ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૦

કુસંગ

કુંજવિહારીદાસ પ્રથમ આવ્યો ત્યારે પૂરીને કહે, “ફરણી ફરણી જેવું આ શું છે?” પછી તો અન્નકોટ કરવા શીખ્યા. તેમ શીખે તો બધું આવડે પણ એક વાર ભગવત્પ્રસાદજીએ પૂછ્યું જે, “પતાસાં પાડી આપશો?” તો કહે, “હું પતાસાં પાડવા આવ્યો નથી.” ત્યાર કેડે તો પ્રાગજી ભક્તને ઝેર દીધું. તે જ્યારે આવ્યો ત્યારે એવો આશય નહોતો પણ સંગે કરીને જીવનું ભૂંડું થાય છે. (૧)

પ્રકરણ/વાત: ૮/૧૨૮

સો મણ સાકરમાં એક મણ અફીણ નાખે તો બધી કડવી લાગે તેમ થોડોક કુસંગ લાગે તો સત્સંગ બગડી જાય. (૨)

પ્રકરણ/વાત: ૮/૨૪૮

ખટ્દર્શનનો વિશ્વાસ ન કરવો. જેસંગભાઈના દીકરાને એક બાવે ગીતા ભણાવી તે બ્રહ્મકોદાળ કરી મૂક્યો. પછી ગોપાળાનંદ સ્વામીએ ફરી ગીતા ભણાવીને પાછો સત્સંગી કર્યો. માટે પ્રસંગે તો બુદ્ધિ ફરી જાય ને સત્સંગ પણ ટળી જાય. (૩)

પ્રકરણ/વાત: ૯/૫૧

... ગોપાળાનંદ સ્વામી ત્યાગી થવા આવ્યા ત્યારે પ્રાગજી દવેએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું જે, “પચીશ વરસની ઘરે બેઠી છે ને શા સારુ ખુવાર થાવા આવ્યો છું?” તે એવાનો સંગ થાય તો એમ જ સમજાવે. (૪)

પ્રકરણ/વાત: ૯/૯૯

ભારે દુઃખમાં દુઃખ ને ભારે દોષમાં દોષ તો નીચ માણસનો સંગ થાય એ જ છે. ઇંદ્રિયું-અંતઃકરણ પણ નીચ છે, માટે એને આધીન થાય તેનો સત્સંગ રહેવાનો નથી. સત્સંગથી વિમુખ થયો એથી બીજી હાણ નથી. (૫)

પ્રકરણ/વાત: ૯/૧૨૮

બજારે બેસે ને મંદિર ન આવે તો ગ્રામ્યકથાએ કરીને અંતર બગડી જાય. મોટાં માણસ આગળ ગ્રામ્યકથા બહુ થાય તેથી અમને મોટા માણસ પાસે બેસવું ગમે નહિ. કાં જે, આપણે ભગવાન સંભારવા ને એને માયાના સર્ગ કાઢવા. એટલે આપણે ઠીક ન પડે. માટે જેટલી ગ્રામ્યકથા, જેટલી ચિંતા, જેટલો વહેવાર એ સર્વે ભગવાનના મારગને ઉચ્છેદન કરનારાં છે... (૬)

પ્રકરણ/વાત: ૯/૨૧૮

જેનો જીવ લપટાણો હોય તેને કેમ કરવું? હઠે કરીને આંકડો રાખવો. અભેસિંહજીના કોઈ ભાયાત આવ્યા હતા તે ગપ્પાં મારવા મંડ્યા. પછી અભેસિંહજીએ ઓરડો વાસીને બે વાગ્યા સુધી ધ્યાનમાં બેસવા માંડ્યું પછી નિયમ કરે, ત્યારે પછી જમવા જાય. ત્યાં સાંજ પડે. એમ ભાયાતને ગ્રામ્ય વાર્તા કરવાનો વખત નહિ મળવાથી મહિનો એક રહીને સૌ ભાગી ગયા. હઠે કરીને રાખવું જે, આવો શબ્દ સાંભળવો નહિ, રૂપ જોવું નહિ એમ આંકડો રાખીને મન સાથે કજિયો કરે ત્યારે લપટણો ન રહે. (૭)

પ્રકરણ/વાત: ૯/૨૪૧

ગ્રામ્યકથાનો જેને સ્વભાવ પડ્યો હોય તે લબરકો લઈ લીએ. ગ્રામ્યકથામાંથી તો મહારાજ ઉદાસી થઈ ગયા. પછી કોઈને પાસે આવવા દીધા નહિ. સોનું કાંઈ પાણીએ ધોવાય નહિ, તે તો રસ કરીને રેડશે ત્યારે મૂર્તિ થાશે ને પછી પૂજાશે. તેમ એ વાત કર્યા વિના કેમ થાય? ઝીણાભાઈની પેઠે ફિકર રાખવી જે, ‘રખે મારું મન ભગવાન વિના બીજે બંધાઈ જાય નહિ.’ (૮)

પ્રકરણ/વાત: ૯/૨૬૫

... મોટા માણસ હોય ત્યાં ગ્રામ્યકથા ઝાઝી હોય ને હાયવોય પન ઝાઝી હોય. જેમ ભરવાડિયું સૂતક હોય તે મટે નહિ તેમ તેને કરોડ ઘાટ થાય તે કેમે ય મટે નહિ. (૯)

પ્રકરણ/વાત: ૯/૩૦૦

વિષયના લાગમાં ખરેખરા હોય તે આવે નહિ. સો કળા કરીને પણ નીકળી જાય પણ કુસંગના પેચમાં આવે નહિ. અને જે વિષયી છે તેને તો વિષયને માટે બહુ પ્રયાસ કરવો પડે છે ને તે મેળવવા યુક્તિઓ રચવી પડે છે. તે ઉપર ત્રણ પ્રકારના કુસંગની વાત કરી જે, ગૃહસ્થને પરસ્ત્રીનો ઘાટ થયો તે અંતરનો કુસંગ કહેવાય ને ત્યાગીને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ છે તેમાં ભંગ થાવાના મનમાં સંકલ્પ થાય તે અંતરનો કુસંગ. તેમ જ અંતરમાં ભગવાન ને સંત વિષે મન કુતર્ક કરે ને એકાંતિકને વિષે ને સાધારણને વિષે સમભાવ કરાવે તે અંતરનો કુસંગ છે. અને આપણા સંપ્રદાયથી બહારલા સ્વામિનારાયણની નિષ્ઠા થકી પાડે તે બહારલો કુસંગ. અને સત્સંગમાં કુસંગ છે તે બીજા બે કરતાં વધારે દુઃખ કરનાર છે, તે કંઠી-તિલક કરી સત્સંગી કહેવાતા હોય અને ત્યાગી પણ ભગવાં પહેરી થયા હોય અને જીવ આસુરી હોય તે સારા સાધુ-હરિજનમાં ખટપટ કરાવે, ને મહારાજ અને બીજા અવતારમાં સમભુદ્ધિ કરાવે ને એકાંતિક સંતનો દ્રોહ કરે ને કરાવે, એવા હોય તે સત્સંગમાં કુસંગ છે. અને આવો જે વિચાર તે ખપવાળા સાધુ-સત્સંગીને રાખવાનો છે, પણ નાગો બાવો સો ઘોડે લૂંટાય નહિ તેમ લોળીઆ પાડા જેવા હોય ને કુસંગી જેવા હોય તેને એ વાતની ગમ જ નથી. પણ આપણે જ ફિકર છે. (૧૦)

પ્રકરણ/વાત: ૧૦/૧૦૬

Vat Selection


Type: Keywords Exact phrase