ગણી. ૬૫

પુષ્પિતાગ્રાવૃત્ત

રઘુવરપદ વાનરે જ સેવ્યા, વ્રજપતિ સેવક ગોપ ગોપિ જેવા;

વૃષસુત પદહેતુ પૂર્ણ કીધું, અતિ સુખ કાઠિજને જ આજ લીધું. ૬૬

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે ષષ્ઠકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિકાઠિયાવાડ-વિચરણનામા ષડ્વિંશો વિશ્રામઃ ॥૨૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે