કળશ ૫

વિશ્રામ ૧૩

પૂર્વછાયો

ચાલ્યા પ્રભુ અગત્રાઈ થઈ, આખે પીપલાણે જવા માટ;

ઉભા રહ્યા બેય ગામની, તે જુદી પડી જ્યાં વાટ. ૧

ચોપાઈ

બંને ગામના ભક્ત સમાજ, સામા આવ્યા તે શ્રીજીને કાજ;

બંને મંડળિયો જુદી દિસે, સૌના હૈયામાં હરખ અતિશે. ૨

ઘણા તાળ મૃદંગ વગાડે, માંહો માંહી ગુલાલ ઉડાડે;

પ્રભુ પ્રથમ અમારે ગામ, આવશે એમ જાણે તમામ. ૩

નારાયણ દવે નરસિંહ મેતા, તેઓ પણ એમ જાણતા હતા;

સાધુ પાર્ષદ ને બ્રહ્મચારી, તેની સંખ્યા તો ત્રણસેં ધારી. ૪

બંને ગામમાં થાય રસોઈ, દાળ ચોખા ચડાવેલા ધોઈ;

મળી મંડળિયો જેહ ઠામ, પ્રભુ પૂજીને કીધા પ્રણામ. ૫

બંને ગામના એમ ઉચ્ચારે, પ્રભુ ગામ પધારો અમારે;

થવા આવી રસોઈ તૈયાર, ઝાઝી તેમાં નથી હવે વાર. ૬

સુણી બોલિયા વૃષકુળરાય, બેય ઠેકાણે કેમ અવાય?

પાક કેમ કર્યો બેય ગામ? તમે સમઝ્યા વગર કર્યું કામ. ૭

બેય ગામના બોલિયા ત્યારે, જાણ્યું આવશે ગામ અમારે;

એમ સમજી રસોઈ કરાવી, જમો સંત સહિત તમે આવી. ૮

પછી એકાંતે જૈ ઘનશામ, તેડ્યા મુક્તમુનિ મયારામ;

કહ્યું આ વાતનું કેમ કરવું? કિયા ગામમાં પ્રથમ વિચરવું. ૯

બોલ્યા તે સમે બેય વિચારી, તમે સમરથ છો સુખકારી;

જ્યારે બ્રહ્માયે વાછરુ હર્યાં, તમે સર્વે તણાં રૂપ ધર્યાં. ૧૦

વળી નવલખા પર્વતમાંય, નવ લાખ હતા સિદ્ધ જ્યાંય;

નવ લાખ ધરીને સ્વરૂપ, મળ્યા તેને તમે મુનિભૂપ. ૧૧

એવી રીતે કરો પ્રભુ આજ, ત્યારે થાય તે બેયનું કાજ;

પછી એવો ઠરાવ ઠરાવી, પીપલાણાના ભક્ત બોલાવી. ૧૨

કહ્યું ગામ લગી જાઓ તમે, તમ પાછળ આવશું અમે;

એમ કહી કરમાં કોલ દીધો, ત્યારે તેઓએ મારગ લીધો. ૧૩

સાધુસુધાં1 નવાં રૂપ ધરી, ગયા તેઓની પાછળ હરિ;

આખા ગામમાં સત્સંગી સાથ, ચાલ્યા સંતસહિત સંત નાથ. ૧૪

સર્વે અંતરે આનંદ આણે, ઉંડો મર્મ તો કોઈ ન જાણે;

એવી અકળિત ઈશ્વરી માયા, બ્રહ્મા ઇન્દ્ર જેવા ભરમાયા. ૧૫

ગામ આખામાં ગોવિંદ ગયા, નારાયણ દવેને ઘેર રહ્યા;

જમ્યા સંત ને શ્રીગિરધારી, પછી બેઠા સભા સજી સારી. ૧૬

પૂજા હરિજને હેતથી કીધી, પ્રભુયે હાર પ્રસાદી દીધી;

વાજતે ગાજતે રુડી પેર, કરી પધરામણી ઘેર ઘેર. ૧૭

ત્યાંથી હરિજન કોઈ તે ટાણે, કાંઈ કામે ગયા પીપલાણે;

મેતા નરસિંહને ઘેર ગયા, પ્રભુને જોઈ વિસ્મિત થયા. ૧૮

વિચારે વળી નિજ અંતર, આ તે સાચું કે સ્વપનાંતર;

આખા ગામમાં છે ઘનશામ, કેમ દેખાય છે તે આ ઠામ? ૧૯

બેઠા પંગતે જમવાને સંત, ભાવથી પીરસે ભગવંત;

જમીને પછી શ્રીજગદીશે, સભા સારી સજી ચોક વિષે. ૨૦

પ્રેમે પૂજા કરી સઉ મળી, પધરાવ્યા ઘરોઘર વળી;

આખેથી આવેલા હરિદાસે, પીપલાણા તણા જન પાસે. ૨૧

કરી વાત એ અવસર આમ, આખા ગામમાં છે ઘનશામ;

લઈ સંતના મંડળ સાથ, ઘેર ઘેર પધારે છે નાથ. ૨૨

અમે ત્યાં દરશન કરી આવ્યા, સાચે સાચા સમાચાર લાવ્યા;

સુણી અચરજ ઉપજે અમાપ, જાણે પ્રગટ પ્રભુનો પ્રતાપ. ૨૩

તેને નિશ્ચય કરવા કામે, ગયા બે જણ તો આખા ગામે;

જોયા શ્રીહરિ સંતો સહિત, ખરી જાણી તે વાત ખચીત. ૨૪

વળી વાત કરી એહ ઠામ, પ્રભુ છે પીપલાણે ગામ;

પધરાવિયા અમારે ઘેર, અમે પૂજા કરી રુડી પેર. ૨૫

ત્યાં તો ભક્ત બે આંહીથી આવ્યા, સમાચાર અહીંના સુણાવ્યા;

તેનો નિશ્ચય કરવાને કાજ, અહીં આવ્યા છૈયે અમે આજ. ૨૬

સુણી આખા તણા રહેનાર, સહુ અચરજ પામ્યા અપાર;

દીધાં બે સ્થળે દર્શન દાન, જાણ્યા ભક્તવત્સલ ભગવાન. ૨૭

પ્રભુ સૌના મનોરથ પૂર્યા, રહ્યા એકે તણા ન અધૂરા;

એવા સમરથ ધર્મકુમાર, કોટિ બ્રહ્માંડના કરતાર. ૨૮

એ છે સર્વના અંતરજામી, સચરાચર સર્વના સ્વામી;

જેના સંકલ્પમાત્રે સદાય, ઉતપત્તિ સ્થિતિ લય થાય. ૨૯

જે જે ધારે કરે ક્ષણમાંઈ, નથી એને તો દુષ્કર કાંઈ;

આવાં આવાં તો અદ્‌ભુત કામ, ઘણીવાર કર્યાં ઘણે ઠામ. ૩૦

પૂર્વછાયો

બેય રૂપે બેય ગામમાં, થોડા દિન દીધાં દરશન;

દર્શન કરવા આવિયા, પર ગામના બહુ જન. ૩૧

ચોપાઈ

બેય ગામમાં કૃષ્ણને દેખે, અતિ અચરજ અંતરે લેખે;

ત્યાંના હરિજન નર અને નારી, સમાધિમાં ગતી કરે સારી. ૩૨

જોગસાધના કાંઈ ન કીધી, ઘનશામે સ્વતંત્રતા દીધી;

એક એક થકી એ તો વાત, થઈ દેશ વિદેશ વિખ્યાત. ૩૩

બેય ગામના હરિજન પાસ, પછી એમ બોલ્યા અવિનાશ;

અહીં જગ્યાની છે સંકડાશ, નદીને તટ કરશું નિવાસ. ૩૪

વળી કરવો છે વિષ્ણુયાગ, મળે માણસજૂથ અથાગ;

વિપ્ર આવે હજારો હજાર, કેમ માઈ શકે તે આ ઠાર? ૩૫

નદી ઓઝતનો તટ સારો, જોઈ જગ્યા તે જૈને સુધારો;

તંબુ દેરા ચંદનિયો મંગાવો, નદીને તટ ઉભાં કરાવો. ૩૬

આજ્ઞા હરિજને અંતરે ધારી, નદીતટ જઈ જગ્યા સુધારી;

વડ આદિક વૃક્ષ છે જ્યાંય, સૌયે સારી જગ્યા ધારી ત્યાંય. ૩૭

તંબુ દેરા મોટા મોટા લાવ્યા, અતિ આનંદે ઉભા કરાવ્યા;

ચારુ ચંદનીયો મોટી લાવી, બહુ યુક્તિથી ઉંચી બંધાવી. ૩૮

નવી જાજમો સારી કરાવી, તે તો પૃથ્વી ઉપર પથરાવી;

બેય ગામથી શામ સિધાવ્યા, હરિભક્ત વળાવાને આવ્યા. ૩૯

વાજે ત્રાંસાં નગારાં ને ઢોલ, વાજે તાલ મૃદંગ અતોલ;

કરે કીર્તન સંત ઉચ્ચાર, બોલે ઉંચે સ્વરે છડીદાર. ૪૦

તંબુ પાસે આવ્યા એમ જ્યારે, રૂપેરૂપ મળી ગયાં ત્યારે;

બેઠા સંત સભા મધ્ય શામ, સર્વે સત્સંગી બેઠા તે ઠામ. ૪૧

બેય ગામના જન એમ ધારે, આવ્યા એ જ આ સાથે અમારે;

એમ દિવસ ગયા કાંઈ વહી, પછી હરિજનને વાત કહી. ૪૨

ઘણા વેદિયા વિપ્ર તેડાવો, વિષ્ણુયાગનો સામાન લાવો;

ખટ2 માસ સુધી આ ઠાર, બ્રહ્મભોજન કરશું અપાર. ૪૩

હરિભક્ત કહે મહારાજ, ધન્ય ભાગ્ય અમારાં છે આજ;

એવો યજ્ઞ જો આ સ્થળ થાય, તીર્થક્ષેત્ર આ શ્રેષ્ઠ ગણાય. ૪૪

પછી તેઓએ વિપ્ર તેડાવ્યા, ચારે વેદના ભણનાર આવ્યા;

આવ્યા કૈંક તો જ્યોતિષજાણ, કૈંક જાણે છે શાસ્ત્ર પુરાણ. ૪૫

વિપ્ર આવ્યા હજારોહજાર, બીજા હરિજનનો નહિ પાર;

ખટ માસનું નોતરું દીધું, બ્રહ્મભોજન ચાલતું કીધું. ૪૬

કૈંક બેઠા કરે અનુષ્ઠાન, કૃષ્ણમંત્ર જપે ધરી ધ્યાન;

કરે કૈંક મુહૂરત3 આઠ, વિષ્ણુનામસહસ્રના પાઠ. ૪૭

ભાગવત તણો દશમસ્કંધ, તેના પાઠ કરે વિપ્રવૃંદ;

ચારે વેદની સંહિતા જેહ, બેઠા પાઠ કરે કૈંક તેહ. ૪૮

કોઈ ગીતાનો પાઠ કરે છે, વ્યાસસૂત્ર કોઈ ઉચ્ચરે છે;

વાસુદેવમાહાત્મ્યને જોઈ, તેનો પાઠ કરે દ્વિજ કોઈ. ૪૯

યાજ્ઞવલ્ક્ય તણી સ્મૃતિ જે છે, કૈંક તેહના પાઠ કરે છે;

જમે ભોજન નિત્ય નવીન, વિપ્ર સંખ્યા વધે દિન દિન. ૫૦

ખાંડ સાકરના કર્યા ગંજ, થાય લાડુ જલેબી બિરંજ;

પીપલાણાના નરસિંહ મેતા, ખૂબ ખર્ચવાને દ્રવ્ય દેતા. ૫૧

સતસંગીયો સામાન લાવે, ભક્ત વિપ્રો રસોઈ બનાવે;

પ્રભુ દર્શન કરવાને ભાવે, દેશ દેશના હરિજન આવે. ૫૨

માસ બે એવી રીત ચલાવી, પંચમી ત્યાં વસંતની આવી;

તેનો ઉત્સવ અદભુત કીધો, સૌયે લાવ અલૌકિક લીધો. ૫૩

ફુલડોળ તણો દિન આવ્યો, તેનો ઉત્સવ ત્યાં જ કરાવ્યો;

રામનૌમી નૃસિંહજયંતી, કરી તે પણ ત્યાં જ શોભંતી. ૫૪

જેષ્ઠ શુક્લ દશમી દિન જ્યારે, ગંગાજન્મનો ઉત્સવ ત્યારે;

ભીમ એકાદશી બીજે દાડે, વ્રત તેનું તો પાપ નસાડે. ૫૫

એટલા કર્યા ઉત્સવ ત્યાંય, સૌને હરખ વધ્યો મનમાંય;

પરિપૂર્ણ થયાં અનુષ્ઠાન, હોમ કરવાનું કીધું વિધાન. ૫૬

પદ્મકુંડ તે રુડો રચાવ્યો, હુતદ્રવ્યનો હોમ કરાવ્યો;

ત્યાં તો પૂર્ણાહૂતિ પછી કરી, રીતિ શાસ્ત્ર તણી અનુસરી. ૫૭

દીધાં વિપ્રોને દક્ષિણાદાન, રંકને કર્યા રાય સમાન;

જન સર્વ કહે એમ જોઈ, આવું તો ન કરી શકે કોઈ. ૫૮

વાત વિસ્તરી વિશ્વ મોઝાર, થયો જગતમાં જયજયકાર;

વિષ્ણુયાગ ઉપર આવેલા, જન જે હતા ત્યાં જ રહેલા. ૫૯

કૃષ્ણે સર્વને કીધા વિદાય, ચાલ્યા સૌ પ્રભુને નમી પાય;

જે જે લીલા જોઈ નરનારે, અતિ સ્નેહથી નિત્ય સંભારે. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

પુનિત લલિત કૃષ્ણ કેરી લીલા, હૃદય ધરે હરિભક્ત જે રસીલા;

સુમતિ સુજન સર્વ સત્ય જાણે, કુમતિ જનો સુણીને કુતર્ક આણે. ૬૧

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પંચમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિઓઝતસરિતાતટે ષણ્માસપર્યંતવિષ્ણુયાગકરણનામા ત્રયોદશો વિશ્રામઃ ॥૧૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે