કળશ ૧

વિશ્રામ ૬

દોહરા

શ્રોતા સત્સંગી સુણો, વદે વિહારીલાલ;

વર્ણી ભૂપ સંવાદ શુભ, કહું હવે આ કાળ. ૧

વળી તે વાઘજીભાઈ પ્રતિ, ભાખે ભૂમાનંદ;

સુણતાં સુંદર તે કથા, ઉપજે ઉર આનંદ. ૨

જ્ઞાનબાગમાં એક દિન, વર્ણી અચિંત્યાનંદ;

ધર્મ તનુજનું ધ્યાન ધરી, બેઠા કરૂણાકંદ. ૩

શિખરિણી – વર્ણીંદ્રગુણકથન

અચિંત્યાનંદાખ્ય પ્રવર1 વરણીના ગુણ કહું,

ભલા યોગાભ્યાસી જગ થકી ઉદાસી દિલ બહું; ૪

કર્યાં કાવ્યો કેવાં સુખકર સુધાસાગર સમાં,

સદા રાખી વૃત્તિ પ્રગટ પ્રભુ કેરા ભજનમાં. ૫

કરે વાર્તા જ્યારે અમૃતરસ ત્યારે મુખ ઝરે,

વિરાગી ને ત્યાગી સકળ શ્રુતિના અર્થ ઉચરે; ૬

સદાચારી સારી મતિ સુહિતકારી સહુ તણી,

મુખી વિદ્વાનોના સકળ મુનિયોના શિરમણી. ૭

વળી તે વર્ણીને બહુ બહુ વખાણ્યા નરવીરે,2

સ્વહસ્તે બેસાર્યા વટનગરમાં3 મેંગળ શિરે;4

કહે શ્રીજી પોતે અધિક વરસો જેમ જ જશે,

અમારા શિષ્યોમાં સુરતરુ5 સમા આ બટુ થશે. ૯

પછી નિત્યાનંદે ગુણજલધિ6 ગોપાળમુનિયે,

ગુણાતીતાનંદે રઘુવીરજી આચારજજીયે; ૧૦

અચિંત્યાનંદાખ્ય સુરતરુ ઉછેર્યું શુભ સમે,

પછી પોષ્યું પાળ્યું ભગવતપ્રસાદે વળી અમે. ૧૧

દોહરો

વળી એ જ વર્ણીન્દ્રનું, કહું બીજું આ ઠામ;

કવિવર કૃષ્ણાનંદજી, નિર્મળ છે ઉપનામ. ૧૨

ઉપજાતિ – શ્રોતા-આગમનકથન

તે બ્રહ્મચારીની સમીપમાંય, આવ્યા અભેસિંહ નરેશ ત્યાંય;

તે કોણ ક્યાંના કુળ કોણ એનું, કરૂં હવે વર્ણન કાંઈ તેનું. ૧૩

પવિત્ર છે જાદવવંશ જેહ, જેમાં ધર્યો શ્રીહરિયે સ્વદેહ;

માર્યો મથુરાપતિ કંસ મામો, સૌરાષ્ટ્ર આવ્યા કરી તેહ કામો. ૧૪

દ્વારામતીમાં જનને વસાવ્યા, અંતે બધા જાદવને મરાવ્યા;

ઓખા7 તણો નંદન વજ્રનાભ,8 તેને મળ્યો ત્યાં નૃપગાદિ લાભ. ૧૫

તેના પછી ભૂપ થયા અપાર, કહું બધા તો બહુ થાય વાર;

ભૂપો થયા ગોંડળ ગાદિ કેરા, તેમાં હરિભક્ત ભલા ઘણેરા. ૧૬

પ્રભાતમાં નામ મુખે ભણાય, તો પ્રાણી તે પૂર્ણ પવિત્ર થાય;

તે માટ વ્યાસાદિ લખી ઘણેરી, વંશાવળીયો હરિભક્ત કેરી.

કુંભોજી જે ગોંડળ ગાદિ કેરા, સ્વામી થયા સજ્જન તે ઘણેરા; ૧૭

બે પુત્ર તેના સદ્‌બુદ્ધિ ધામ, સંગ્રામ સાંગોજી પવિત્ર નામ.

સંગ્રામજીને મળી ગાદિ જ્યારે, સુકોટડા ગામ સુખેથી ત્યારે; ૧૮

સાંગાજીને સ્નેહ સહીત દીધું, પોતે સુખે શ્રેષ્ઠ સ્વરાજ્ય કીધું.

સાંગા તણો વંશ વધ્યો સુજેહ, સાંગાણી સંજ્ઞાથી ગણાય તેહ; ૧૯

હાલોજી સંગ્રામ તણા સુપુત્ર, તેણે વધાર્યું વળી રાજ્યતંત્ર.

હોથીજી ભારોજી નથુજી જાણો, હાલાજીના ભાઈ ત્રણે પ્રમાણો; ૨૦

તે ભઇયોને મળિયો ગરાસ, નથુજીનો વંશ કરું પ્રકાશ.

ડોસોજી સંતાન નથુજી કેરા, તત્પુત્ર દાદોજી શુચિ9 ઘણેરા; ૨૧

તેનું ખરું નામ જ તેજમાલ, તેના થયા સામતસિંહ લાલ.

તત્પુત્ર સદ્‌ભાવિક માનસિંહ, કદી ન તે જાય કુપંથ દીહ; ૨૨

ગોપાળસ્વામી ઉપદેશ દીધો, યથાર્થ તે અંતર ધારી લીધો.

સત્સંગનો રંગ અભંગ લાગ્યો, સુભક્તિનો અંગ ઉમંગ જાગ્યો; ૨૩

ગુણાતીતાનંદ તણી કૃપાય, અપાર જેના ઉપરે ગણાય.

નિત્યાખ્યનંદે પણ નેહ આણી, સત્સંગમાં જેની મતિ વખાણી; ૨૪

પવિત્ર તેની પુરી મેંગણી છે, મધૂપુરીથી10 શુચિ મેં ગણી છે.

જ્યાં ભક્ત મોટા નૃપ માનસિંહ, નહી બીજો તેહ સમાન સિંહ; ૨૫

જેવા થયા ખાચર સોમ સૂરા, એવા થયા ભક્ત નહીં અધૂરા.

હરિલીલાકલ્પતરુ કહીયે, રુડો રચ્યો છે રઘુવીરજીયે; ૨૬

તેમાં શુકાનંદ નરેશ માન, સંવાદ છે તે નૃપનો નિદાન.

હાલાજીનો વંશ હવે કહીશ, જેમાં થયા ભક્ત ભલા મહીશ;11 ૨૭

ગાદીપતિ ગોંડળમાં બિરાજે, સુકીર્તિ તેની જગ માંહિ છાજે.

કુંભોજી હાલાજી તણા કુમાર, પરાક્રમી તેહ થયા અપાર; ૨૮

સુણ્યાથી જેનું શૂરવીર નામે, સૌરાષ્ટ્રના સૌ નૃપ ત્રાસ પામે.

શત્રુની સામે નિજ શસ્ત્ર ધાર્યું, પોતા તણું રાજ્ય ઘણું વધાર્યું; ૨૯

તે ભીમ ને અર્જુનની સમાન, પામ્યો પુરૂં શૂરપણાનું માન.

પ્રજા બધી પુત્ર સમાન પાળી, કુદૃષ્ટિયે તો પરસ્ત્રી ન ભાળી; ૩૦

દાતાર ઝુંઝાર12 ગણાય એવો, નહીં બીજો કોઈ કુંભોજી જેવો.

કુંભો સુધા13 સદ્‌ગુણનો જ કુંભ, કુંભો થયો એક જ આમ થંભ; ૩૧

કુંભો દિસે દુર્જનનો જ કાળ, કુંભો ગણે લોક ગરીબ પાળ.

કુંભોજીનો પુત્ર પવિત્ર સારો, સંગ્રામ સંગ્રામ સુજીતનારો; ૩૨

સંગ્રામજીના સુત ચાર જેહ, મૂળુજી દેવોજી હઠીજી તેહ.

ચતુર્થ તો પુત્ર પ્રવીણ સારા, શ્રીભાવસિંહ પ્રભુ સેવનારા; ૩૩

મૂળુજી પામ્યા શુભ પુત્ર બેય, હાલોજી ને દાજી બીજા કહેય.

હાલાજીનો વંશ વધ્યો ન લેશ, તેના પછી દાજી થયા નરેશ; ૩૪

અઢારસેં છપ્પન કેરી સાલે, દાજી ગયા સ્વર્ગ વિષે સુકાળે.

દેવાજી કાકો પછી ગાદિ પામ્યા, જેના જનોમાં જશ ખૂબ જામ્યા; ૩૫

દેવાજીના બે લઘુ ભાઈ ખાસ, તે બેયને ત્યાં મળિયો ગરાસ.

ઘણાજ શાણા હઠિસિંહ જાણી, દેવાજીયે અંતર પ્રીત આણી; ૩૬

સેનાપતિનું પદ શ્રેષ્ઠ દૈને, રાખ્યા સ્વરાજ્યે દિલ રાજી થૈને.

શાર્દૂલવિક્રીડિત

શાણા તે હઠિભાઈયે ભલી રીતે રાજ્યે સુધારો કર્યો,

રાજા રૈયત સર્વને પ્રિય ઘણો તેથી જ તે તો ઠર્યો; ૩૭

સાથે સ્વલ્પ સુસૈન્ય લૈ સ્થિતિ કરી ધોરાજી મધ્યે જઈ,

રામાનંદગુરુ તણી સુગમથી ત્યાં પ્રાપ્તિ તેને થઈ. ૩૮

સત્સંગી થઈને પછી નૃપતિને સત્સંગી સારા કર્યા,

રામાનંદ પધારી ગોંડળ વિષે સંદેહ સર્વે હર્યા; ૩૯

રાજાયે સત્કાર સારી રીતથી સ્નેહે કર્યો સ્વામીનો,

જાણ્યો ત્યાં મહિમા ધણો સુગુરુનો નિર્લોભી નિષ્કામીનો. ૪૦

જ્યારે સંવત તો અઢાર શતને અઠ્ઠાવનામાં વળી,

શ્રીજીને ગુરુ સ્વામીયે નિજ તણી ગાદી સમર્પી ભલી; ૪૧

ત્યારે તે હઠિસિંહને નૃપતિયે ત્યાં મોકલ્યા અશ્વ દૈ,

તેણે ઉત્તમ અશ્વ તેહ હરિને ભાવે કર્યો ભેટ જૈ. ૪૨

રામાનંદ ગયા સ્વધામ પછીથી સાઠ્યા તણી સાલમાં,

મોડા ગામ વિષે પ્રબોધિની કરી વાલાજીયે વાલમાં; ૪૩

ત્યાંથી કૃષ્ણ ગયા સુગોંડલ વિષે પોતે રુડી પેર ત્યાં,

ઉતારો જઈને કર્યો સુકડીયા રત્ના તણે ઘેર ત્યાં. ૪૪

તે તો વર્ષ વિતી ગયા પછી વળી ધોરાજીમાં શ્રીજીને,

તેડાવ્યા હઠીભાઇયે વળી તહાં પૂજા કરી રીઝિને; ૪૫

દેવોજી દરબાર પ્યાર ધરીને તેણેય તેડાવિયા,

તેથી ગોંડળમાં મહાપ્રભુ બીજી વારે તહાં આવિયા. ૪૬

ઉપજાતિ

શ્રીમોંઘિબા વાસ જહાં કરે છે, જ્યાં નિત્ય દેવાર્ચન આદરે છે;

હતી તહાં આગળ અશ્વશાળા, ત્યાં ઊતર્યા ધીમત14 ધર્મલાલા. ૪૭

તેના ગુરૂ તે પણ સંચરેલા, તે સ્થાનકે તે પણ ઊતરેલા;

તે કારણે તે દરબારમાંય, પવિત્ર પૃથ્વી ગણતાં ગણાય. ૪૮

જે સંત મોટા મુનિમુક્ત જેવા, ગયેલ ત્યાં તો ઘણીવાર એવા;

દેવાજીયે આદર માન દીધું, પ્રેમે કરી પૂજન આપ કીધું. ૪૯

ધોરાજીમાં એક સમે ધરેશ, સંભાળવાને વિચર્યા સ્વદેશ;

મહાપ્રભુજી કરીને મહેર, આવ્યા વકાભાઈ ખીમાણી ઘેર. ૫૦

તે વાત દેવાજી નરેશ જાણી, ઇચ્છા ઉરે દર્શન કેરી આણી;

ખીમાણીને ઘેર કહાવ્યું રાયે, હું આવું છું દર્શન કાજ ત્યાંયે. ૫૧

અધીશ આવ્યા તણી વાત જાણી, ચિંતા કરી ચિત્ત વિષે ખીમાણી;

જો ઘેર મારે નૃપતિ પધારે, તો ભેટ દેવી પડશે જ ભારે. ૫૨

તે વાત જાણી વદતાં ગિરામાં, મહાપ્રભુ ત્યાંથી ગયા પરામાં;

કુંભાર ભીમો હરિભક્ત જૂનો, હતો તહાં શિષ્ય વડા ગુરૂનો. ૫૩

ત્યાં તેહના આંગણમાં મજાની, છાયા હતી પારસ પીપળાની;15

ઓટો હતો તે ફરતો વિશાળ, ત્યાં ઊતર્યા જૈ વૃષભક્તિ લાલ. ૫૪

વિરાજીયા ત્યાં ગુણ પાથરીને, વિચાર એવો મનમાં કરીને;

આવે અહીં ભૂપતિ શુદ્ધ ભાવે, માની હશે તો નહિ આંહી આવે. ૫૫

શ્રીજી તણાં દર્શન કાજ ધારી, દેવોજી ચાલ્યા સજીને સવારી;

સાથે લીધી બેરખ16 આરબોની, લીધી ભલી મંડળી મંત્રીયોની. ૫૬

ઊંચે સ્વરે આરબ ઉચ્ચરે છે, બહાર17 તે બંદુકના કરે છે;

દિસે ભલી નોબત ને નિશાન, કહે છડીદાર મહેરબાન. ૫૭

ખીમાણીના વાસ સમીપ આવ્યા, ત્યાં સાંભળ્યું શ્રીહરિ તો સિધાવ્યા;

કુંભારને ઘેર જઈ બિરાજ્યા, જવાની ઇચ્છા કરી ત્યાંય રાજા. ૫૭

પ્રધાન બોલ્યો કરી પૂર્ણ પ્રીતિ, સુણો મહારાજ સુરાજ્ય નીતિ;

કુંભાર જેવા હલકા ગણાય, તેવા તણે ઘેર ન જાય રાય. ૫૮

રાજા કહે શ્રીહરિ જ્યાં બિરાજે, જિજ્ઞાસુ તે સ્થાન જતાં ન લાજે;

જશું પ્રભુને મળવા અમે તો, ન આવશો ત્યાં તમને ગમે તો. ૫૯

પછી ન બોલ્યા મુખથી પ્રધાન, ગયા સહુ છે હરિ જેહ સ્થાન;

સૌએ પ્રભુ પાવ કર્યા પ્રણામ, આશીષ આપી પ્રભુ પૂર્ણકામ. ૬૦

ત્યાં ઓટલા ઉપર રાય બેઠા, બેઠા બીજા તો જન તેથી હેઠા;

માટી તણો ગંજ હતો જહાંય, બેઠા જઈ મંત્રીજનો તહાંય. ૬૧

માલિની

કરી હરિ શુભ વાર્તા જે સુણ્યાની અગત્ય,

જગત સકળ મિથ્યા એક છે ઈશ સત્ય;

સુણી નરપતિ ચિત્તે વાત તે સર્વ ધારી,

વચન અમૃત જેવાં કૃષ્ણનાં કષ્ટહારી. ૬૨

  નૃપતિસુત નથુજી અન્ય કાનોજી નામ,

  જુગલ જણ મળીને આવિયા એહ ઠામ;

  પ્રભુપદ પ્રણમીને બાપુની પાસ બેઠા,

  સુણી વચન હરિનાં તેહને ચિત્ત પેઠાં. ૬૩

નૃપતિ ધન મગાવ્યું એકસો ને પચાસ,

નિજ કર લઈ મુક્યું કૃષ્ણના પાવ પાસ;

નૃપસુત નથુજીને પાણીની પ્યાસ લાગી,

પ્રભુની સમીપ પેખ્યું પાણી તે લીધું માગી. ૬૪

  શુભ ભુજપુર કેરી મૃત્તિકાની કઠારી,

  કમંડળ પણ તેવું તે વિષે શીત વારી;

  નૃપસુત જળ પીધું ઠંડું તે ખૂબ જાણ્યું,

  પછી નરપતિ પુત્રે પાત્ર પ્રીતે વખાણ્યું. ૬૫

નથી જ સરસ થાતાં પાત્ર આ ઠામ એવાં,

સલિલ18 બહુ ઠરે છે શોભિતાં વાહ કેવાં;

સુણી હરિ શુભ સ્નેહે પાત્રરૂપી પ્રસાદી!

નરપતિ સુતને તે આપી પોતાની યાદી. ૬૬

  પછી હરિની રજા લૈ રાય ચાલ્યા સુપેર,

  પ્રભુજી પણ પધાર્યા ક્ષત્રિ ખીમાણી ઘેર;

  ધન નૃપતિ ધરેલું તે હરિયે ન લીધું,

  ગરીબ જન હતા જે તેહને વેંચી દીધું. ૬૭

વૃષસુત હરિકૃષ્ણે કીધું એવું ચરિત્ર,

શ્રવણ ધરી સુણે તો થાય પાપી પવિત્ર;

ઘણી વખત પધાર્યા ગોંડળે વિશ્વઈશ,

વિગત સહિત વાર્તા તે હવે હું કહીશ. ૬૮

ઉપજાતિ

કહે વૃષાચાર્ય વિહારીલાલ, સુણો સુભક્તો ધરીને વહાલ;

મહાપ્રભુ ગોંડળમાં પધારી, જ્યાં જ્યાં રહ્યા તે કહું છું વિચારી. ૬૯

ગુણાતીતાનંદ મુખે સુણેલી, તે વાત મેં અંતરમાં ધરેલી;

હવે કહું આજ પ્રસંગ પામી, શ્રીધર્મના પુત્ર પદે પ્રણામી. ૭૦

દેવાજીયે એક સમે વિચારી, તેડાવિયા ગોંડળમાં મુરારી;

સાધુ તથા પાર્ષદ સર્વ સાથ, પધારિયા ત્યાં વૃષ વંશ નાથ. ૭૧

દેવોજી રાજા સનમુખ આવ્યા, પ્રેમે પ્રભુને પુર માંહિ લાવ્યા;

છે બાગ જ્યાં પીપળ પારકસ્ય,19 ત્યાં ઊતર્યા શ્રીહરિ જૈ અવશ્ય. ૭૨

જ્યાં બંગલો આજ જણાય સારો, તે ઠામ કીધો હરિયે ઉતારો;

છે પીપળો ત્યાં નિજ અશ્વ રાખ્યા, તે પીપળાના ગુણ શુદ્ધ ભાખ્યા. ૭૩

સભા ભરીને હરિ ત્યાં બિરાજ્યા, સ્વજ્ઞાન દેવા જનને નિવાજ્યા;

નાવાની ઇચ્છા થઈ શ્રીહરિને, નાયા કૂવા અંદર ઊતરીને. ૭૪

એ તો કૂવાનો મહિમા અપાર, જેમાં કર્યું સ્નાન જગદ્વિહાર;

કમંડળુ શું અજનું20 ધર્યું છે, સુધા સમાને જળ જ્યાં ભર્યું છે. ૭૫

બ્રહ્માંડ સૌ કૃષ્ણ સ્વરૂપમાં છે, તીર્થો બધાં તેમ જ કૂપમાં છે;

કૂવો પુરાં પુણ્ય કરી જ જામ્યો, પ્રભુની નાભી ઉપમત્વ21 પામ્યો. ૭૬

શ્રીકૃષ્ણ પાદોદક કૂપ જાણ્યો, મોટા મુનિએ મહિમા વખાણ્યો.

માહાત્મ્ય જાણી જળપાન થાય, તો પ્રાણીનાં પાતક સર્વ જાય. ૭૭

તે બાગ મધ્યે ફરી ઠામ ઠામ, પવિત્ર ભૂમિ કરી પૂર્ણકામ.

ભલાં ભૂમિનાં અતિ ભાગ્ય ભાઈ, પ્રભુ પદે ચિહ્નિત જે જણાઈ. ૭૮

પુષ્પિતાગ્રા

પ્રભુપદ રજ હોય જેહ ઠામે, અજ ભવ આદિ તહાં સ્વશીશ નામે;

પુનિત કરણ તીર્થ ત્યાં ગણાય, બહુ મહિમા મુખથી કહ્યો ન જાય. ૭૯

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે પ્રથમકલશે

ભૂમાનંદમુનીન્દ્રવાઘજીભાઈ સંવાદે ગોંડળપુરે હરિ

પ્રસાદીસ્થાનનિરૂપણનામ ષષ્ઠો વિશ્રામઃ ॥૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે