કળશ ૩

વિશ્રામ ૧૪

પૂર્વછાયો

વર્ણી કહે નૃપ સાંભળો, રુડી કથા સુણાવું કાન;

વન વિચરતા આવિયા, ભૂતપુરી વિષે ભગવાન. ૧

ત્યાં બે દિવસ વસી પછી, ગયા ક્ષેત્ર કુમારિકા1 માંય;

પછી પામ્યા પદ્મનાભને, ગયા ત્યાંથી જનાર્દન જ્યાંય. ૨

ચોપાઈ

ગયા આદિકેશવ જગદીશ, હતો ત્યાં સુમતિ અવનીશ;

તેને દેખાડ્યો આપ પ્રતાપ, કર્યો શિષ્ય થયો નિષ્પાપ. ૩

મળયાચળમાં ગયા માવ, દીઠો અદ્‌ભુત ત્યાંનો દેખાવ;

પછી ઝાડી વિલોકી વિશાળ, ગયા જ્યાં વિષ્ણુ સાક્ષિગોપાળ. ૪

કરી ત્યાં પાંચ દિવસ નિવાસ, કિષ્કિંધા ગયા શ્રીઅવિનાશ;

પંપાસરને પામ્યા પછી હરી, પછી પંઢરપુર ગતિ કરી. ૫

ચંદ્રભાગા નદી ત્યાં વહે છે, દેવ વિઠ્ઠલનાથ રહે છે;

દૈવી જીવને કરવાને દાસ, મહારાજ રહ્યા ત્યાં બે માસ. ૬

વળી ત્યાં થકી લાગ્યા વિચરવા, ઘણા જીવનાં કલ્યાણ કરવા;

રુડી ઇચ્છા ધરી અતિ ઉર, પ્રભુ ચાલિયા બુરાનપુર. ૭

આવ્યું પ્રથમ જનાબાદ ગામ, એક વિપ્ર મળ્યો તેહ ઠામ;

ઘેર તેડી ગયો તતખેવ, દહીં-સાકર ત્યાં જમ્યા દેવ. ૮

આવ્યા તાપીએ શામશરીર, દિસે બુરાનપુર સામે તીર;

જોયો દક્ષિણતટ તાપી કેરો, દિસે શોભીત સરસ ઘણેરો. ૯

નદી મૌનાંનો સંગમ જ્યાં છે, સ્નાન કરવાનો મહિમા ત્યાં છે;

હતો દિવસ એકાદશી તણો, મેળો તેથી ભરાયેલો ઘણો. ૧૦

ના’વા આવેલા બહુ નરનારી, સૌએ નિરખિયા હરિ સુખકારી;

કર્યું સ્નાન ત્યાં ધર્મકિશોર, અતિ મૂર્તિ દિસે ચિત્તચોર. ૧૧

શિવાશાહ ને શેઠ ગોવિંદ, તેણે નિરખ્યા હરિ સુખકંદ;

જેમ લોહ2 ચમક3 ભણી જાય, તેમ તેઓની વૃત્તિ તણાય. ૧૨

જેમ ચંદ્રને દેખે ચકોર, જેમ મેઘધ્વનિ સુણે મોર;

તેમ તેઓનું ચિત્ત તણાણું, તેથી માહાત્મ્ય મનમાં જણાણું. ૧૩

તેથી પ્રગટ પ્રભુને પિછાણ્યા, જોગીરાજને જગદીશ જાણ્યા;

પછી વિનતિ કરી બહુપેર, ઘનશામને લૈ જવા ઘેર. ૧૪

અનુકંપા4 કરો પ્રભુ આજ, મારે ઘેર આવો મહારાજ;

તાપી ઊતરીને તતકાળ, તેને ઘેર પધાર્યા દયાળ. ૧૫

વિપ્ર બાપુ તથા ભગવાન, રામકૃષ્ણ ત્રીજા ગુણવાન;

શેઠે મિત્ર પવિત્ર તે જોઈ, તેની પાસે કરાવી રસોઈ. ૧૬

જમ્યા શ્રીહરિ ત્યાં સાક્ષાત, કરી જ્ઞાનવિજ્ઞાનની વાત;

પ્રેમ દેખી પ્રેમી જન પાસ, કર્યો ત્યાં હરિ રજની નિવાસ. ૧૭

બીજે દિવસ વળી ભગવાન, રાજઘાટે જઈ કર્યું સ્નાન;

દૈવી જીવ તે આશ્રિત થયા, પ્રભુ ત્યાંથી માલેગામ ગયા. ૧૮

ગામથી દિશા પશ્ચિમ માંય, સારું એક શિવાલય ત્યાંય;

પાંચ રાત્રિ રહ્યા ત્યાં જ વાસ, નદી મોસમ ગંગા છે પાસ. ૧૯

તેમાં સ્નાન કર્યું ઘનશામે, તેથી તીર્થ થયું તેહ ઠામે;

કહે વર્ણી સુણો તમે રાય, ગંગા મોસમ ધન્ય ગણાય. ૨૦

ઉપજાતિવૃત્ત

જેને જળે શ્રીજગદીશ નાયા, તેના ગુણો ગ્રંથ વિષે ગવાયા;

એ તો થઈ આજ પવિત્ર અંગા,5 તે ધન્ય છે મોસમ નામ ગંગા. ૨૧

ભલે નદી હોય અથાહ6 મોટી, ન તીર્થ તો છેક ગણાય છોટી;

પ્રભુપ્રતાપે થઈ જે ઉત્તંગા,7 તે ધન્ય છે મોસમ નામ ગંગા. ૨૨

માહાત્મ્ય જાણી જન જેહ ના’શે, જરૂર તેનું મન શુદ્ધ થાશે;

કીર્તિ થઈ ભૂતળમાં અભંગા,8 તે ધન્ય છે મોસમ નામ ગંગા. ૨૩

જેને થયો શ્રીહરિનો પ્રસંગ, એથી વહે છે ધરીને ઉમંગ;

પવિત્ર તેના તનના તરંગા, તે ધન્ય છે મોસમ નામ ગંગા. ૨૪

ચોપાઈ

ત્યાંથી વેગળે અધ ગાઉ ઠામ, નદી બીજી છે ગિરના નામ;

એક દિવસ પ્રભુ તહાં જઈ, ના’યા તેથી તે પાવન થઈ. ૨૫

માલેગામથી પ્રભુ પરવરિયા, દંડકારણ્ય વનમાં વિચરિયા;

આવ્યા નાશિકપુર ભગવાન, કર્યું ગોદાવરી માંહિ સ્નાન. ૨૬

ત્ર્યંબકેશ્વર દર્શન કરી, આવ્યા સુરત બંદર હરી;

અખાડો નિરવાણનો જ્યાં છે, ગોડિયા તણું મંદિર ત્યાં છે. ૨૭

તેને ઓટલે ઉતર્યા જૈને, ત્રણ દિવસ રહ્યા થિર થૈને;

નિત્ય પૂછે મહાંતની પાસે, રાજભોગ થયા છે કે થાશે. ૨૮

કહે ઉત્તર મહાંત કાકા, આજ તો થયા કોરા કડાકા;

ત્રણ લાંઘણ9 એમ કરાવી, ચોથે દિવસે માલણ આવી. ૨૯

તેણે આપિયું હરિને અન્ન, રાંધી ભાવે કર્યું ત્યાં ભોજન;

ચાલ્યા ત્યાં થકી શ્રીહરિ જ્યારે, આવ્યા અશ્વિનીકુમાર આરે. ૩૦

હતું તાપીમાં નીર અત્યંત, તોય તેમાં ચાલ્યા ભગવંત;

તેમાં પડતાં લોકે બહુ વાર્યા, પાણી ઊપર તોય પધાર્યા. ૩૧

જળ ઉપર રહે પદ્મ જેમ, ચાલ્યા નીર ઉપર હરિ તેમ;

લોક દેખીને વિસ્મિત થાય, પ્રભુ પાછળ તો ન જવાય. ૩૨

એમ સંચર્યા શામશરીર, નાથ આવિયા નર્મદા તીર;

ત્યાંથી નાવમાં બેસી વિચરિયા, અશ્વમેધને આરે ઉતરિયા. ૩૩

ભૃગુ ટેકરીએ રહ્યા રાત, વાલો જાણે ભવિષ્યની વાત;

અહીં મંદિર સુંદર થાશે, મારું ધામ તે મોટું બંધાશે. ૩૪

કર્યો બે દિન ત્યાં વિશ્રામ, ગયા ત્યાંથી પિંપળિયે ગામ;

એક ક્ષત્રી હતો શૂરવીર, નામ ગુલાબસિંહ સુધીર. ૩૫

તેણે મૂર્તિ મનોહર ભાળી, તેથી જાણિયા શ્રીવનમાળી;

ત્યારે તેડી જવા નિજ ઘેર, કરી વિનતિ તેણે બહુ પેર. ૩૬

ઘેર નવ ગયા ધર્મકુમાર, ગયા તેના ખળામાં તે વાર;

શીધું લઈને રસોઈ કરી, એક ઝાડ તળે જમ્યા હરી. ૩૭

ત્યાંથી તવરે ગયા ભગવાન, કર્યું નર્મદામાં વળી સ્નાન;

શુક્લ તીરથમાં ત્યાંથી ગયા, બાવા પ્યારાને ઘાટ તે રહ્યા. ૩૮

ગયા ત્યાંથી પ્રભુજી અંબાળી, અનસૂયા ભલી દેવી ભાળી;

અંબાળીમાં મુમુક્ષુ છે એક, રાજબાઈ વિશેષ વિવેક. ૩૯

તેને દર્શન દેવાને કાજ, ઘેર ચાલી ગયા મહારાજ;

પાટીદાર જે કેશવદાસ, આજ જેનો શિણોરમાં વાસ. ૪૦

અંબાળીમાં રહેતા તે વાર, રાજબાઈ તેની ઘરનાર;

તેણે મૂર્તિ મનોહર ભાળી, તેથી જાણ્યા જે છે વનમાળી. ૪૧

પ્રભુને દૂધ પાયું સુપ્રીતે, કહ્યું પાઈશ રોજ આ રીતે;

મહારાજ વસો અહીં વાસ, સુણી એવું બોલ્યા અવિનાશ. ૪૨

અનસૂયામાં જૈને રહીશ, પય10 પીવાને રોજ આવીશ;

કહી એમ મહાપ્રભુ ગયા, અનસૂયા સ્થાને જઈ રહ્યા. ૪૩

નિત્ય નર્મદામાં કરે સ્નાન, અંબાળીમાં કરે પયપાન;

એમ સાત દિવસ કર્યો વાસ, સંચર્યા પછી શ્રીઅવિનાશ. ૪૪

જોયું જૈ પછી વ્યાસનું સ્થાન, સામે પાર છે શુક ગુણવાન;

એવી રીતે નરમદા તીર, કર્યાં તીરથ શામશરીર. ૪૫

ગયા ચાણોદ થૈને કન્યાળી, જઈને ત્યાંથી ડભોઈ નિહાળી;

વાઘનાથ મહાદેવ માંય, રાતવાસો રહ્યા હરિ ત્યાંય. ૪૬

વિચર્યા વળી ત્યાંથી વસાઈ, ગયા વટપત્તને11 સુખદાઈ;

ચૌટા વચ્ચે છે માંડવી જ્યાંય, રાત વાસો રહ્યા હરિ ત્યાંય. ૪૭

દિસે મૂર્તિ મનોહર સારી, જોવા અધિક મળે નરનારી;

કહે કોઈ છે રાજકુમાર, કહે કોઈ અમર12 અવતાર. ૪૮

કહે કોઈ છે હરિ સાક્ષાત, કરે એમ પરસ્પર વાત;

વળી કોઈ કહે મુખ એમ, કહું છું મને ભાસે છે જેમ. ૪૯

પુરનાથની13 નજરે જો આવે, નકી દરબારમાં પધરાવે;

સારી રીતે કરે સનમાન, માગે દેવ જાણી વરદાન. ૫૦

વળી કોઈ કહે પ્રભુ પાસ, કરો આ નગરીમાં નિવાસ;

ત્યારે ઉત્તર આપે છે હરી, કોઈ અવસરે આવશું ફરી. ૫૧

તમે રાખો છો ભાવ જો સારો, થશે સુફળ મનોરથ તમારો;

એવાં મર્મનાં વચન ઉચ્ચારી, પછી ત્યાંથી ચાલ્યા ગિરિધારી. ૫૨

મહી નદીએ આવ્યા મહારાજ, કરી સ્નાન કર્યું નિત્યકાજ;14

રુડો દેખી નદીતટ ઠામ, કર્યો બે ઘડી ત્યાં વિશરામ. ૫૩

પુષ્પિતાગ્રાવૃત્ત

ઉદિત અધિક ભાગ્ય તે નદીનાં, પદજુગ પામી પવિત્ર જે હરીનાં;

ગુણ ગણિ ગણિ શું કહું જ ગાઈ, સુરસરિતા15 સમતુલ્ય તે ગણાઈ. ૫૪

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિ-મહીનદીપ્રાપ્તનામા ચતુર્દશો વિશ્રામઃ ॥૧૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે